મૂડ એન્ડ માઇન્ડ:સ્ટેન્ડ લેવું એ જ સમાધાન નથી!

21 દિવસ પહેલાલેખક: ડો. સ્પંદન ઠાકર
  • કૉપી લિંક

મારા હસબન્ડ મારા માટે સ્ટેન્ડ લેતા નથી’... કદાચ આ વાક્ય ઘણીબધી સ્ત્રીઓના તરફથી સાંભળવા મળે છે. પતિ બધી રીતે સારા છે, ખૂબ જ પ્રેમ કરે છે, દરેક વાતનો ખ્યાલ રાખે છે પણ જયારે ઘરમાં કોઈ મેટર થાય ત્યારે મારા માટે સ્ટેન્ડ લેતા નથી. ત્યારબાદ આ મુદ્દાને લઈને પતિ-પત્ની વચ્ચે ઘણી બધી મૂંઝવણ અને તકરાર રહેતી હોય છે. ખાસ કરીને જયારે પતિની બહેન કે માતા જોડે કોઈ બાબતમાં ગેરસમજ થાય, ઘરમાં વાતાવરણ તંગ થાય ત્યારે પતિ એવી સ્થિતિમાં આવી જાય છે કે કંઇક બોલે તો પણ ફસાય અને ના બોલે તો વધારે ફસાય. આ કહાની ઘર ઘરની છે જેમાં વ્યક્તિ શું કરે તે સમજી શકતો નથી. આમ તો આ એક સામાજિક પ્રશ્ન છે પરંતુ તેના લીધે ઘણી ગૃહિણીઓને લાગવા લાગે છે કે તેમનો મુખ્ય આધાર જ તેમની વિરુદ્ધ છે. પોતાની સાઈડ કોઈ હોય જ નહીં. આવા વિચારોના લીધે સતત માથાનો દુખાવો રહેવા લાગે, ચીડિયાપણું આવવા લાગે, ઉશ્કેરાટ વધી જાય અને આગળ જતા ઉદાસીનતા વધવા લાગે. ઘરેલુ તકરાર ધીમે ધીમે ઝગડામાં ફેરવાઈ જાય અને છેલ્લે અલગ થઇ જવા સુધી વાત પહોંચી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પતિ એક બ્રિજનું કામ કરતો હોય તો જ ઘરની સ્થિરતા જળવાઈ રહે. જયારે ઘરમાં નજીકનાં પાત્રો વચ્ચે તકરાર થાય ત્યારે પતિએ સ્ટેન્ડ લેવાની જગ્યાએ કનેક્ટિંગ બ્રિજ બનવાની કોશિશ કરવી જોઈએ. જો તે એક તરફ ઝૂકી જાય તો પત્ની કે મમ્મીને થોડાક સમય સુધી સપોર્ટ ફીલ થાય પરંતુ ઘરની સ્થિરતા માટે તે જોખમી બની શકે. મોટા ભાગના ઘરના ઝગડા કામને લગતા હોય છે. પત્ની જયારે પતિના ઘરે આવે છે ત્યારે નવા ઘરની પેટર્ન અને પોતાના ઘરની વ્યવસ્થા વચ્ચે એક ગેપ પેદા થાય છે. જે રીતે બે પેઢી વચ્ચે જનરેશન ગેપ હોય છે તે જ રીતે સાસુ અને વહુ વચ્ચે એક કલ્ચરલ ગેપ અને જનરેશન ગેપ બંને રહેલ છે. જેના લીધે કામ કરવાની પદ્ધતિ ઉપર સવાલ પેદા થાય છે અને છેલ્લે તે જ તકરારનું કારણ બને છે. પતિએ આ ગેપ મોટા ઝગડામાં ફેરવાઇ ના થઇ જાય તે માટે બંને વ્યક્તિ વચ્ચે કડી બનવું જોઈએ. પતિનું કામ પત્નીના મૂડને પોઝિટિવ દિશામાં વાળવાનું છે નહીં કે કોઈ પક્ષનો સાથ આપીને ઘરમાં અસ્થિરતા પેદા કરવાનું. પતિ સ્ટેન્ડ પણ લઇ શકે છે પરંતુ થોડા નિષ્પક્ષ બનીને જેનાથી ઘરને જોડવામાં મદદ મળે નહીં કે તોડવામાં. મૂડ મંત્ર - ઘણીવાર કોઈની વાત શાંતિથી સમજીને સાંભળી લેવાય તો તે સમસ્યાનું પચાસ ટકા સમાધાન આપી દે છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...