તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠી મૂંઝવણ:ડેટિંગ એપ પર મળેલા બોયફ્રેન્ડે રાતોરાત છોડી દીધી...!

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

- મોહિની મહેતા

પ્રશ્ન : મારી વય 24 વર્ષની છે. હું છેલ્લા પાંચ વર્ષથી એક યુવકના પ્રેમમાં છું. મેં જ્યારે મારા ઘરમાં આ વાત કરી ત્યારે હોબાળો મચી ગયો. મારા માતા-પિતા મારી વાત સાંભળવા જ તૈયાર નથી. મારા પિતાએ મરવાની ધમકી આપવાની મારી બીજી જગ્યાએ પરાણે સગાઇ કરી દીધી. હું હજી અ‌વઢવમાં છું કે મારે શું કરવું? એક યુવતી (વડોદરા) ઉત્તર : પરાણે કોઈકની સાથે લગ્નનું ચોકઠું ગોઠવી નાખવાની જિદ સાવ ખોટી છે, પછી એ તમારી જીદ હોય કે તમારા પિતાની. જો તમે એકબીજાને સમજાવી શકો એમ ન હો તો થોડોક સમય માટે લગ્નની વાત જ નેવે મૂકી દો. તમારી વય હજી 24 જ વર્ષની છે એટલે તમારી પાસે રાહ જોવાનો સમય છે. સૌથી પહેલાં તો જો તમારે લગ્ન ન જ કરવા હોય તો જે જગ્યાએ પરાણે સગાઇ કરી છે ત્યાં સમગ્ર હકીકત જણાવીને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે આ લગ્ન નથી કરવા ઇચ્છતા. તમે હજી એકાદ-બે વરસ લગ્ન માટે થોભી જશો તો વાંધો નહીં આવે. દબાણમાં બાંધેલા સંબંધો આખી જિંદગી બગાડે છે અને પરાણે કરેલાં લગ્ન પછી બંને પાત્રોની જિંદગી બગડી જાય છે. હકીકતમાં તમારે અત્યારે જીદ કરવાને બદલે થોડું ઢીલું મૂકવાની જરૂર છે. એકવાર તમારા પિતાને એવો અહેસાસ થશે કે તમે તેની વાત સમજી રહ્યા છો તો એ પણ થોડા નરમ બનશે. જો તમારા પિતા અને તમે બંને સમજદારીથી કામ લેશો તો ચોક્કસપણે કોઇ ઉકેલ નીકળશે.

પ્રશ્ન : મારા પતિ કામમાં બહુ વ્યસ્ત રહે છે. તેઓ હંમેશા પોતાના કામમાં ગળાડૂબ રહે છે અને તેમની પાસે પરિવાર માટે પણ સમય નથી. તેમની રજાનો અડધો દિવસો તો ફોન પર જ પસાર થાય છે. હું હવે આ સ્થિતિથી કંટાળી ગઇ છું અને આની અસર અમારા પારિવારિક જીવન પર પડી રહી છે. હું મારા લગ્નજીવનને કઇ રીતે બચાવી શકું? એક મહિલા (સુરત) ઉત્તર : જો તમારા પતિ અત્યંત વ્યસ્ત જીવનને કારણે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે તાલમેલ ન જાળવી શકતા હોય એના કારણે લગ્નજીવનમાં સમસ્યા ઉભી થઇ શકે છે. આ સંજોગોમાં પત્નીની જવાબદારી વધી જાય છે. પત્ની જ સમાજદારી દાખવીને રસ્તો કાઢી શકે છે. આ સંજોગોમા પતિ પર અકળાવાને બદલે તેના પર વધારે ધ્યાન આપો. નાની મોટી કૌટુંબિક પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે તેમની સલાહ લો. ક્રમશ: તેમના વર્તનમાં ચોક્કસ બદલાવ આવશે. પતિ જો બહુ વ્યસ્ત હોય તો જ્યારે નવરાશનો સમય હોય ત્યારે તેમની પાસે સમસ્યાઓનું પોટલું ખોલીને બેસી ન બેસો. આ સમયનો ઉપયોગ તમારા વ્યક્તિગત સંબંધોને મજબૂત બનાવવા માટે કરો. આટલું કર્યા પછી તમારી વચ્ચેની સમસ્યાઓ ચોક્કસ ઓછી થશે.

પ્રશ્ન : મારી ગર્લફ્રેન્ડનો સ્વભાવ પીરિયડ્સ દરમિયાન ચીડિયો થઇ જાય છે. એ સમયે તેને મારી દરેક વાત ખરાબ લાગે છે અને અમારી વચ્ચે બહુ ઝઘડા થાય છે. એ સમયે તેની સાથે કઇ રીતે વર્તન કરું? એક યુવક (આણંદ) ઉત્તર : પીરિયડ્સનો સમય મહિલાઓ અને યુવતીઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. આ દરમિયાન માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ તણાવ આવે છે અને સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જેના કારણે ઘણી વખત પાર્ટનર વચ્ચે માથાકૂટ થઈ શકે છે. પાર્ટનરના મૂડને સરખો કરવા માટે લાઈટ મ્યૂઝિક પ્લે કરો. પાર્ટનરને ખૂબ પ્રેમ આપો. તેમને અનુભવ કરાવો કે તમને પણ તેની ચિંતા છે. દરેક વાત સાંભળવા તૈયાર રહો, પીરિયડ્સ દરમિયાન કેવું ફીલ થાય છે એ કોઇ મહિલા સિવાય કોઇ સમજી શકતું નથી. આ સમયે તમારી ગર્લફ્રેન્ડને ખુશ રાખો અને તેની દરેક વાત સાંભળવા તૈયારી રાખો. પીરિયડ્સમાં શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. હોર્મોનમાં ચેન્જ આવવાથી મહિલા પાર્ટનરનો મૂડ સ્વિંગ થયા કરે છે. આ સ્થિતિને સમજો અને તેના પર ગુસ્સો ન કરો. આ સમયે તેની સાથે લડાઈ-ઝઘડો ન કરવો અને તેની તાકાત બનો. તેને પૂરો આરામ આપો. આ સમયે તેમને તમારા માનસિક સપોર્ટની જરૂર હોય છે. પીરિયડ્સ દરમિયાન રક્તસ્ત્રાવ થતો હોવાના કારણે શરીરમાં લોહીની સાથે સાથે પાણીની ઉણપ થઈ જાય છે. આવી સ્થિતિમાં પાર્ટનરને ખૂબ વધારે પાણી, જ્યૂસ અને અન્ય પ્રવાહી પદાર્થ પીવડાવો. બોડી જેટલી વધારે હાઈડ્રેટેડ રહેશે દુખાવો તેટલો ઓછો થશે. જો તમે બે-ચાર દિવસ તમારી ગર્લફ્રેન્ડને સાચવી લેશો તો એ તમારા પર ખુશ થઇ જશે અને તમારા સંબંધો વધારે મજબૂત બનશે.

પ્રશ્ન : હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. છ મહિના પહેલાં હું ડેટિંગ એપના માધ્યમથી એક યુવાનના પરિચયમાં આવી હતી અને બેથી ત્રણ મુલાકાતોમાં અમે નજીક આવી ગયા હતા. મને તે યુવકમાં મારો જીવનસાથી દેખાવા લાગ્યો હતો. અમે ફિઝિકલી પણ આગળ વધી ગયાં હતા. જોકે છેલ્લા એક મહિનાથી તેનો વ્યવહાર સાવ બદલાઇ ગયો છે. અમે ફિઝિકલી આગળ વધ્યા એ પછીથી તેનો રિસ્પોન્સ ઘટવા લાગ્યો. છેલ્લા થોડા દિવસથી તો તેનો નંબર જ બંધ આવે છે અને એપ પરથી તેણે પ્રોફાઇલ પણ ડિલીટ કરી નાખ્યો છે. મારા બોયફ્રેન્ડે મને રાતોરાત છોડી દીધી. હવે હું શું કરું? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : જ્યારે કોઈકને માટે વિશેષ લાગણી થાય અને પ્રેમની લાગણી થાય અને પછીથી એકાએક કોઈ જ કારણ વગર બ્રેકઅપ થઇ જાય ત્યારે ચોક્કસ આંચકો લાગે છે. જોકે જીવનમાં કડવી હકીકતોનો પણ સામનો કરવો જ પડે છે. તમે છોડી ગયેલા બોયફ્રેન્ડ માટે દુઃખ થાય છે, પણ હવે એ દુ:ખ બદલ રોવાનો કોઈ મતલબ નથી કારણ કે ડેટિંગ એપ પરથી મોટાભાગે જે સંબંધ બંધાતા હોય છે એમાં તકલાદીપણું વધારે હોય છે. તમારે આ ઘટનામાંથી શીખવું જોઇએ. તમે હવે સંબંધો પ્રત્યે ગંભીર થાઓ એ જરૂરી છે. જીવનસાથીની પસંદગી કરવા માટે ઠરેલપણું આવવું જરૂરી છે. તમે કેવું જીવન જીવવા માગો છો અને એમાં તમને કેવા પાર્ટનરની ખેવના છે એ બાબતે થોડું ચિંતન કરો. ડેટિંગ એપ થકી સાથીની પસંદગી કરવી એ ખોટું નથી, પરંતુ જો તમે એમાં માત્ર ડેટિંગ કરવા ઇચ્છતા હશો તો કાયમી સંબંધ બાંધવામાં તમને કદાચ કાયમ નિષ્ફળતા જ મળશે. જો તમે ખરેખર જીવનમાં સ્થાયી અને સ્થિર સંબંધ ઇચ્છતા હો તો કોઇ વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે સંકળાતા પહેલા એ વ્યક્તિ તમારી સાથે કેવા પ્રકારના સંબંધો બાંધવા ઇચ્છે છે એ એલર્ટ રહીને ચકાસી લેવું જોઇએ જેથી ભવિષ્યમાં પસ્તાવાનો વારો ન આવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser