"ગમ્મે તે કહો યાર...તમે લેખિતમાં ફાયદા હમજાવો...કે એના બધા ટાઇમિંગો સેટ કરો પણ વધારે પડતું તો નકામું જ.’ પોતે કઈ વાતનો ઉપાડ કર્યો એ તો કંકુકાકીને જ ખબર. ‘કોઈ બી વસ્તુ લઈ લો તમે. ગુસ્સો હોય કે મજાક હોય પણ વધારે પડતું તો બધું નકામું જ. સંબંધો બગાડે કોકની જોડે..’ હંસામાસી બોલ્યાં, પણ કંકુકાકી એમની વાતને વખોડી કાઢતા કહે, ‘મજાક તો હમજ્યા ભલા માણસ પણ ગુસ્સો તો ઠીક છે કે કોક ઉપર કરવાનો હોય એટલે ચાલે...અને ગુસ્સો તો કરી જ નાખવો જોવે. ખોટું મનમાં ને મનમાં બળ્યા કરીએ, તો ઊલટું આપડાને માનસિક અસર થઇ જાય અને હું તો કહું છું સંબંધો બગડે એ ય પોસાય એક વખત પણ આપડા ઉપર જ્યારે વાત આવે અને આપણને નુકસાન થતું હોય ત્યારે તો લોકોએ હમજવું જ જોઈએ ને યાર! ‘હાચું હાચું અલા...મારે મારી નણંદો જોડે નાના મોટા છમકલાં થતાં તો થઈ જાય પણ પછી તમારા ભઇને હમજાવતા નાકે દમ નીકળી જાય છે.’ સવિતાકાકીએ પોતાની રીતે વાતને સેટ કરી એટલે કંકુકાકી જરા ખીજાઈને કહે કે, ‘હવે એ વાત અત્તારે રહેવા દો. તમે માર ભઈને હમજાઈ ના શકો, તો એ તો તમારો પર્સનલ પોબલેમ કહેવાય અને હું સ્વભાવની તો વાત જ નથી કરતી...એ તો હૌ પોતપોતાનો આડો અવળો અલગ અલગ લઈને આયા હોય. હું તો જુદી જ વાત કરું છું...ખાવા પીવાની...’ ‘લો બોલો...એમાં તમે સું નવી વાત કરી? આ તમે ખાવા પીવામાં માપ ના રાખો તો પછી જતે દહાડે તમારે હેરાન થવાનો જ વારો આવે. વધારે ખવાઇ જાય તો અપચો થાય ને આળસ પણ આવે.’ સવિતાકાકીએ પણ મોટી ઈંટ સામે નાના એવા પત્થરથી જવાબ આપ્યો. ‘અરે બહેન...ખાવાનાની તો અમુક અમુક અંગો કે જેને ખાવાના વિશે જ કામ હોંપ્યુ છે, એના ઉપર જ અસર થાય.. ખરેખરું ધ્યાન તો પીવામાં રાખવું જોઈએ!’ કંકુકાકીએ ફોડ પાડ્યો એટલે કલાકાકી ય બોલ્યાં, ‘તે એ તો હવે બધાને ખબર જ છે કે કોલ્ડ્રિંસ નુકસાન કરે અને તમે વધારે પડતી સોડા પીવો એ ય નંઇ હારું અને પેલું...બીજું...તો ભઈસાબ નામ લઇએ તો પણ પાપ લાગે આપડાને!’ ‘તમે તો ક્યાંની ક્યાં વાત લઈ જાવ છો યાર. હું એ બધાની તો વાત જ નથી કરતી. એ બધું તો માણસ કોઈ કોઈ વાર પીવે. હું તો રોજબરોજની વાત કરું છું.’ કંકુકાકી તાડૂકયાં... ‘તમારી વાત સાથે આપડે સો ટકા સહમત...ચા કોફી પણ થોડું ઘણું નુકસાન તો કરે જ.’ હંસામાસીએ એમને થોડા શાંત પાડયાં...તો તેઓશ્રી વધારે ગુસ્સે થયાં, ‘તમે યાર ચા કોફીની ક્યાં માંડો છો...હું એ બધી અઘરી વાતો જ નથી કરતી. હું તો સીધી સાદી જ વાત કરું છું...!’ ‘તો પણ અમે આખો અભ્યાસક્રમ તો પતાઈ દીધો.. હજી ય પીવામાં બાકી સંુ રહી ગયું?’ સવિતાકાકીએ બધા વતી કહ્યું એટલે કંકુકાકીએ ઘટસ્ફોટ કર્યો, ‘મેઇન વસ્તુનું તો તમે નામ પણ ઉચ્ચાર્યું નથી...અને એ છે પાણી.’ ‘અલા હા...આ વધારે પડતો વરસાદ પડે તો ભઈસાબ ચારેય બાજુ કેટલંુ બધું પાણી ભરાઈ જાય છે...અને પછી કાદવ ય કેટલો થાય છે! અને કોક ગંધારા પગ લઈને આવે ને આપડું ઘર બગાડે. કંકુબહેન, માની ગયા બોસ... એકદમ હાચી વાત છે તમારી. વધારે પડતું પાણી પણ નુકસાન તો કરે જ છે.’ લીનાબહેન તો ઓવારી ગયા એમની વાત પર. ‘અરેરે...તમે લોકો સમજશો જ નંઇ? હું એક વાર તો બોલી કે હું પીવાની વાત કરું છું.’ કંકુકાકી લમણે હાથ દઈને બેઠાં. ‘તો એ બાબતમાં તો તમે હાવ ખોટા છો. પાણી તો સરીર માટે બહુ જ હારું અને એમાં પણ ગરમીમાં તો વધારે પડતું પીવું જ જોઈએ નકર સરીરમાંથી પાણી ઓછું થઈ જાય. આ તડબૂચ ને ટેટી...બધામાં ઢગલો પાણી આવે છે, એટલે જ તો ઉનાળામાં એનો મારો રાખીએ છીએ આપડે અને સરીર તો ઠીક...મેં તો હાંભળ્યું છે કે આપડી પૃથ્વીમાં પોણા ભાગનું તો પાણી જ છે!’ લીનાબહેને એમનો વૈજ્ઞાનિક રીતે સામનો કર્યો. ‘હવે તમે પણ શું? હું પીવાની વાત કરું છું, ને તમે પૃથ્વીને ક્યાં વચ્ચે લઈ આયા...? હું તો એમ કહું છું કે આ જે બધા રોગો છે ને પાણી ભરાવાના...જેમ કે ફેફસામાં પાણી ભરાઈ જાય, ઢીંચણમાં પાણી ભરાઈ જાય...કિડનીમાં પાણી ભરાઈ જાય...એ બધંુ વધારે પાણી પીવાના પ્રતાપે જ. અરે, મને તો લાગે છે કે, આપડા સરીરમાં જ્યાં ને ત્યાં હાથે પગે જે નાના મોટા સોજા ચડે છે ને, એ બી લગભગ તો પાણીનાં જ હસે કારણ કે લોહીનાં તો સોજા ના જ ચડે એટલું તો હું ય મેડિકલ જાણું જ છું...!’ બાયોલોજીના લોજિકનો લેકચર રંગે ચંગે પૂરો થયો અને બધાં વિખેરાઇ ગયાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.