વુમનોલોજી:ઝેરનો જવાબ વેર નહીં, પ્રચંડ સફળતા છે

12 દિવસ પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક

"ધ બેસ્ટ રિવેન્જ ઇસ મેસિવ સક્સેસ’ અંગ્રેજી ભાષાનંુ આ વિધાન જાણીતું અને માનીતું છે. અમેરિકન સિંગર ફ્રેન્ક સિનાત્રાએ આ વિચારને જીવનમાં ચરિતાર્થ કરીને બતાવ્યો અને એક મંત્રની જેમ સૌને મોઢે કરાવ્યો. આ જીવન મંત્ર ‘બ્રહ્માસ્ત્ર’ની આલિયા ભટ્ટ સુધી પહોંચ્યો હોય તેવું લાગે છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની નાનકડી આલિયા એક પડકારજનક ‘હાઇવે’ પરથી પસાર થઈ છેક ગંગુબાઇ બની મુંબઈના કમાટીપુરાથી ‘બ્રહ્માસ્ત્ર’ સુધી પહોંચી. લગભગ ત્રણેક વર્ષ પહેલાં કંગનાએ આલિયાની બુદ્ધિની મજાક ઉડાવી હતી. માનહાનિનો અનુભવ થાય એટલી હદે આલિયાની બુદ્ધિ માટે જોક વાઇરલ થયા. એ સમયે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયાએ માત્ર એક નાનકડો જવાબ આપ્યો હતો,‘જ્યાં સુધી લોકો મારા પિક્ચર જોવા આવે છે ત્યાં સુધી મારે કોઈની ટીકા વિશે કશું જ નથી કહેવું. કદાચ મને બહેતર થવા માટે આ ટીકા જરૂરી હશે. મારું કામ અભિનય કરવાનું છે અને જે હું સંપૂર્ણ તન્મયતા સાથે કરીશ.’ ઈર્ષા, શોષણ, અન્યાય અને આક્રોશ જેવી પ્રત્યેક લાગણી અને અનેક આક્ષેપોથી વિચલિત થનાર દરેક સ્ત્રી માટે આ એક જવાબ ધડો લેવા જેવો છે. તમારી માટે કોઇ એલફેલ બોલે કે પછી ઈર્ષાને કારણે તમારી લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન કરે ત્યારે તમારી પાસે બે વિકલ્પ હોય છે... એક તમે પણ એમના જેવું કરો એથી પણ વધુ તીવ્રતાથી કરો અને બીજું એમની વાતને સહેજ પણ ધ્યાનમાં લીધા વગર તમારા જીવનમાં આગળ શું કરવું છે એ દિશા પર પ્રથમ પગલું ભરો. તમે તમારી ખુદની પસંદગીથી પ્રત્યુત્તર આપો અને તમારા સમયે, તમારા સ્વભાવ અને પરિસ્થિતિ મુજબ જયારે જવાબ આપો છો ત્યારે બાજી તમારા હાથમાં રહે છે. આપણે જેટલી ઊર્જા સંબંધોને સાચવવામાં અથવા બીજાને દેખાડી દેવામાં વાપરીએ છીએ એના પચાસ ટકા પણ પોતાના ધ્યેય માટે ખર્ચી શકીએ તો ઉચાટ અને વસવસાને બદલે સુખ અને સંતોષની અનુભૂતિ થશે. ટીકા અને આક્ષેપ તમને કે વધુ કામ કરવા પ્રેરે છે કે તમે નાસીપાસ થાઓ છો? જો તમે દરેક બાબતને માત્ર દુઃખ અને આક્રોશના ચશ્માં પહેરીને જુઓ છો કે સંવેદનશીલતાનો બૌદ્ધિક ઉપયોગ કરો છો? એ નક્કી તમારે કરવાનું છે. બીજાના દૃષ્ટિકોણ માટે તમે કેટલાં દુખી થાવ છો અને કેટલા સમયનો વ્યય કરો છો એની ગણતરી મહિને એકાદ વખત માંડવા જેવી છે. મનોવિજ્ઞાનના અભ્યાસમાં રિએક્શન ટાઈમનું મહત્ત્વ છે એટલે કે તમે કેટલા સમયમાં કોને કેવી પ્રતિક્રિયા આપો છો તે તમારા વ્યક્તિત્વ પર આધારિત છે. એકબીજાને ઓળખતા હોય તેવા બે પરિવાર હતાં. કોઈક ગેરસમજને કારણે તેમની વચ્ચે અંતર આવી ગયું. એમાંના એક પરિવારે બીજા પરિવાર માટે સમાજમાં જેમતેમ બોલવાનું ચાલુ કર્યું પોતાની તમામ નિષ્ફળતા માટે બીજી વ્યક્તિને સામે ધરી. એમને સાંભળીને એમના જ વિશે ગોસિપ કરનારાને પણ મજા પડી ગઈ. બીજા પરિવારે ચુપકીદી જાળવી રાખી. દરેક વ્યક્તિએ પોતાનું કામ પૂરી તન્મયતાથી ચાલુ રાખ્યું. પાંચ વર્ષના અંતે એક પરિવાર પાસે લૂલો થઈ ગયેલો ગુસ્સો અને નબળી પડી ગયેલી લાગણી સિવાય કાંઈ ન હતું જ્યારે બીજા પરિવાર પાસે અલગ અલગ ક્ષેત્રની સફળતા હતી. ટીકા સાંભળીને પીઠ બતાવી ભાગવાની વાત નથી પરંતુ એ જ ટીકાનો જવાબ વધુ મહેનતથી મેળવેલી પ્રતિષ્ઠા, પદ કે પૈસા હોઈ શકે. ટીકા, અન્યાય કે ગુસ્સાનો બીજાને અપેક્ષિત જવાબ ના આપવો એ પણ જાતને આપેલી એક મોટી સ્વતંત્રતા છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...