લઘુનવલ:‘વરને તો ખાઇ ગઇ, ભાઇને ય ડૂબાડતી ગઇ! સરસ્વતી આવાના મોંએ શીદ બેસતી હશે!’

18 દિવસ પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક

(પ્રકરણ:8) આખરે નણંદની વાણી કાળવાણી પુરવાર થઇ! આસિતાના જીવને જંપ નથી. ગયા અઠવાડિયે હાર્દિકે આપેલો નુકસાનીનો ચિતાર બહુ જલ્દી હકીકતમાં પલટતો જોવા મળી રહ્યો છે. દેશભરમાં બળતી બાઇક એક જ કંપનીની છે એ જાહેર થતાં મીડિયામાં ટ્રાયલ ચાલુ થઇ ગઇ, કંપનીના માલિક પરિવાર સહિત વિદેશ જતા રહ્યા હોવાના સમાચારે આગમાં ઘી હોમ્યું. શૉરૂમ પર બાઇક પરત કરવા માટે ધસારો છે. બીજાના લેણા બાકી રાખવાનું એના સ્વભાવમાં નહોતું. નરહરિભાઇના દીકરાએ દેવાળુ ફૂંક્યું એવું કહેતા કોઇને રોકાય નહીં, પણ નરહરિભાઇનો દીકરો લોકોના પૈસા ચાંઉ કરી ગયો એ સાંભળી ન લેવાય! ધણી આટલી માનસિક તાણમાં હોય ત્યારે એનો સધિયારો બનવાને બદલે આસિતા ઉઘરાણી કરતી : કંઇ થયું? સોસાયટીમાં વાત થવા માંડી છે. આ બધું તમારી બહેનના પ્રતાપે. પોતાના વરને તો ખાઇ ગઇ ને ભાઇને ય ડૂબાડતી ગઇ! જાણે સરસ્વતી પણ આવાના મોંએ શીદ બેસતી હશે! પત્નીનો બળાપો અત્યારે પણ હાર્દિકે ખમી ખાધો. આસિતાને કંઇ પણ કહેવું નિરર્થક હતુ. અમીરીને કારણે અધ્ધર ચાલનારી પર આજે દરિદ્રતાને દરવાજે જોઇ શું વીતતું હશે એ હાર્દિક સમજતો. ગમે તેમ તોય, વેપાર-ઘર ચલાવવાની જવાબદારી મારી, એમાં હું નિષ્ફળ નીવડ્યો. મહિના-બે મહિનામાં કોઇ ચમત્કાર ન થયો તો શૉરૂમની ખાધ ભરવા મારે ફેક્ટરી વેચ્યા વિના છૂટકો નથી અને નવો ધંધો શરુ કરવા બંગલો વેચી મૂડી ઉભી કરવી પડે. એ સાહસ પણ ફળે કે નહીં કોણે જાણ્યું! પોતાના કારણે બૈરી-છોકરાં રસ્તા પર આવી જાય એ કોઇ પણ પુરુષ માટે ડૂબી મરવા જેવું ગણાય...મને હક જ શું છે આસિતા પર નારાજ થવાનો! ‘ભાઇ, કંઇ થયું છે? તમે બહુ ચિંતામાં લાગો છો...’ ઇડરથી વૈદેહી પૂછતી ને હાર્દિકની પાંપણ ભીની થઇ જતી. રોજ સવાર-સાંજ વૈદેહીના જ ફોન આવી જતા. એ કહેતી: અજ્જુ આવશે જ એવી શ્રદ્ધાએ અમે ત્રણેય જીવ્યે છીએ. ના, ત્રણ નહીં, ચાર...મારી ભીતર અજ્જુનો અંશ પણ ખરોને! પપ્પા-મમ્મીજી મને ખુશ રાખવા હસતા રહે છે, કારણ વગરની મીઠી નોકઝોક કરતા રહે છે... ક્યારેક જૂના આલ્બમ લઇને બેસીએ તો મા દરેક તસવીરનું સંભારણું કહેતા જાય. તમને ખબર છે, બાળપણમાં અજ્જુ કેવા શયતાન હતા! બાપ રે... સાંજે મંદિર જઇએ. રાત્રે મારે આંગણામાં ચાલવું ફરજિયાત છે. મા એ બાબતમાં બહુ સ્ટ્રિક્ટ, હં...! હાર્દિક હોંકારો ભરવામાં મોડો પડે કે વૈદેહી મૂંઝાતી: ભાઇ, બધું બરાબર તો છે ને! એનો સ્વર ધ્રૂજતો: અજિંક્યના તો કોઇ એવા ખબર નથીને... ત્યારે હાર્દિકે રણકો ઉપસાવવો પડે : અરે, આ તો ધંધાની મારામારી. ‘ધંધાની મારામારી!’ વૈદેહીએ શબ્દો પકડી લીધેલા, ‘ભાઇ, હું તો હમણાં અખબાર નથી વાંચતી, સોશિયલ મીડિયાથી પણ દૂર છું, પણ પપ્પા કહેતા હતા કે તમારી બાઇકવાળી કંપની ફેલ થઇ? તમને તો નુકસાન નથીને!’ ‘ના રે, બહુ લાંબુ ચાલ્યું તો વેપારમાંથી હાથ ખેંચી લેશું’ હાર્દિક વાત વાળી લેતો, ‘તું અહીંની ચિંતા ન કર, મોજમાં રહે નહીંતર અજિંક્ય મને વઢશે કે મારી પત્નીનું આવું ધ્યાન રાખ્યું?’ વૈદેહી ખુલ્લું હસી પડતી. સારું થયું, વૈદેહી સાસરે જતી રહી...અહીં હોત તો અમારા દુ:ખે દુ:ખી થાત ને ભાભીના કડવા ઝેર જેવા મેણાં એને વધુ ઘાયલ કરત. સારું એ પણ છે કે આસિતા નણંદને ફોન નથી કરતી. ના, એની ઇચ્છા તો વૈદેહીને મણમણનું સંભળાવી દેવાની હશે જ, પણ એ માટે અમે તમારા લેવલમાં આવી રહ્યા છીએ એવું નણંદને કહેવું પડે, એ કેમ બોલાય! વૈદેહી આસિતાને બદલે મને જ ફોન કરે છે, ભાભી સાથે વાત કરવા માગે ખરી, પણ હું ટાળી જાઉ. એ પણ સમજતી હોય એમ કહે કે મારા કારણે તમે ભાભીને ન વઢશો. બીજું તો શું કહું, હાર્દિકભાઇ...પણ અજ્જુના વિરહના આ ગાળામાં બહેનના પડખે ઉભા રહી રાખડીનું ઋણ ચૂકવી દીધું... એને કેમ કહેવું કે હું બહુ મોડો જાગ્યો... બલ્કે આસિતાને તો હજુ જગાડી શક્યો નથી! અને અત્યારે પણ હાર્દિકથી નિશ્વાસ નખાઇ ગયો. જાણે આ અગ્નિપરીક્ષામાંથી ક્યારે અને કેમ નીકળાશે? નીકળાશે પણ ખરું? *** ‘સાલ મુબારક!’ આમ તો અજ્જુ ગયાના આ અઢી મહિનામાં તહેવારો આવ્યા-ગયા જેવા રહેલા. ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રિ કે પછી શરદપૂનમની રાતલડી, અમૃતભાઇ-ગોદાવરીબહેન વૈદેહીનું વિચારી ઉમંગભેર ઉજવણીની શરૂઆત આરંભે, પણ એક તબક્કે તો ત્રણમાથી કોઇ બોલી જ પડે: અજિંક્ય હોત તો... અને ઉમંગના પોત પર ઉદાસી છવાઇ જાય. જોકે વૈદેહીએ ધનતેરસની પૂજાટાણે જ નક્કી કરેલું કે દિવાળી તો અજ્જુને ગમતી એમ ધૂમધડાકાભેર જ ઉજવવી છે... એણે તોરણ સજાવ્યાં, રંગોળી પૂરી, સગામાં સાલમુબારક કરવા ય ગયા ને ઘરે આવનારને મોં મીઠું કર્યા સિવાય જવા કેમ દેવાય? સ્નેહી-સંબંધીઓને આની નવાઇ લાગતી, મોટાભાગના સરાહના કરતા, પણ દરેક જગ્યાએ હોય એવો સગાઓનો એક સમૂહ એવો ય હતો જે પીઠ પાછળ કૂથલી કરી લેતો. એનું કારણ હતું. એક તો અમૃત-ગોદાવરીનો દીકરો એની પેઢીમાં સૌથી રૂપાળો અને કમાતો, વળી એ વહુ પણ એવી લાવ્યો કે મા-બાપનું ઘડપણ સુધરી જાય! આની વધતી-ઓછી પીડામાં ફેક્ટરીના અકસ્માતમાં અજ્જુ લાપતા હોવાનો વળાંક સર્જાતા અમૃત-ગોદાવરીની દયા ખાવાનો મોકો મળ્યો એ એમના માટે પૂરતું હતું : અરેરે. બિચારા અમૃત-ગોદાવરીએ આ કેવો દહાડો જોવાનો થયો! જોકે પછી વૈદેહી ગર્ભવતી હોવાના ખબરે ચચરેલા જીવને દિવાળીની ઉજવણી જોઇ વગોવણીનો મોકો મળી ગયો: ખરા છે આ લોકો, દીકરાના જવાનું ય દુ:ખ નહીં! આમાં બોલવામાં આખા ગણાતા દૂરના વાસંતીકાકીએ તો મોં પર કહ્યું, ‘ધન્ય છે તમને! જુવાનજોધ દીકરો ગેરહાજર છે એનો શોક મનાવાને બદલે તહેવાર મનાવવાની તમારી મહાનતાને કયા શબ્દોમાં પોંખુ?’ અમૃતભાઇ-ગોદાવરીબહેન બોલીને બગાડવામાં માને નહીં એ જાણતા વાસંતીબહેન એ સમયે અન્ય સગાં-વહાલાંની હાજરી જોઇ ફોર્મમાં આવી બોલતા હતા, ‘ગોદાવરી તો આમ પણ મોંની મોળી, પણ અમૃત તારી બુદ્ધિ ક્યાં નાઠી?’ વૈદેહી સાસરીના સગામાં કોણ કેવું છે એનો તાગ પામી ગયેલી, પણ સાસુ-સસરા બેઠા હોય ત્યાં પોતે બોલવાનું ન હોય એમ વિચારી ડાહી વહુની જેમ સાંભળ્યા કર્યું. ત્યાં... ‘એવા કેવા મોડર્ન થવાનું કે બળ્યો મરનારનો ય મલાજો નહીં! બિચારા અજ્જુના આત્માને...’ અને વૈદેહીનો સંયમ સર્યો, ‘બસ, કાકીમા.’ આવેશભેર ઉભા થઇ એણે સોપો સર્જી દીધો. ગોદાવરીની વહુને આમ રણચંડીની જેમ સામે થતી જોઇ વાસંતીકાકી થોથવાયા. ‘અમારા ઘરે, અમારા આંગણામાં બેસી અજ્જુનું અમંગળ બોલવાની તમારી હિંમત કેમ થઇ!’ ‘જો, જો, આ તારી વહુ!’ હેબતાયેલા વાસંતીકાકીની જીભ એમ સખણી રહેવાનું શીખી નહોતી, ‘આ જ એના સંસ્કાર!’’ ‘સંસ્કારનું મૂલ્યાંકન માંડવુ જ હોય ભાભી તો શરૂઆત મોટેરાથી કરીએ.’ મૃદુભાષી અમૃતભાઇના વેણમાં તીખાશ ભળી ગઇ, ‘સપરમા દિવસે અમારામાં ઉમંગ પ્રેરવાને બદલે તમે ઘા કુરેદો છો, ને સંસ્કારની ફરિયાદ કરો છો? તમે?’ વાસંતીકાકીને કાપો તો લોહી ન નીકળે. ‘બેજીવી વહુને ઉચાટ થાય એવી ચર્ચા છેડવાને બદલે એનું મન આનંદમાં રહે એવું કંઇ કરવા-કહેવાનું તમને કેમ ન સૂઝ્યુ?’ બાપ રે. વાસંતીબહેન સમજી ગયા કે અહીં વધુ બેસવામાં સાર નથી. એટલે સટાક કરતા ઉભા થયા, ‘બધાને સારું જ સાંભળવું છે, સાચું કહીએ તો કાંટા લાગે છે!’ બબડી બહાર નીકળ્યા, જોડે બીજાઓને ય લેતા ગયા! વૈદેહી ધબ દઇને ખુરશી પર બેસી પડી, ‘મા, પપ્પા, સોરી. મારો ઇરાદો...’ ‘શીશ, વહુ. જે ગયા એ સૌ જવાને જ લાયક હતા.’ કંઇ જ ન બન્યું હોય એવી સ્વસ્થતાથી અમૃતભાઇએ વહુને આશ્વસ્ત કરી, ‘ઝીણુંઝીણું ઘણું કાને આવતું હતું, આ ફટકાર જરૂરી હતી.’ ‘તું એની તાણ ન રાખીશ.’ ગોદાવરીબહેને પ્રેમથી વહુના માથે હાથ ફેરવ્યો, ‘જો, સંધ્યા ટાણું થવાનુ, ચાલ, મંદિરે દીવો કરીએ.’ ‘બે મિનિટ, હો, મા. સવારે ભાઇ-યશુ જોડે વાત થઇ પણ ભાભી સાથે હેપ્પી ન્યૂ યર થયું નથી... એમની જોડે વાત કરી લઉં.’ પછી મોબાઇલમાં કોલ જોડતા ઉમેર્યુ, ‘ભાભીનો સ્વભાવ તો તમે જાણો છો, અજ્જુની જગ્યાએ કોઇ બીજું હોત તો મારે પિયરનો સંબંધ ક્યારનો તૂટી ગયો હોત...પણ અજ્જુ ભાભીની દરેક ગુસ્તાખી બક્ષી દેતા. સંબંધ જાળવવાની અજ્જુની કુનેહ મને આ કોલ કરવા પ્રેરે છે.’ સાસુ-સસરાની નજરો મળી, મલકી: વહુને તો અજ્જુને સાંભરવાનું બહાનું જોઇએ! *** વૈદેહીએ આસિતાને જોડેલો કોલ એન્ગેજ આવ્યો કેમકે ત્યારે એની સ્વાતિબહેન જોડે વાતચીત ચાલી રહી હતી. ‘મા, તારા જમાઇએ તો બધું ડૂબાડ્યું! આટલી ફિક્કી દિવાળી તો મે જિંદગીમાં નથી જોઇ... ન શોપિંગ, ન પાર્ટીઝ. નોકરોને છુટ્ટી, મારે કચરાપોતાં ય જાતે કરવા પડે છે, બોલ! આવતા મહિને તો આ બંગલો ય ખાલી કરવો પડશે... ’ વણસતી પરિસ્થિતિમાં હાર્દિક પાસે બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી અને આસિતા માટે આ બધુ સાચે જ ડિપ્રેસીવ બનતું જાય છે. હાર્દિક કોઇની આગળ હાથ નહીં લંબાવે, પણ હું તો માબાપ પાસે હકથી માગી શકુને. અરે, માગવાનીય જરૂર ન રહે, મારી હાલતનો ચિતાર સાંભળી હમણાં જ મા કહેશે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમારું એ બધું છેવટે તો તારું જને! હાર્દિકકુમારને કહેજે, ઘર દાવ પર મૂકવાની જરૂર નથી! પણ ધરાર જો સ્વાતિમા આવું કંઇ બોલતા હોય! આસિતાનો સાચે જ પિત્તો હટ્યો, ‘મા, તમને દીકરી તો ઠીક, દોહિત્રની ય દયા નથી આવતી? મા, મા, યશને મારે સરકારી સ્કૂલમાં મૂકવો પડે એવી નોબત છે, છતાં તારાથી મદદનો એક શબ્દ નથી નીકળતો?’ ‘કયાંથી નીકળે, મારી દીકરી!’ મહિનાઓથી સંઘરેલો ભેદ ખોલતા સ્વાતિબહેન ભાંગી પડ્યા, ‘તારો બાપ તો અગાઉથી જ બધું લૂંટાવી બેઠો છે! બાકી તારી ભીડમાં અમે ન ઊભા રહીએ!’ પિતાએ શેરમાર્કેટમાં બચતમૂડી ગૂમાવી એ જાણતા આસિતાને તમ્મર આવ્યા. હાર્દિકે નિશ્વાસ નાખ્યો. પડે છે ત્યારે સઘળું પડે છે! એ જ વખતે વૈદેહીની રિંગ આવતા આસિતાએ દાંત ભીસી કોલ રીસિવ કર્યો. ‘નૂતનવર્ષના અભિનંદન, ભાભી!’ વૈદેહીનો હરખ આસિતાને દાઝ્યો, ‘વાહ, નણંદબા, વાહ! પહેલા કાળી જબાનેથી અમારું ખરાબ બોલો છો ને પછી અભિનંદન પણ પાઠવો છો!’ હાર્દિક પત્નીને વારવા ગયો તો આસિતા વધુ જોરમાં બાખડી, ‘રોકો છો શાના, તમારી બહેન પણ ભલે જાણતી કે એના શાપે આપણે રસ્તા પર આવી ગયા છે!’ હેં!(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...