વુમનોલોજી:શોષણનો જવાબ પ્રયત્ન છે, ચર્ચા નહીં

23 દિવસ પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં યુનિવર્સિટીના દરવાજા યુવતીઓ માટે બંધ થયા. માત્ર શિક્ષણ જ નહીં, જીવનના ઘણા મહત્ત્વના પરિબળોમાં તાલિબાનોને ભારોભાર સ્ત્રીદ્વેષ છે. અફઘાનિસ્તાનનો વહીવટ તાલિબાન હસ્તક થયો, ત્યારે મહિલાઓના અધિકાર અંગેના પડકારો માટે સૌને એકસરખી ચિંતા છે. જ્યારે કોઈ પણ રાષ્ટ્ર કે સમાજમાં મહિલાઓ શોષણનો ભોગ બને કે તેમને મૂળભૂત માનવીય અધિકારોથી વંચિત રાખવામાં આવે ત્યારે વૈશ્વિક કક્ષાએ બૌધિકો દ્વારા અથવા પ્રબુદ્ધ સમાજ દ્વારા ચર્ચાઓ થાય છે અને કાયદા માટે લેખિત હિમાયત થાય છે, પરંતુ જ્યારે વાસ્તવિક જીવનમાં પરિવર્તન માટે વિરોધ નોંધાવવાનો આવે ત્યારે શોષણનો ભોગ બનેલ વ્યક્તિ એકલી હોય છે. અફઘાની યુવતીઓનાં ઉચ્ચ શિક્ષણ માટેનાં સ્વપ્નો માટે એમની સાથે યુવાનો જોડાયા છે. નાવીદુલ્લાહ નામના વિદ્યાર્થીએ પત્રકારો સમક્ષ કહ્યું કે, ‘યુનિવર્સિટી અમારી બહેનો માટે બંધ હોય તો અમે પણ નહીં જઈએ.’ ઉપરાંત, કાબુલ યુનિવર્સિટીના અધ્યાપકે પણ તાલિબાનને તેમના નિર્ણય અંગે પુનર્વિચાર કરવાનું કહ્યું. યુનિવર્સિટીના વરિષ્ઠ અધ્યાપક એ ટોલો ન્યુઝને જણાવ્યું કે, ‘અમે ઇસ્લામિક અમિરાતને અને અમારી બહેનો માટે યુનિવર્સિટી ફરીથી ખોલવા અંગે વિનંતી કરીએ છીએ.’ પ્રશ્ન અફઘાનનો હોય કે અમદાવાદનો. શોષિત મહિલા કોઈ અંતરિયાળ વિસ્તારની હોય કે આપણા ખુદના પરિવારની, આપણી સંવેદના કેટલી ખળભળે છે? આપણી સંવેદનશીલતા સીમિત, સ્વાર્થી તથા સિલેક્ટિવ હોય છે અને એ સાહજિક પણ છે. ધારો કે, આપણને ખબર મળે કે ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ એક પરિવારમાં બાળકો અનાથ થઇ ગયાં કે બાંગ્લાદેશમાં કોઈ સ્ત્રી પર અમાનુષી અત્યાચાર થયો. તો એ વખતે આપણી પ્રતિક્રિયામાં દુઃખ અને રોષ જેવી મિશ્ર લાગણી ચોક્કસ હોય. પરંતુ એવી જ કોઈ દુર્ઘટના આપણી આસપાસ કે પરિવારના સભ્ય સાથે ઘટે તો? ભૌગોલિક વિસ્તાર નજીકનો હોય, સમાજ જાણીતો હોય, સ્વજન કે મિત્ર હોય, તો આપણે જે-તે ઘટના સાથે વધુ જોડાણ અનુભવીએ છીએ. આથી જ સાવ અજાણી અને ત્રાહિત વ્યક્તિ માટે માત્ર દુઃખ વ્યક્ત કરીને બેસી જવાને બદલે આપણી આસપાસ શું કરી શકીએ તે વિશે નક્કર પ્રયત્ન કરવા જરૂરી છે. અફઘાની યુવતી માટે એ જ સમાજના યુવકો તથા અન્ય પુરુષ સમાજ સાથે ઊભા રહે એ આવકારદાયક છે. આધુનિક ભારતના ઘડવૈયામાં રાજા રામમોહનરાયનું નામ પહેલું લખવું પડે. બ્રહ્મસમાજના સ્થાપક રાજ રામમોહનરાયે બાળપણમાં પોતાની બહેનને ‘સતી’ થતાં જોઈ હતી. જીવતેજીવ આગમાં ધકેલાતી બહેનને બચાવવા માટે એ વખતે જે નિઃસહાયતા અનુભવી, એ સમગ્ર ભારતની સમાજ-વ્યવસ્થામાં એક ઐતિહાસિક પરિવર્તન માટે કારણભૂત હતી. ‘સતીપ્રથા’ અને ‘દીકરીને દૂધ પીતી કરવા’ જેવા અસહ્ય સામાજિક દુષણો દૂર કરવા ઉપરાંત મહિલાઓ માટે શિક્ષણ ઉપલબ્ધ થાય એવું વાતાવરણ ઊભું કર્યું. સાવિત્રીબાઈ ફૂલેએ માત્ર પોતાની ઓળખ કે વ્યવસાય માટે અવાજ સીમિત ન રાખ્યો, બલ્કે એ સમયગાળાની તમામ સ્ત્રીઓ માટે શિક્ષણના દરવાજા ખુલ્લા રહે તે માટે સંઘર્ષ કર્યો. સમાજ-સુધારણા માટે, સ્ત્રીના સંઘર્ષ માટે, શોષિત જૂથના અધિકાર માટે કે કોઈ મોટી સમસ્યા માટે જો જીવ બળતો હોય, મદદ કરવાની ઈચ્છા હોય તો સહેજ પણ દૂર જવાની કે વિલંબ કરવાની જરૂર નથી. આપણી આસપાસ ક્યાંક આપણી જરૂર છે જ. મદદ કરવા માટે દયા નહીં, નક્કર પ્રયત્નની જરૂર છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...