હાલમાં આખા દેશમાં 26 વર્ષની કેપ્ટન અભિલાષા બરાકની ચર્ચા છે કારણ કે તે પહેલી મહિલા કોમ્બેટ એવિએટર (ફાઇટર પાઇલોટ) બની ગઇ છે. અભિલાષા બરાક રોહતકના બાલંદ ગામની છે અને તેમનો પરિવાર હવે હરિયાણાના પંચકુલામાં રહે છે. અભિલાષાના પિતા ઓમ સિંહ રિટાયર્ડ કર્નલ છે અને ભાઈ પણ આર્મી ઓફિસર છે. આ કારણે કહી શકાય કે અભિલાષાને દેશસેવાની ભાવના વારસામાં મળી છે.
અભિલાષાનો ભાઈ મેજર અવિનાશ પણ નોર્થ ઝોનમાં પોસ્ટેડ છે. અવિનાશે 12મા પછી એનડીએ દ્વારા સેનાની પસંદગી કરી. 2013માં IMAમાં અવિનાશની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. પિતા રિટાયર્ડ કર્નલ ઓમ સિંહ કહે છે કે, અભિલાષાએ તેના ભાઈની પાસિંગ આઉટ પરેડ પણ જોઈ હતી. જે બાદ તેણે પણ દેશની સેવામાં જોડાવાનો મક્કમ ઈરાદો કર્યો.
આ પછી કેપ્ટન અભિલાષાએ હેલિકોપ્ટર પાઇલટ તરીકે આર્મી એવિએશન કોર્પ્સમાં શામેલ થવા માટે છ મહિનાનો કોમ્બેટ આર્મી એવિએશન કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યો. કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલ, નાસિકમાં આયોજિત એક સન્માન સમારંભમાં કેપ્ટન અભિલાષા બરાકનું સન્માન કરવામાં આવ્યું છે. અભિલાષા બરાકને ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડન્ટ આર્મી એવિએશન દ્વારા 36 આર્મી પાઈલોટ્સ સાથે પ્રતિષ્ઠિત વિંગ્સથી નવાજવામાં આવી હતી. ગયા વર્ષે જૂનમાં હેલિકોપ્ટર પાઈલટની તાલીમ માટે પ્રથમ વખત 2 મહિલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. આ બંનેને નાસિકની કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી. આર્મી અનુસાર 15 મહિલા અધિકારીઓએ આર્મી એવિએશનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
બી.ટેક. સુધીનો અભ્યાસ
કેપ્ટન અભિલાષા બરાક ધ લોરેન્સ સ્કૂલ, સનાવરની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેણે 1016માં દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બી. ટેક.ની ડિગ્રી મેળવીને સ્નાતક સ્તર સુધીનો અભ્યાસ કર્યો હતો.
આ પછી તેને અમેરિકામાં ઊંચા પગારની નોકરી પણ મળી, પરંતુ લગભગ એક વર્ષ પછી તેણે નોકરી છોડી દીધી કારણ કે તે આર્મીમાં જોડાઇને દેશની સેવા કરવા ઇચ્છતી હતી.
ઓછી હાઇટ બની બાધક
કેપ્ટન અભિલાષા એરફોર્સમાં જોડાવા ઇચ્છતી હતી પણ એ શક્ય બન્યું નહોતું. આ વિશેના કારણોની ચર્ચા કરતા અભિલાષાના પિતા કર્નલ ઓમ સિંહે જણાવ્યું કે, ‘ભારત આવ્યા બાદ અભિલાષા એરફોર્સમાં જોડાવા ઇચ્છતી હતી. તે ફાઈટર પાઈલટ બનવા ઇચ્છતી હતી. આ માટે તેણે બે વખત પરીક્ષા પણ પાસ કરી, પરંતુ ઓછી હાઇટના કારણે એરફોર્સમાં પસંદગી શક્ય બની નહોતી. માત્ર દોઢ સેન્ટિમીટરની ઓછી લંબાઈને કારણે તે એરફોર્સમાં જઈ શકી નહોતી. આખરે તેણે નાસિકની કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં અન્ય પાઇલટ્સ સાથે 6 મહિનાની સખત તાલીમ લીધી. અભિલાષાએ કોમ્બેટ આર્મી એવિએશન કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો અને મોટી સિદ્ધિ મેળવી હતી.’
ભૂમિદળમાં અનોખી તક
ભારતીય વાયુદળ અને નૌકાદળમાં મહિલાઓ લાંબા સમયથી હેલિકોપ્ટર ઉડાવે છે પણ 2021માં શરૂ કરાયેલા ‘આર્મી એવિએશન કોર્સ’ દ્વારા ભારતીય ભૂમિદળમાં મહિલા પાઇલટો માટે રસ્તો ખોલવામાં આવ્યો છે. આ પહેલાં ભારતીય ભૂમિદળમાં મહિલાઓ માત્ર ગ્રાઉન્ડ ડ્યુટીનો જ હિસ્સો હતી. હવે કેપ્ટન અભિલાષા દેશની પ્રથમ મહિલા કોમ્બેટ એવિએટર બની ગઈ છે. નોંધનીય છે કે ભારતીય વાયુદળમાં 10 મહિલા ફાઇટર કાર્યરત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.