પ્રશ્ન : હું 19 વર્ષની યુવતી છું. છેલ્લા બે વર્ષથી મારો એક બોયફ્રેન્ડ છે અને અમે બાકીનું જીવન સાથે વિતાવવા ઇચ્છીએ છીએ. અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ છે. થોડા સમય પહેલાં મારા માતા-પિતાને અમારા સંબંધોની ખબર પડી જતા તેમણે મને સુરત મારા માસીને ત્યાં મોકલી દીધી છે અને ત્યાંની જ કોલેજમાં એડમિશન અપાવી દીધું છે. જોકે હું ત્યાંથી પણ ફોન સાથે તેના સંપર્કમાં જ છું. અમે અમારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી રાહ જોવા માટે પણ તૈયાર હતા પણ તેણે થોડા દિવસો પહેલાં મને ટેક્સ્ટ કરીને કહ્યું કે તેના માતા-પિતાએ તેને મારી સાથેનો તમામ સંપર્ક બંધ કરવા કહ્યું છે અને એટલે તે બ્રેક-અપ કરવા ઇચ્છે છે. મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમે અત્યારે અત્યંત દબાણભરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છો એ સમજી શકાય છે. તમારા માતાપિતાએ તમને તેમનાથી દૂર કરી નાખ્યા છે અને કોલેજ પણ બદલી નાખી છે. સામા પક્ષે તમારા બોયફ્રેન્ડને પણ તેના પરિવારનો સપોર્ટ નથી અને તમારા બંનેની વય પણ બહુ જ નાની છે. તમારી લાગણી સમજાય એવી છે પણ તમારે પણ પરિસ્થિતિને સમજવાની માનસિક તૈયારી કેળવવી પડશે. હકીકતમાં તમે શું ઇચ્છો છો તે સમજવામાં થોડો સમય ફાળવો અને એ પણ કે દરેક સંબંધ ઉતાર-ચઢાવના વિવિધ તબક્કામાંથી પસાર થાય છે. તમારા અને તમારા બોયફ્રેન્ડ માટે આ એક પડકારજનક પરિસ્થિતિ છે, તમે એક પગલું પાછળ લઈ શકો છો, થોડો સમય ભણતર પર ધ્યાન આપો જેથી સારી કરિયર બનાવી શકો. તમારે હાલમાં જીવનની મહત્ત્વની બાબતોને પ્રાથમિકતા આપવાની જરૂર છે કારણ કે જો તમે તેમના વિશે વિચારવામાં સમય પસાર કરશો, તો તમે તમારો સમય બગાડશો અને શૈક્ષણિક ક્ષેત્રે સારું પ્રદર્શન નહીં કરી શકશો. તમે ઇચ્છો તો કાઉન્સેલર સાથે પણ વાત કરી શકો છો જે તમને તમારી લાગણીઓને સમજવામાં મદદ કરશે. પ્રશ્ન : હું 26 વર્ષની યુવતી છું. મારી અત્યાર સુધી ત્રણ કરતા વધારે રિલેશનશીપ રહી છે. મારી સમસ્યા એ છે કે મારી કોઇ જ રિલેશનશીપ સાત-આઠ મહિનાથી વધારે નથી ચાલતી અને મારો સંબંધમાંથી રસ ઉડી જાય છે. આવું ન થાય એ માટે શું ધ્યાનમાં રાખવું જોઇએ? એક યુવતી (વડોદરા) ઉત્તર : સંબંધોનું ગણિત જ અનોખું હોય છે. સંબંધ બાંધતા અને તોડતાં પહેલાં અમુક એવા એથિક્સ છે જે સનાતન સત્ય જેવાં હોય છે, તેને મનમાં સાચવી રાખવાં જરૂરી છે કારણ કે એની સીધી અસર નેકસ્ટ સંબંધ પર પડે છે. સંબંધો ટકે એ માટે એમાં ખુલ્લાપણું એટલે કે ટ્રાન્સપરન્સી હોવી જરૂરી છે અને એ બંને પક્ષે હોય એ ઇચ્છનીય છે.. તમે જેવા છો તેવા જ રહો. કોઈ વ્યક્તિ તમારી સાથે નવો સંબંધ બાંધે ત્યારે અને જીવનમાં કોઈ સંબંધ વધારે લાંબો ન ચાલ્યો હોય ત્યારે પણ તટસ્થ રહો. કોઇ પણ રિલેશનને બનતા સમય લાગે છે અને એને મજબૂત થતા તો એનાથી પણ વધારે સમય લાગે છે. શક્ય છે કે તમારામાં એક કમિટેડ સંબંધ માટે જે ધીરજ હોવી જોઇએ એની કમી હોય અને પરિણામે તમારો રસ ઉડી જતો હોય. તમે થોડો સમય બ્રેક લઇ લો અને નવી રિલેશનશિપ બાંધવાથી દૂર રહો. તમને વારંવાર સંબંધોમાં નિષ્ફળતા મળે છે ત્યારે આવું શું કામ થાય છે એના પર તમારે જ શાંત ચિત્તે વિચાર કરવાની જરૂર છે. પ્રશ્ન : હું છેલ્લા પાંચ વર્ષથી માર્કેટિંગના ફિલ્ડમાં જોબ કરું છું. મેં બહુ નાની વયે 21મા વર્ષે જ નોકરીની શરૂઆત કરી દીધી હતી અને હું હજી 25 વર્ષનો જ છું. મારા કેટલાક મિત્રોએ તો હાલમાં જ નોકરીની શરૂઆત કરી છે. જોકે પાંચ વર્ષની નોકરી પછી પણ મને સંતોષ નથી કારણ કે મને આ ફિલ્ડમાં કામ કરવાની મજા નથી આવતી. મને લાગે છે કે મારો ગ્રોથ પણ ઓછો છે. મને લાગે છે કે આ ફિલ્ડમાં મારું ભવિષ્ય નથી. મેં મારા પિતાને આ લાગણી જણાવી તો તેઓ થોડા સમય માટે મને બ્રેક લેવાનું સૂચન કરે છે પણ જો બ્રેક લઉં તો અત્યાર સુધીની મહેનત પર પાણી ન ફરી જાય? મારે શું કરવું જોઇએ? એક યુવક (વલસાડ) ઉત્તર : તમારી કન્ફ્યુઝ હાલત સમજી શકાય એમ છે અને તમારા પિતાની સલાહ એકદમ વાજબી છે. જ્યારે પણ જીવનમાં તમારે ક્યાં પહોંચવું છે એની સ્પષ્ટતા ન હોય ત્યારે રોકાઈ જવું એ જ સૌથી પહેલું ડગલું છે. હું રોકાઈ જઈશ તો પાછળ પડી જઈશ એવું તમે વિચારો છો, પણ જો તમે ખોટી દિશામાં વધુ આગળ દોડી ગયા તો શું કરશો? તમારી વય હજી બહુ નાની છે અને કરિયર બદલવા માટે બિલકુલ મોડું નથી થયું. કરિયરની દિશા નક્કી કરવાનો યોગ્ય સમય છે. એક તો મારી મંઝિલ સ્પષ્ટ નથી અને બીજું તમને તમે જે કામ કરી રહ્યા છો એમાં મજા નથી આવતી...આ બે લક્ષણો જ બતાવે છે કે તમે ખોટી દિશામાં આગળ વધી રહ્યા છો. હવે તમારે થોડું આત્મચિંતન કરવાની જરૂર છે, મંઝિલ નક્કી કરવા માટે થોભી જવામાં કંઈ જ ખાટુંમોળું નથી થવાનું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.