રસથાળ:શિયાળાની ઠંડી સાથે અનેરી કાશ્મીરી વાનગીઓનો સ્વાદ

રિયા રાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌતની પસંદ: કાશ્મીરી પકોડા
સુંદર અદાકારા અને તાજેતરમાં જ પદ્મશ્રી મેળવનાર અભિનેત્રી કંગના રનૌતને કાશ્મીરી અને હિમાચલી વાનગીઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ તેમના કિચનમાં કાશ્મીરી અને હિમાચલી વાનગીઓ બનાવવાનું ચૂકતાં નથી.

સામગ્રી : ચણાનો લોટ-1 કપ, ચોખાનો લોટ-4 ચમચી, ગાજરની છીણ-પા કપ, સમારેલું કેપ્સિકમ-પા કપ, બટાકાની છીણ-2 નંગ, લાંબી સમારેલી ડુંગળી-2 નંગ, અજમો-પા ચમચી, કાશ્મીરી મરચું પાઉડર-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, હળદર-અડધી ચમચી, મીઠું- સ્વાદ મુજબ, ખાવાનો સોડા-ચપટી, સમારેલાં લીલાં મરચાં-3 નંગ, તેલ-તળવા માટે

રીત : એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ અને અન્ય દરેક સૂકા મસાલા ઉમેરી ચમચીથી સરસ મિક્સ કરો. હવે તેમાં ગાજરની છીણ, બટાકાની છીણ, સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી હાથ વડે મિક્સ કરો. પાણીની જરૂર લાગે એટલો જ છંટકાવ કરવાનો છે. પકોડાનું ખીરું ઘટ્ટ લચકા જેવું જ રાખવાનું છે. તેલ ગરમ થાય એટલે હાથ વડે જોઈએ એટલી સાઈઝનાં પકોડાં ગરમ તેલમાં મૂકવા. ગોલ્ડન બ્રાઉન રંગનાં તળી ચટણી સાથે આ સ્વાદિષ્ટ કાશ્મીરી પકોડાંને સર્વ કરવા.

કાશ્મીરી: કેસર પુલાવ

સામગ્રી : ચોખા-1 કપ, ઘી- 3 ચમચા, લાંબી સમારેલી ડુંગળી-1 નંગ, આખા મરી-5 નંગ, તજ-1 ટુકડો, લવિંગ-3, ઈલાયચી-3 નંગ, વરિયાળી-1 ચમચી, દૂધ-પા કપ, કેસર-6થી 7 તાંતણા, મીઠું- સ્વાદ મુજબ, ખાંડ-1 ચમચી, કાજૂ-1 ચમચી, કિશમિશ-4 ચમચી, અખરોટ-2 નંગ, કાળી દ્રાક્ષ-2 ચમચી, સમારેલા સફરજનના ટુકડા-1 કપ, મનપસંદ રાયતું-1 કપ

રીત : સૌ પ્રથમ ચોખાને થોડીવાર પાણીમાં પલાળવા. ત્યારબાદ ભાત એકદમ છુટ્ટા રહે અને વધુ પડતા બફાઈ ન જાય તેનું ધ્યાન રાખીને ચડવા દો. એને ઠંડા થવા દેવા. હવે 1 ચમચો ઘી ગરમ કરી તેમાં ડ્રાયફ્રુટ શેકીને સાઈડમાં રહેવા દેવા. લાંબી સમારેલી ડુંગળીને તેલમાં થોડી ક્રિસ્પી અને બ્રાઉન રંગની તળીને સાઈડમાં રાખવી. એક મોટા વાસણમાં 2 ચમચા ઘી ઉમેરી તેમાં મરી, તજ, લવિંગ, ઈલાયચીના દાણા અને વરિયાળી શેકો. હવે તેમાં રાંધેલો ભાત ઉમેરો. થોડાં હુંફાળા દૂધમાં કેસર ઉમેરી આ દૂધને ભાતમાં ઉમેરવું. મીઠું અને ખાંડ પણ ઈચ્છાનુસાર ઉમેરી લેવું. હવે ગેસ બંધ કરીને તેમાં ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ, સમારેલાં સફરજન, દાડમના દાણા તથા તળેલી ડુંગળીથી ગાર્નિશ કરીને સ્વાદિષ્ટ પરંપરાગત કાશ્મીરી કેસર પુલાવની મજા માણો. તમારી પસંદના કોઈપણ રાયતા સાથે પીરસો.

કાશ્મીરી પિંક ટી

સામગ્રી : બેકિંગ સોડા-પા ચમચી, કાશ્મીરી ચા અથવા ગ્રીન ટી પાઉડર-2 ચમચી, તજ-ટૂકડો, બાદિયાના ફૂલ-2 નંગ, ઈલાયચી-3 નંગ, ગળ્યું દૂધ-2 કપ, ખાંડ-જરૂર મુજબ, સજાવટ માટે-દેશી ગુલાબની પાંદડીઓ અને બદલ-પિસ્તા કતરણ

રીત : એક તપેલીમાં ચાર કપ પાણી ઉકળવા મૂકવું. તેમાં તજનો ટૂકડો, લવિંગ, બાદિયાના ફૂલ અને ઈલાયચી ઉમેરો. હવે કાશ્મીરી ચા અને બેકિંગ સોડા ઉમેરી આ પાણી અડધું થાય ત્યાં સુધી ઉકળવા દો. પાણી અડધું થાય એટલે ફરી બીજું બે કપ ઠંડુ પાણી ઉમેરવું. તેને પણ અડધું થવા દેવું. આ રીતે પિંક ટી માટેનું લિક્વિડ તૈયાર થશે. હવે એક ટી કપમાં ગરમ દૂધ લેવું. તેમાં તૈયાર કરેલ પિંક ટીનું લિક્વિડ 3 ચમચી રેડો. દૂધનો સુંદર ગુલાબી રંગ આવશે. દેશી ગુલાબની પાંદડીઓ અને બદામ-પિસ્તાની કતરણથી સજાવીને ગુલાબી ઠંડીમાં ગુલાબી ચાનો આનંદ ઉઠાવો.

કાશ્મીરી દમ આલુ
સામગ્રી
: નાની બટાકી-10 નંગ, ટામેટાની પ્યુરી-3 નંગ, ઝીણી સમારેલી ડુંગળી-3 નંગ, લવિંગ-2 નંગ, તજ-1 ટુકડો, તમાલપત્ર-1 નંગ, આખા મરી-3 નંગ, ઇલાયચી-3 નંગ, વરિયાળી-પા ચમચી, જીરું-1 ચમચી, કાશ્મીરી સૂકા લાલ મરચાં-7થી 8 નંગ, આદું-1 ટૂકડો, લસણ-4થી 5 નંગ, ગરમ મસાલો-1 ચમચી, કાશ્મીરી મરચું-2 ચમચી, હળદર-અડધી ચમચી, હિંગ-પા ચમચી, ધાણાજીરું પાઉડર-1 ચમચી, ખાંડ-1 ચમચી, ચણાનો લોટ-1 ચમચી, દહીં-3 ચમચી, પાણી-2 કપ, કસૂરી મેથી-2 ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ

રીત : સૌ પ્રથમ સૂકા લાલ મરચાંને ગરમ પાણીમાં અડધી કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ મિક્સરમાં મરચાં, આદું અને લસણ ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો. ટામેટાંની પણ પેસ્ટ બનાવી લો. બટાકીને કૂકરમાં એક સિટી લગાવી લો. બટાકા ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી એક કાંટા ચમચીની મદદથી તેમાં કાણા પાડી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરી બટાકીને સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો. અન્ય કડાઈમાં ચાર ચમચી તેલ ગરમ થવા મૂકવું. તેમાં સૌપ્રથમ હિંગ મૂકી અને દરેક ખડા મસાલા, સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો. તેમાં હળદર, તૈયાર કરેલ લાલ મરચાંની પેસ્ટ ઉમેરી 2 મિનિટ પછી કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, ચણાનો લોટ, ખાંડ અને મીઠું તથા ટામેટાંની પેસ્ટ ઉમેરો. ઢાંકીને થોડીવાર ચડવા દો. હવે તેમાં દહીં પણ ઉમેરી લેવું. મસાલામાંથી તેલ છુટું પડે એટલે તળેલી બટાકી ઉમેરી લો. હવે 2 કપ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને ફરી 5થી 7 મિનિટ સુધી ચડવા દો. છેલ્લે કસૂરી મેથી અને કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો. તૈયાર છે દમ આલુ.

શુફ્તા

સામગ્રી : બદામ-અડધો કપ, કાજુ-અડધો કપ,સુલતાના(લીલી દ્રાક્ષની સુકવણી) અથવા કિશમિશ-અડધો કપ, પિસ્તા-અડધો કપ, અખરોટ-અડધો કપ, ખારેક-10 નંગ, સૂકું કોપરું-અડધો કપ, પનીરના ટુકડા-અડધો કપ, ઘી-અડધો કપ, ખાંડ-1 કપ, મરી પાઉડર-અડધી ચમચી, તજ પાઉડર-અડધી ચમચી, સૂંઠ પાઉડર-અડધી ચમચી, ઇલાયચી પાઉડર-1 ચમચી, કેસર-અડધી ચમચી, સૂકા ગુલાબની પાંદડીઓ-2 ચમચી

રીત : એક વાડકામાં હુંફાળુ પાણી લઇ તેમાં કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ અને અખરોટને ૩૦ મિનિટ પલાળી રાખવા. અન્ય એક વાડકામાં સાદું પાણી લઈ તેમાં ખારેકને 1 કલાક પલાળી રાખવી.હવે ડ્રાયફ્રૂટમાંથી પાણી નિતારી સાઈડ પર રાખવું. ખારેકને નાના ટુકડામાં કાપી લેવી. સૂકા કોપરાને લાંબી સ્લાઈસમાં સમારી લેવું. હવે એક પેનમાં કોપરાને બ્રાઉન થાય ત્યાં સુધી ઘીમાં તળી લેવું. પનીરના ટુકડાને પણ તળી લેવા. હવે એ પેનમાં બીજું થોડું ઘી ઉમેરી બધા સૂકા મેવા, ખારેક, કોપરું તથા પનીરને ઉમેરો. હવે તેમાં ખાંડ અને અન્ય દરેક બધા મસાલા, કેસર, ગુલાબની પાંદડીઓ ઉમેરી બરાબર મિક્સ કરવું. ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી સતત શેકતા રહેવું. તરત જ સર્વ કરી લેવું.

અન્ય સમાચારો પણ છે...