જોબન છલકે:સપનું પૂરું કરવા આપી આકરી કિંમત

14 દિવસ પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

માનસીના ચહેરા પર ન સમજાય એવી ઉદાસી વ્યાપેલી હતી. મનને ન કળાય એવી વ્યથા વીંટળાયેલી હતી. એની સ્વપનીલ આંખો ભાવહીન લાગી રહી હતી. નાનપણથી જ માનસીનું શરીર રબર જેવું ફ્લેક્સિબલ હતું. સ્પોર્ટ્સમાં તે હંમેશાં અ‌વ્વલ રહેતી. સ્કૂલમાં માનસીના સ્પોર્ટ્સ ટીચરે તેને યોગમાં ધ્યાન કેન્દ્રિત કરીને એ દિશામાં આગળ વધવાની સલાહ આપી અને આ દિશામાં તેની ગાડી પૂરપાટ દોડવા લાગી. હાયર સેકન્ડરી સુધી તો માનસીએ અનેક રાજ્ય સ્તરની યોગની સ્પર્ધા જીતીને પોતાના નામનો ડંકો વગાડી દીધો હતો. હાયર સેકન્ડરી પછી માનસીના શરીર પર યૌવન બેઠું અને એની અસર તેના વર્તનમાં પણ જોવા મળતી. માનસીને રોજ ઊઠીને અરીસા સામે ઊભા રહી પોતાને જોવાની એને આદત. એક દિવસ માનસી અરીસા સામે ઊભી રહી તો એને પોતાનું જ શરીર કંઇક અલગ લાગ્યું. માનસીને પોતાની આંખોમાં ડોકિયાં કરતી એક યૌવનિક નટખટતા જોવી ગમતી. એ દિવસે પોતાના જ શરીરના બાંધા પર નજર નાખી ઠૂમકો મારી એક અદામાં ઊભી રહી અને રોજની જેમ શરમાઈ પોતાનો જ ચહેરો હાથથી ઢાંકી બાથરૂમ તરફ દોડી ગઈ. એ દિવસે તેને પહેલી વખત વિચાર આવ્યો કે કોણ હશે જે મનનો માણીગર બની આ યૌવનને માણશે? માનસી અભ્યાસમાં સરેરાશ હતી એટલે તે પોતાની કરિયર તેની પસંદગીના યોગના ક્ષેત્રમાં ઘડવામાં ઇચ્છતી હતી. ગુજરાતના એક નાનકડા શહેરમાં રહેતી માનસીના કોચે તેને આ દિશામાં આગળ વધવા માટે મુંબઇ જઇને યોગનો એડવાન્સ કોર્સ કરવા માટે સલાહ આપી. માનસીએ પોતાની ઇચ્છા માતા-પિતા પાસે વ્યક્ત કરી અને માતા-પિતાએ પણ તેને પરવાનગી આપતાં 18 વર્ષની વયે માનસીએ ગ્રેજ્યુએશનની સાથે સાથે યોગના એડવાન્સ કોર્સ કરીને એ ફિલ્ડમાં આગળ વધવા માટે મુંબઇની વાટ પકડી. શરૂઆતના તબક્કામાં તો બધું બરાબર ચાલ્યું પણ એકાદ વર્ષના અભ્યાસ પછી તેને મુંબઈનો ખર્ચ ભારે પડવા લાગ્યો. આ સંજોગોમાં તેણે વધારાની આવક મેળવવા માટે યોગના ટ્યુશન આપવાનું નક્કી કર્યું અને તેનો પહેલો વિદ્યાર્થી બન્યો માનસ. માનસ તેના કરતા ત્રણ વર્ષ મોટો હતો અને મલ્ટિનેશનલ કંપનીમાં સારા હોદ્દા પર નોકરી કરતો હતો અને મુંબઇમાં એકલો જ રહેતો હતો. તેને યોગમાં બહુ રસ પડતો હતો એટલે તેણે ફિટનેસ માટે યોગ શીખવાનું નક્કી કર્યું હતું. તેને કોઇએ માનસીનો રેફરન્સ આપતા તેણે સામેથી જ માનસીનો સંપર્ક કર્યો હતો. માનસીને પણ રોજ એક કલાક યોગ શીખવવા માટે સારી એવી ફી મળતી હોવાના કારણે તેણે પણ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. માનસી અને માનસ યોગના પાઠ ભણતાં ભણતાં એકબીજાની અત્યંત નજીક આવી ગયા. મુંબઇની એક વરસાદી યોગ શીખવવા માનસના ઘરે જવા નીકળેલી માનસી ત્યાં પહોંચતા સુધીમાં તો સાવ ભીંજાઇ ગઇ. માનસીને આવી હાલતમાં જોઇને માનસે તેને આવી સિઝનમાં પણ આવવા બદલ મીઠો ઠપકો આપ્યો પણ સાથે મમરો પણ મૂક્યો કે, ‘જો તમે ન આવ્યા હોત તો સાંજના આ વાતાવરણમાં કંઇક ખૂટતું હોત એવું પણ લાગત...’ માનસીએ આ કમેન્ટ જાણે ન સાંભળી હોય એવો દેખાવ કરીને પોતાની પાસે રહેલી એકસ્ટ્રા જોડી ચેન્જ કરીને યોગ પ્રેક્ટિસ ચાલુ તો કરી પણ જેમ જેમ વાતાવરણ મદહોશ થતું ગયું તેમ તેમ બંને વચ્ચે એક અજબ કેમિસ્ટ્રી રચાતી ગઇ. માનસીના જવાના સમયે વરસાદ પૂરજોશમાં પડતો હોવાના કારણે માનસે તેને પોતાના જ ઘરે રોકાઇ જવાનો આગ્રહ કર્યો અને તેના આ આગ્રહમાં માનસી તણાઇ ગઇ. વરસાદી માહોલ, આકર્ષણની લાગણી અને નિકટતા...આ પરિબળોને કારણે શરીરે પછી શરીરનું કામ કર્યું અને બંને એકબીજામાં ઓતપ્રોત થઇ ગયાં. બીજા જ દિવસે માનસે તેની પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જેને માનસીએ સ્વીકારી લીધો. માનસના પરિવારને પણ આ લગ્નમાં કોઇ વાંધો ન હોવાના કારણે એક મહિનામાં તો તેમનાં લગ્ન થઇ ગયાં. લગ્ન પછી માનસ પોતાનાં કામમાં વ્યસ્ત થઇ ગયો અને કરિયરમાં આગળ વધવાના ઝનૂનમાં તે દિવસના 18-18 કલાક કામ કરવા લાગ્યો. માનસીને ઘરે એકલતા લાગતાં તેણે ફરી યોગ ટ્રેનિંગ શરૂ કરી. એક દિવસ માનસીના યોગ ટીચરે તેને કહ્યું કે તેના સારા પર્ફોમન્સને કારણે તેને સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવી છે અને તેને જર્મની જઇને એક પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં એક વર્ષ યોગની તાલીમ લેવાની તક મળશે. માનસીએ ઘરે આવીને ઉત્સાહપૂર્વક માનસને તેની જર્મનીની ટ્રેનિંગની વાત કરી તો ગુસ્સામાં માનસે છણકો કરીને પ્રતિભાવ આપ્યો કે, ‘તો પછી ઘર કોણ સંભાળશે. તારો અભ્યાસ ઘરમાં કોઈ રીતે બાધક ન બનવો જોઈએ. મારા ઘરમાં આ બધું નહીં ચાલે.’ માનસની વાત સાંભળીને માનસી રડી પડી અને તે રાતભર વિચારતી રહી અને નિ:શબ્દ રડતી રહી. ‘મારું ઘર કયું?’ આખરે તેણે ઘડિયાળમાં જોયું તો પરોઢના પાંચ વાગ્યા હતા. તેણે હથેળી વડે આંખો લૂછી, મન મક્કમ કરી એક સૂટકેસમાં થોડાં કપડાં અને બધાં ચોપડાં ભરી ચૂપચાપ ઘર છોડીને નીકળી ગઇ. તેની એક ખાસ સહેલી શહેરમાં એકલી જ રહેતી હતી, તેના ઘરે જઈ રડતાં-રડતાં તેણે આપવીતી કહી. સહેલીએ તેને હિંમત આપતાં કહ્યું, ‘તેં બરાબર કર્યું. તું તારું સ્વપ્ન પૂરું કર, હું સાથ આપીશ.’ અને આખરે માનસીએ સ્ટુડન્ટ એક્સચેન્જ માટે અરજી કરવાનું ફોર્મ ભરી જ દીધું.

અન્ય સમાચારો પણ છે...