તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમનોલોજી:‘પહેલાં કેમ કંઇ ના બોલી!’નો જવાબ...

મેઘા જોશી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાતીય અત્યાચારની અસરને સમજીને જાગૃત થવાનો સમય આવી ગયો છે. પ્રતિષ્ઠિત અને વગદાર વ્યક્તિની ઈજ્જત સ્ત્રીનાં સન્માનના ભોગે ના જ હોય...

સ્ત્રીને દાયકાઓ પછી પણ તેની ઈચ્છા પડે તે માધ્યમ મારફતે તેની વિપદા કહેવાનો અધિકાર છે. જાતીય અપરાધ સામે અવાજ ઉઠાવવા બદલ સ્ત્રીને દંડવાની ન હોય. એકની (અકબરની) આબરૂ બચાવવા માટે બીજાનું (પ્રિયાનું) સન્માન છીનવી ન લેવાય.’ બુધવાર, તારીખ 17 ફેબ્રુઆરીએ એક વખતના તાકાતવર પ્રધાન અને અંગ્રેજી મીડિયાના પત્રકાર-એડિટર એમ. જે. અકબરે પત્રકાર-લેખક પ્રિયા રામાણી સામે કરેલો બદનક્ષીનો દાવો ફગાવી દઈને દિલ્હીની સ્થાનિક અદાલતે દેશમાં કામકાજના સ્થળોએ ચાલતી જાતીય છેડછાડ અને બદતમીજી સામે અવાજ ઉઠાવતી હજારો સ્ત્રીઓને હિંમત આપી છે. જાતીય સતામણી વિરુદ્ધ દેશમાં ચાલતી મી-ટૂ મૂવમેન્ટ માટે અગત્યનો ચુકાદો છે. લગભગ અઢી વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ બુધવારે પ્રિયાની તરફેણમાં આ ચુકાદો આવ્યો ત્યારે તેણે મીડિયાને કહ્યું હતું, ‘આ કેસ મારો ન હતો. આ કેસ એ દરેક સ્ત્રી માટે હતો, જે આ ભોગવે છે. કાનૂનની અદાલતમાં તમારી સચ્ચાઈને સમર્થન મળે તેનો આનંદ થાય છે. મારી જીત એ તમામ લોકોની જીત છે જે મી-ટૂ મૂવમેન્ટ વખતે બોલ્યા હતા.’ આ ચુકાદામાં ગુનો કે સજા મહત્ત્વની નથી પરંતુ અભિવ્યક્ત થવાની હિંમત વધુ અગત્યની છે. સ્ત્રીઓ બોલે અને વિરોધ નોંધાવે તે જરૂરી છે. જાતીય સતામણીની લડાઈ લડતી સ્ત્રીઓ માટે સમાજ પણ હજી તૈયાર નથી. ખાસ કરીને શોષણ કે અપરાધ બન્યા પછી લાંબા સમયગાળા બાદ સ્ત્રી પોતાની આપવીતી કહે ત્યારે પ્રશ્ન એના સત્ય અને પુરાવા બાબતે થાય છે. પ્રિયાના ચુકાદાના મહત્ત્વનો મુદ્દો એ જ છે કે સ્ત્રીઓ ગમે તે સમયે અને તેને અનુકૂળ હોય એવા કોઈ પણ માધ્યમમાં પોતાની વિપદા કહી શકે છે. ઘણીબધી વખત જાતીય સતામણી બંધ દરવાજાઓ પાછળ થાય છે અને ઘણીવાર પીડિતાને ખબર પણ ન પડે શું થઇ રહ્યું છે અથવા ખરાબ થઇ રહ્યું છે. જયારે તેને સમજ પડે અથવા સમાજ સામે વાત રજૂ કરવાનાં પરિણામ માટે તે તૈયાર થાય, જીવનમાં એવા મુકામ પર પહોંચી હોય જ્યાં તેની માટે અભિવ્યક્ત થવું પહેલાં કરતાં સરળ હોય ત્યારે સમાજની દૃષ્ટિએ ઘણું મોડું થઇ ગયું હોય છે. આપણે નાનપણથી જ છોકરીને જાતીયતા અને જાતીય અપરાધની બાબતમાં મોઢું બંધ કરતા શીખવ્યું છે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ ગતિથી સ્વીકૃત થયેલી મી-ટૂ મૂવમેન્ટ આવી ભૂતકાળની ચુપકીદીનું જ પરિણામ હતું. સામાજિક શરમના કારણે પ્રિયા રામાણી તે સમયે ફરિયાદ ના કરી શકી એની કોર્ટે પણ નોંધ લીધી છે પરંતુ આજે એવી ઘણી ‘પ્રિયાઓ’ છે જેમનાં મનમાં ઘર કરી ગયેલા ઉઝરડાઓ રોજ લોહી કાઢે છે. પીડિતાને શરમ આવે છે, ડર લાગે છે અને સમજ ના પડે ત્યારે દાયકાઓ સુધી તેઓ પોતાને દોષિત માને છે. સ્ત્રીઓ બોલી નથી શકતી કારણકે જાતીય શોષણને સમાજે કલંક ગણ્યું છે. છોકરી પરિવારના પુરુષ સભ્યની ગેરવર્તણૂક સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તો એ ઘરની અન્ય સ્ત્રીઓ એને શું સલાહ આપે? એ પુરુષથી દૂર રહેવું, કપડાં બાબતે સાવધાન રહેવું અને ઘરની વાત બહાર ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. સ્ત્રીની સંમતિ વગર તેનાં શરીર સાથે બીભત્સ વર્તન કરનારને સમાજ ફેક ઈજ્જત માટે છુટા મૂકી દે છે અને એ રીતે જાતીય સતામણીના અપરાધ ગુણાકારમાં વધે છે. જાતીય અપરાધની સંખ્યામાં એકાદ આંકડો ઓછો તમે પણ કરી શકો. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો