તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરીર પૂછે સવાલ:કમર પર ચરબી જામી ગઈ છે, હટાવવા માટે શું કરું?

24 દિવસ પહેલા
 • કૉપી લિંક

- વનિતા વોરા

પ્રશ્ન : પહેલાં મારી કમર પાતળી હતી પણ હવે એનો ઘેરાવો વધી ગયો છે. મારી કમર પર ચરબી જામી ગઇ છે. આ જામેલી ચરબી હટાવવા શું કરવું જોઇએ? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : શરીર પર વધતી ચરબીને શરૂઆતમાં હળવાશથી લેવામાં આવે છે પણ જ્યારે આ ઘેરાવો વધી જાય છે ત્યારે ચિંતાનું કારણ બને છે. કસરતનો અભાવ, ખાવાની ખોટી ટેવો, બેઠાડું જીવન અથવા તો સગર્ભાવસ્થા જેવી સ્થિતિના કારણે આવું થાય છે. આ ચરબી રાતોરાત ઘટાડી નથી શકાતી. જો રોજિંદા કાર્યક્રમમાં વેઈટ-ટ્રેનિંગ અને સંતુલિત આહારનો સમાવેશ ના કરવામાં આવે તો કમરની ચરબી ઓછી નથી કરી શકાતી. ચરબી ઓછી કરવા માટે અઠવાડિયાંમાં ઓછામાં ઓછો એકવાર ઉપવાસ કરવો જોઇએ. કમર અને પેટની ચરબી ઓછી કરવા માટે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ.સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન કરવાથી ધીમે ધીમે ચરબી ઘટી શકે છે. ભોજનમાં જંક ફૂડ અને તળેલું ભોજન ઓછું કરો. કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે અને રાત્રે જમ્યા પછી તરત ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.

પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું. મારા હજી લગ્ન નથી થયા પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે શારીરિક રીતે સક્રિય છું. મારી સમસ્યા એ છે કે મને લાગે છે કે શારીરિક સંબંધ બાંધ્યા પછી મને માથાનો દુખાવો થાય છે. આવું થવા માટે શું કારણ જવાબદાર હશે? એક યુવક (નવસારી) ઉત્તર : તમારી સમસ્યા થોડી અલગ છે, પણ આવું ક્યારેક થઇ શકે છે. જાતીય સંબંધ બાંધ્યા પછી ઘણા લોકો માથું દુખવાની ફરિયાદ કરે છે. એને પોસ્ટ-કોએટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે અને દુખાવો થાય છે. જો એવું હોય તો તમે ડોક્ટરની સલાહ પ્રમાણે પેઇનકિલર લઇ શકો છો. આ પરિસ્થિતિ માટે ક્યારેક માનસિક સ્થિતિ પણ જવાબદાર હોઇ શકે છે. ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી જો તમારા મનમાં તમે જે કરી રહ્યા છો એ ખોટું અથવા તો ગંદું છે એવું માનતા હશો તો એની માનસિક આડઅસર પણ માથાના દુખાવામાં કારણભૂત બની શકે છે. વ્યક્તિ જાતીય સંતોષ મેળવ્યા પછી તેણે કંઈક ખોટું કર્યું છે એવી લાગણી અનુભવતી હોય ત્યારે પણ આવું થઈ શકે છે. જો આવી કોઈ માન્યતાઓ ધરાવતા હો તો એ દૂર કરવી જરૂરી છે. જો એવું ન હોય તો કોઈ સારા ન્યુરોલોજિસ્ટને બતાવીને જરૂર પડે તો મગજનું સ્કેનિંગ કરાવી લેવું હિતાવહ છે. એના આધારે તમારું યોગ્ય નિદાન અને સારવાર કરવાની દિશા મળશે. જો કોઇ શારીરિક સમસ્યા હશે તો સમયસર નિદાન થવાથી સારવાર માટે સમય પણ મળશે.

પ્રશ્ન : મારી વય 54 વર્ષની છે અને મને ઘૂંટણમાં બહુ દુખાવો થાય છે. શું મારા ખોરાક અને જીવનશૈલીમાં ફેરફાર કરીને આ દુખાવો મટાડી શકાય છે કે પછી ઓપરેશન જ કરાવવું જોઇએ? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : ઘૂંટણમાં દુખાવો થવાની સમસ્યા બહુ પીડા આપે છે. તમારા દુખાવાનું કારણ જાણવા માટે કોઇ સારા ડોક્ટરની સલાહ લો. જો સમસ્યા બહુ ગંભીર ન હોય તો ખોરાક અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાથી ફાયદો થાય છે. આ સમસ્યાનું કારણ અનિયમિત જીવનશૈલી, જંકફૂડ, મેંદાનું અતિ સેવન, ખોરાકમાં સાકરનું વધુ પ્રમાણ, વધતું વજન, બેઠાડું જીવન વગેરેને ગણી શકાય. કેટલીકવાર આંબલી કે ખટાશવાળા પદાર્થો વધારે પ્રમાણમાં લેવાથી પણ સાંધાઓમાં દુ:ખાવાની સમસ્યા સર્જાઈ શકે છે. જેમ- જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, તેમ તેમ શરીરમાં સ્થૂળતા પણ ઘણી વખત વધતી જતી હોય છે. આ સ્થૂળતાના કારણે સમગ્ર શરીરનું વજન ઘૂંટણ ઉપર આવે છે ને ઘૂંટણમાં ભયંકર દુ:ખાવો ચાલુ થઈ જાય છે. પરિણામે દર્દીને ઊઠવા બેસવામાં, પલાઠી વાળવામાં તેમજ ચાલવામાં પણ ખૂબ જ પીડા થાય છે. ઘણીવખત હાજત જવાના સમયે પણ દર્દી ઉભડક બેસી શકતો નથી અને ઘૂંટણમાં અસહ્ય દુ:ખાવો થતો જોવા મળે છે. મોટી ઉંમરે સ્ત્રીઓમાં મોનોપોઝના સમય દરમિયાન શરીરમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ખૂબ ઘટી જવાથી વજન વધવું, પગમાં સોજા આવવા વગેરે જેવી સમસ્યાઓને કારણે પણ ઘૂંટણની સમસ્યા વધી જાય છે. આ સમસ્યા શરીરમાં વાયુ વધી જવાનાં કારણે થાય છે જેના કારણે દર્દીએ પણ વાયડા આહારનો ત્યાગ કરવો, ચોળા, પાપડી, તુવેર, મઠ, રીંગણ, બટાટા વેગેરે વાયુકર આહાર છે જેથી તેની પરેજી ખૂબ જરૂરી છે. આ સિવાય નિયમિત ફિઝિયોથેરાપીની સારવાર લેવાથી પણ ફાયદો થાય છે.

પ્રશ્ન : સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરી શકાય? આનાથી બાળકને નુકસાન તો નહીં થાય ને? એક યુવતી (આણંદ) ઉત્તર : સામાન્ય રીતે ડોક્ટર પોતે જ સગર્ભાવસ્થા દરમિયાન સક્રિય રહેવાની અને હળવી કસરત કરવાની સલાહ આપતા હોય છે. જો તમે સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરવા ઇચ્છતા હો તો એ વિશે તમારા ડોક્ટર પાસથી યોગ્ય સલાહ લઇ લો કારણ કે દરેક મહિલાની શારીરિક પરિસ્થિત અલગ અલગ હોય છે. પ્રેગનન્ટ મહિલા માટે ભારે વજન ઊંચકવાનું કામકાજ અથવા તો ભારે કસરતો કરવાનું હિતાવહ નથી. સગર્ભાવસ્થા દરમિયાન હળવી કસરત કરવાની ફાયદો થાય છે કારણ કે આ કસરતો શારીરિક અને માનસિક રીતે સંતોષ ઉત્પન્ન કરનારી હોય છે. એ મહિલાને પ્રસૂતિ માટે તૈયાર કરે છે. કસરત કરવાને કારણે સ્નાયુઓ ફ્લેક્સિબલ બને છે જે પ્રસૂતિને ખરેખર વધારે સરળ બનાવે છે. શ્વાસોચ્છ્વાસ પરનો કાબૂ ડિલિવરી સમયે ઉપયોગી નીવડે છે. જરૂર પ્રમાણેની કસરતોથી કમરનો દુખાવો મટી શકે છે. આ કસરતો સગર્ભાવસ્થાના અંતઃસ્ત્રાવોથી સાંધાઓ ઢીલા પડ્યા હોય તેને પણ સુસંગઠિત કરે છે. કસરત પછી મગજમાંથી ‘એન્ડોર્ફીન’ નામનો રાસાયણિક પદાર્થ ઉત્પન્ન થાય જેનાથી આનંદ અને સંતોષની લાગણી અનુભવાય છે. પહેલાના જમાનામાં કસરતનું બહુ ચલણ નહોતું ત્યારે ઘરની વડીલ મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન મહિલાને શક્ય એટલું વધારે હલનચલન કરવાની સલાહ આપતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો