તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠી મૂંઝવણ:લગ્ન થ‌વાના છે, પણ સુહાગરાતથી ડર લાગે છે...

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

- મોહિની મહેતા

પ્રશ્ન : હું એક વર્કિંગ વુમન છું. હું સતત વ્યસ્ત રહું છું. મારા પતિ મારી સ્થિતિ સમજે છે અને આ કારણે મને ઘરકામમાં હંમેશા મદદ કરે છે. અત્યાર સુધી એકલા હતા ત્યાં સુધી કોઇ ખાસ સમસ્યા નહોતી પણ મારા સસરાના અ‌વસાન પછી મારા સાસુ અમારી સાથે રહેવા આવ્યા છે અને તેમને મારા પતિ મને ઘરકામમાં મદદ કરે એ બિલકુલ નથી ગમતું. તેમની આવી માનસિકતાને કારણે અમારા ઘરમાં વાતાવરણ તંગ રહે છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન કરવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ) ઉત્તર : પુરુષોનું કામ પૈસા કમાવી લાવવાનું અને સ્ત્રીઓનું કામ ઘર ચલાવવાનું. આવી બીબાંઢાળ માનસિકતામાંથી આજનો પુરુષ બહાર આવી ગયો છે. પત્ની વર્કિંગ હોય કે ન હોય, ઘરનાં કેટલાંક કામોની જવાબદારી પુરુષો હોંશે-હોંશે ઉપાડી લે છે. ઘરનાં કામોમાં મદદ કરવાથી પરિવાર સાથે વધુ સારું તાદાત્મ્ય કેળવી શકે છે. સમય જેમ-જેમ આગળ વધે છે તેમ-તેમ સમાજ અને લોકોના વિચારોમાં ફરક આવે છે. આનું મોટું ઉદાહરણ એટલે પરિવારમાં પુરુષની ભૂમિકા. આજથી આશરે 70-80 વર્ષ પહેલાં પુરુષોની જવાબદારી ઘરમાં કમાયેલા પૈસા આપવા સુધી જ સીમિત હતી, પણ હવે આ આખી સમાજ-વ્યવસ્થા બદલાઈ ગઈ છે. પહેલાં ઘરની સ્ત્રીઓ એક ગૃહિણી તરીકે માત્ર ઘરનાં કામકાજ સંભાળતી હતી, પણ હવે જેટલી ફ્રીડમથી વ્યવસાયિક ક્ષેત્રે અને બહારનાં કામોમાં પાવરધી થવા લાગી છે એટલી જ મુક્તતાથી પુરુષોએ પણ ઘરનાં કામોને પોતાની જવાબદારી ગણીને સ્વીકારી લીધાં છે. જોકે પરિવારના વડીલો માટે આ ફેરફારનો સ્વીકાર જ્યારે થોડો મુશ્કેલ બને છે ત્યારે આ સ્થિતિ ઉભી થાય છે. તમે અને તમારા પતિ મળીને તમારા સાસુને સમજાવી શકો છો કે ઘરની સ્ત્રીનું આ બધે પહોંચી વળવું ઘણી વાર સમયના દૃષ્ટિકોણથી અઘરું હોય છે તેથી આજની ફાસ્ટ લાઇફમાં પુરુષનું ઘરની સ્ત્રી સાથે ઊભા રહી કામ કરાવવું એ સમયની માગ છે. તમે તમારા સાસુને સમજાવામાં તમારા પતિની મદદ પણ લઇ શકો છો. બની શકે કે માતા તરીકે સાસુ તમારા પતિની વાતને વધારે સારી રીતે અને હકારાત્મક લાગણીથી સમજી શકે. જો તમારા પતિ ઘરમાં કામ કરાવે છે તો તમે પણ તમારા પતિને ઘરનો આર્થિક બોજ ઉઠાવવાામાં મદદ કરો છો એ હકીકત તમારા સાસુ સમજી જશે તેમની માનસિકતા ચોક્કસ બદલાશે.

પ્રશ્ન : મારાં લગ્નને 6 મહિના થયાં છે. મારી પત્ની આકર્ષક અને સરળ સ્વભાવની છે. મારા પરિવારમાં તે સારી રીતે સેટ પણ થઇ ગઈ છે. મારી સમસ્યા એ છે કે અમારાં લગ્નને 6 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં અમે જાતીય જીવન નથી માણી શક્યા. મારી પત્નીને જાતીય જીવન માણવામાં બિલકુલ રસ નથી અને એ મને હંમેશાં ટાળતી રહે છે. શું તે મને પસંદ નહીં કરતી હોય? હું બહુ કન્ફ્યુઝ છું. મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક યુવક (વાપી) ઉત્તર : એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા-છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતાં હતાં. લગ્નના શરૂઆતના દિવસોમાં જાતીય સંબંધ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી. હવે એવો જમાનો નથી પણ આમ છતાં તમારી પત્ની જાતીય સંબંધ બાંધવામાં રસ ન દર્શાવતી હોય તો એની પાછળ કોઇ ચોક્કસ કારણ હશે. હકીકતમાં લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં જાતીય સંબંધ બાંધ‌વાની દૃષ્ટિએ કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હોય છે. શરૂઆતમાં એક એક્સાઈટમેન્ટ હોય છે જે ધીમે ધીમે ઓછું થતું જાય છે. જોકે લગ્નના છ મહિના તો દંપતી માટે ગોલ્ડન સમય ગણાય છે જો આ દિવસોમાં જ પત્ની તમારાથી દૂર રહેતી હોય તો એની પાછળ ચોક્કસ કારણ હોઇ શકે છે. સૌથી પહેલાં તો તમારી પત્ની સાથે સારી રીતે વાત કરીને એના દિલની વાત સમજવાનો પ્રયાસ કરો. તમારી પત્નીના વલણ પાછળ કોઈ માનસિક કે શારીરિક કારણ હોઇ શકે છે. કપલ વચ્ચે કમ્યુનિકેશન ન હોય, ડિપ્રેશન હોય, બાળપણમાં જાતીય સતામણી થઈ હોય અને એક પક્ષથી આકર્ષણ જ ન હોય તો લગ્નજીવનમાં આ સમસ્યા ઊભી થાય છે. આ બાબતે સ્પષ્ટ વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢો. એક વાત સમજી લો કે જાતીય જીવન એ લગ્નજીવનનું એન્જિન સમાન છે જેની હંમેશાં તમારે કાળજી કરવી પડશે.

પ્રશ્ન : હું 32 વરસની પરિણીતા છું. મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે. તેમને ઘરે આવતા રોજ મોડું થાય છે. રવિવારે પણ ઓફિસે જાય છે. આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું. ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. મારા પતિને હું સમજાવી ચૂકી છું, પરંતુ કોઈ ફેર પડયો નથી. આના કારણે હું ડિપ્રેશનનો ભોગ બની છું. એક મહિલા (વડોદરા) ઉત્તર : પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને આનંદપૂર્વક મળો જેથી તેમનો આખા દિવસનો થાક દૂર થઈ જાય. તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે. શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે. જો આમ છતાં તમને બહુ શંકા રહેતી હોય તો તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો. ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે? શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે? એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો. તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે. જો તમારા પતિ પોતાના કામનું દબાણ ઘટાડવા ઓફિસમાં વધારે સમય પસાર કરતા હોય તો આ વાતનું વતેસર કરવાની જરૂર નથી.

પ્રશ્ન : હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો. આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાંઆવ ને મળવા વાદળી વાદળા.. પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો. લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો. જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો