મૂડ એન્ડ માઇન્ડ:ગૂંચનું સમાધાન

ડો. સ્પંદન ઠાકર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે કોઇ વ્યક્તિ એક જ વ્યક્તિને લવ અને હેટ કરવા લાગે ત્યારે નિર્ણયશક્તિનો અભાવ જન્મે છે. તેમાંથી એન્કઝાયટી ડિપ્રેશન વધે છે અને સમસ્યા ઊભી થાય છે

શૈલીને કેટલાક દિવસથી માથાંના ડાબા ભાગમાં બળતરા થતી હતી. છાતીના ડાબા ભાગમાં પણ દુખાવો થતો હતો. બધા જ રિપોર્ટસ કઢાવ્યા પણ કારણ પકડાતું ન હતું. ઉપરાંત વજનમાં ઘટાડો, ઊંઘમાં અનિયમિતતા અને મૂડમાં ઉપરનીચે ઉછાળા આવતા હતા. અમુક દિવસની દવા બાદ ખાસ ફેર પડ્યો નહીં, ઊલટું દિવસે દિવસે આ તકલીફમાં વધારો થતો ગયો. શૈલી એના પતિ શરણની સાથે જ આવતી હતી. શરણ એની ખૂબ સારી કેર કરતો હતો. જ્યારે શૈલીને જરૂર પડે ત્યારે એ ક્લિનિકમાં લઇ આ‌વે. ટેસ્ટ અને ટ્રીટમેન્ટ વિશે પૂરેપરી જાણકારી મેળવી લે. તેના મોં પર કોઇ જાતનો અણગમો ન વરતાય. સામા પક્ષે શૈલીને પતિનાં વર્તનથી કોઇ ફરક પડે નહીં. છેલ્લાં પાંચ વર્ષનાં લગ્નજીવનમાં બંનેની જોડી કોઇને પણ ઇર્ષ્યા કરાવે તેવી હતી. છ મહિના પહેલાં શરણની વોટ્સએપ ચેટ શૈલીના વાંચવામાં આવી ગઇ. શરણ તેની જૂની ક્લાસમેટ સાથે ચેટ કરતો હતો તે વધારે પડતી હતી એવું શૈલીને લાગ્યું. શૈલી જાણતી હતી કે અભ્યાસકાળ દરમિયાન તે છોકરી શરણને ગમતી હતી. હજુ પણ શરણ વોટ્સએપ ચેટ દ્વારા તે છોકરીને મળવાના પ્લાન્સ બનાવતો હતો. શરણ આ વાતની જાણ પત્નીને કરવાનો જ હતો પણ તે પહેલાં શૈલીએ ચેટ વાંચી લીધી. શરણે પોતાની ભૂલ સ્વીકારી લીધી પણ શૈલીના મનમાં એ વાત રહી ગઇ. તેના મગજમાં એ બેના સંબંધ વિશે કાલ્પનિક ઘોડા દોડવા મંડ્યા. શરણના કહેવા મુજબ આ અફેર ન હતું પણ માત્ર મિસ્ટેક હતી. પતિપત્ની વચ્ચે વિખવાદ વધતો ગયો. શરણ બેકફૂટ પર આવતો ગયો. તેણે વાત કરવાનું ઓછું કરી દીધું. જો બોલે તો ઝઘડો થાય. ઝઘડાનો અંત ‘ઇફ્સ એન્ડ બટ્સ’ પર આવીને અટકે. કોઇ નીવેડો ન આવે. ધીમે ધીમે આ વિવાદનો ભાર મન પરથી શરીર પર આવતો ગયો. શરણના કહેવા મુજબ તે પત્નીની કેર કરીને એને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવાની કોશિશ કરતો હતો. જ્યારે કોઇ વ્યક્તિ એક જ વ્યક્તિને લવ અને હેટ કરવા લાગે ત્યારે નિર્ણયશક્તિનો અભાવ જન્મે છે. તેમાંથી એન્કઝાયટી ડિપ્રેશન વધે છે. શૈલી સપનામાં પણ માની શકતી ન હતી કે શરણ બીજી કોઇ સ્ત્રી સાથે ફ્લર્ટિંગ કરે. થોડીક ચેટ વાંચીને તેણે પતિ પરથી વિશ્વાસ ગુમાવી દીધો. વિચાર-લાગણી-વર્તનની થિયરી દ્વારા શૈલીને કહેવામાં આવ્યું કે જો પહેલાંની જેમ રહેવું હોય તો શરણને પૂરેપૂરો સ્વીકારવો પડશે નહીંતર આ દુષ્ચક્રમાંથી બહાર નહીં નીકળાય. બંને જણાએ સાથે બેસીને ભવિષ્ય માટે વિચારવું જોઇએ મૂડમંત્ર: સંબંધોની દોરીમાં ગૂંચ પડ્યા બાદ તેને ઉકેલવા માટે બે હાથની જરૂર પડે છે. એક હાથના ઉપયોગથી ગૂંચ વધતી જાય છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...