મૂડ એન્ડ માઇન્ડ:બસ આટલું જ ‘સમજવાની’ જરૂર છે!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને કરુણાભાવ અને પ્રેમ મળે એ જ સાચી દવા છે. બાકી દવાઓ તો પછી જ અસર કરે છે

- ડો. સ્પંદન ઠાકર

દર્દીના સગા કોણ છે? હું છું સાહેબ. લગભગ 32-33 વર્ષની રેખા મારી સામે બેઠી હતી. અત્યારની માનસિક સ્થિતિના કારણે એ કોઇ જવાબ આપી શકે એમ નહોતી. થોડા દિવસથી તેણે પોતાની સારસંભાળ રાખવાનું બંધ કરી દીધું હોય એમ સ્પષ્ટ રીતે જણાઇ આવતું હતું. તેણે પોતાનાં ખોરાક પ્રત્યે પણ ધ્યાન ન આપ્યું હોવાના કારણે શરીર પણ સૂકાઇ ગયું હતું. ક્યાંક વાગેલાનાં નિશાન અને ઉઝરડા દેખાઇ આવતા હતા. હિસ્ટ્રી માટે કોઇ નજીકના સગાની જરૂર હતી. તેની સાથે માતા-પિતા કે પતિ હોત તો સ્થિતિને વધારે સારી રીતે સમજી શકાત. ‘રેખાની સાથે કોઇ છે?’ એવા મારા સવાલના જવાબમાં સાથે આવેલા એક મોભાદાર બહેને જવાબ આપ્યો કે, ‘હા, સાહેબ. મારું નામ શીલાબહેન છે. હું નજીકમાં આવેલી પ્રતિષ્ઠિત બેંકની મેનેજર છું. હું રેખાને લઇને આવી છું. રેખાના પતિએ આ સ્થિતિમાં તેને તરછોડી દીધી છે. તેનાં

મા-બાપ ગામડામાં રહે છે અને રેખા મારી સાથે કામ કરે છે. થોડા દિવસ પહેલા કોણ જાણે શું થયું કે તે અચાનક ગાયબ થઇ ગઇ. વચ્ચે વચ્ચે રેખાનું વર્તન અસ્પષ્ટ થઇ જતું હતું પણ આ રીતે ક્યારેય ભાગી નથી ગઇ. ઘણી મહેનત પછી રેખા બસ સ્ટેન્ડ પાસે સૂતેલી મળી.’ રેખાની હિસ્ટ્રી જાણીને ખબર પડી કે 6-7 વર્ષ પહેલાં રેખાની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને બધું વ્યવસ્થિત ચાલતું હતું. લગ્ન પછી દારૂડિયા પતિના વ્યવહાર, સાસરિયાંના ત્રાસ અને આર્થિક અગવડતાને કારણે તેની ટ્રીટમેન્ટ બંધ થઇ ગઈ હતી. બેંકમાં તેને શીલાબહેનનો પૂરતો ટેકો હતો. તેમણે બધા કર્મચારીઓને કડક સૂચના આપી હતી કે તેઓ રેખાની કાળજી રાખે, પણ આવી ઘટના પહેલીવાર બની હતી. તેઓ જ રેખાને મારી પાસે લઇને આવ્યા હતા અને સારવારનો તમામ ખર્ચ ઉઠાવવા તૈયાર હતા. રેખાની હિસ્ટ્રી જાણીને મને તરત સવાલ થયો કે, ‘બહેન, કોઇ બીજા બોસ હોય તો આ પ્રકારની સ્થિતિમાં કર્મચારીનું વર્તન અયોગ્ય લાગે તો કાઢી મૂકે પણ તમે તો...?’ મારી વાત વચ્ચેથી જ કાપી નાખતા શીલાબહેને બોલ્યા, ‘સાહેબ, સમય બદલાઇ ગયો છે. માનસિક બીમારીની વ્યક્તિ પર થતી અસર વિશે મને ખબર છે. રેખા બહુ પ્રેમાળ અને આજ્ઞાકારી છે. તે ઓફિસનું કામ સારી રીતે કરે છે. તેની અંદર બહુ ભોળપણ છે. માનસિક બીમારી દવા દ્વારા 100 ટકા સારી થાય છે એ અમે જાણીએ છીએ. બીજું કોઇ મદદ કરે કે ના કરે પણ રેખા મારા અંગત જીવનનો ભાગ છે અને આ મારી ફરજ છે. તમે ટ્રીટમેન્ટ ચાલુ કરો.’ આ વાત સાંભળીને મેં મનોમન કહ્યું કે સાચી ટ્રીટમેન્ટ તો તમે આપી જ દીધી છે શીલાબહેન. આ દર્દીઓને કરુણાભાવ અને પ્રેમ મળે એ જ સાચી દવા છે. બાકી દવાઓ તો પછી જ અસર કરે છે. *** મૂડમંત્રઃ પ્રેમ, કરુણા અને સહાનુભૂતિ માનવતાના સ્તંભ છે. કોઇપણ બીમારીને દૂર કરવા દવા સાથે આ સ્તંભ મુખ્ય ભાગ ભજવે છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...