તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજાવટ:કલાત્મક ઘરમંદિરની સુંદર સજાવટ લાગે સોહામણી

દિવ્યા દેસાઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો તમારું ઘર મોટું હોય તો મંદિર એક અલગ જ રૂમમાં રાખવું. જો અલગ રૂમ ફાળવી શકાય તેમ ન હોય તો મંદિરનું સ્થાન થોડું અલગ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી

ઘરમાં નાનકડું કલાત્મક મંદિર ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. મોટા ભાગનાં ઘરમાં ભગવાન માટે જગ્યા અનુસાર એક અલગ સ્થાન બનાવવામાં આવે જ છે. ઘરની અંદર બનેલું મંદિર વ્યક્તિને માનસિક શાંતિનો અનુભવ પણ કરાવે છે. મંદિરમાં થતા પૂજા-પાઠથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. તેથી જ ઘરમાં મંદિર બનાવતી વખતે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. મંદિર કે પૂજાના સ્થાનનો સંપૂર્ણ લાભ ત્યારે મળી શકે છે, જયારે તેની સ્થાપનામાં નિયમોનું પાલન કરવામાં આવે, યોગ્ય વિધિપૂર્વક મંદિરની સ્થાપના કરો. }અલાયદી જગ્યાની વ્યવસ્થા જો તમારું ઘર મોટું હોય તો મંદિર એક અલગ જ રૂમમાં રાખવું. જો અલગ રૂમ ફાળવી શકાય તેમ ન હોય તો મંદિરનું સ્થાન થોડું અલગ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી. ઘરમાં મંદિર યોગ્ય દિશામાં હોય તે ખૂબ જ જરૂરી છે. આ સિવાય મંદિર શેમાંથી બનેલું છે તે બાબત પણ ફળપ્રાપ્તિ પર અસર કરી શકે છે. મંદિરની વિશેષ રચના પણ ભાગ્યોદય માટે કારણભૂત બની શકે છે. આમ, મંદિરનો માહોલ જળ‌વાઇ રહે એ માટે શક્ય હોય ત્યાં સુધી મંદિરની જગ્યા ઘરમાં થોડી અલગ હોય એ ઇચ્છનીય છે. જ્યારે તમને માનસિક શાંતિની જરૂર હોય તો ઘરના અલાયદા ખૂણામાં આવેલા મંદિરમાં થોડો સમય ગાળવાથી કે પછી ત્યાં શાંતિપૂર્વક થોડું ધ્યાન ધરવાથી ચોક્કસ ફાયદો મળે છે. }લાકડાંનું મંદિર શ્રેષ્ઠ લાકડાંમાંથી બનેલું મંદિર પ્રભુ સ્થાપન માટે ઉત્તમ મનાય છે. ભક્તની ઈચ્છા હોય તો તે આરસપહાણનું મંદિર પણ બનાવડાવી શકે છે. જોકે મંદિર લાકડાંનું હોય કે આરસપહાણનું પણ નિયમિત રીતે એની સફાઇ થાય એ વાતનું ધ્યાન રાખવું જરૂરીછે. ઘરના મંદિરનો રંગ આછો પીળો અથવા નારંગી રંગનો જ રાખવો. જ્યાં મંદિર સ્થાપિત કર્યું છે તે દિવાલનો રંગ સફેદ અથવા આછો પીળો રાખવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની સ્થાપના માટે ઘરનો ઈશાન ખૂણો સર્વોત્તમ મનાય છે. એટલે કે શક્ય હોય ત્યાં સુધી ઈશાન ખૂણામાં જ મંદિરની સ્થાપના કરવી. જો તે શક્ય ન હોય તો પૂર્વ દિશા પણ મંદિર સ્થાપન માટે ફળદાયી બનશે. મંદિરની સ્થાપના કરવામાં દિશાનું ધ્યાન રાખવાથી સર્વોત્તમ ફાયદો મળી શકે છે. }પ્રકાશમય વાતાવરણ જરૂરી તમારા મંદિરમાં સૂર્યપ્રકાશ આવે એ પણ અત્યંત જરૂરી છે કારણકે અંધારામાં રહેલું આપનું મંદિર આપના જીવનમાં પણ અંધારપટ્ટ ફેલાવી શકે છે. મંદિરની યોગ્ય દિશા, મંદિરની યોગ્ય રચના અને મંદિરનો યોગ્ય રંગ તમારા જીવનમાં ઉમંગ લાવશે. ઘરમાં પૂજાનું સ્થાન ચોક્કસ અને નિયત હોવું જોઈએ અને તેને વારંવાર ન બદલો. પૂજા સ્થાન એક અનોખું આભામંડલ ઉત્પન્ન કરે છે. પૂજા સ્થાનનો રંગ આછો પીળો કે સફેદ રાખો, ડાર્ક રંગનો ઉપયોગ ન રાખો. હળવો રંગ એક હકારાત્મક ઊર્જાનો અહેસાસ કરાવે છે. ઘરનાં પૂજા સ્થાનમાં ત્રિકોણ કે ઘુમ્મટવાળાં મંદિરનું સ્થાપન ટાળવું જોઇએ. }જાળવો પૂજાનો સમય સવાર કે સાંજમાંથી એક જ સમયે પૂજા અર્ચનાનો નિયમ બનાવો, સાંજની પૂજામાં દીવો જરૂર પ્રગટાવો. દીવો પૂજા સ્થાનની વચ્ચે રાખો. પૂજા પહેલાં થોડું કીર્તન કે મંત્ર જાપ આખા ઘરને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. મંદિર હંમેશા સ્વચ્છ રાખો અને ત્યાં એક લોટામાં પાણી ભરીને જરૂર રાખો. પૂજા કર્યા પછી અર્પણ કરેલું જળ પ્રસાદ તરીકે ગ્રહણ કરો. પૂજામાં વાસી ફળ, ફૂલ કે પાન અર્પણ ન કરવા. જોકે, એ પણ ઘ્યાનમાં રાખો કે તુલસીનાં પાન અને ગંગાજળને ક્યારેય વાસી નથી માનવામાં આવતું. તહેવારોમાં મંદિરને શણગારો અને પૂજામાં શંખ-ઘંટડીનો પ્રયોગ અવશ્ય કરો.

મંદિરની યોગ્ય જાળવણી ઘરમાં શુભ અને અશુભ બે પ્રકારની ઊર્જા રહેલી છે. ઘરમાં શુભ ઊર્જાના સંચાર માટે મંદિર હોવું જરૂરી છે. મંદિર કે પૂજાનું સ્થાન યોગ્ય હોવાથી તમામ પ્રકારની સમસ્યા પોતાની જાતે જ ઉકેલાઇ જાય છે. આનાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે. ઘરના લોકોમાં આંતરિક મનમેળ જળવાઈ રહે છે. દેવી-દેવતાઓની સ્થાપનામાં ધ્યાન રાખો અને મંદિર કે પૂજાનાં સ્થળને જાગૃત રાખો.

અન્ય સમાચારો પણ છે...