હળવાશ:‘ગળામાંથી પસાર થતી વસ્તુનો ઉપાય કરવો હોય ત્યારે સિરપ જ લેવાય...’

એક મહિનો પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક

‘તમે વેવસ્થિત દવા નથી લેતાં લાગતાં.. બાકી ખાંસી બે-ચાર દિવસમાં તો મટી જ જાય.’ કલાકાકીએ હંસામાસીને સતત પાંચમા દિવસે ખાંસી ખાતાં જોયાં, એટલે એમનો જ વાંક કાઢ્યો. ‘અલા લઉં જ છું.. રોજ બે વાર સેન્ટિમેન્ટલ લઉં જ છું.’ હંસામાસીએ વચ્ચે બે વાર ખોંઉઝ (ખાંસી વત્તા પોઝ) લીધો. ‘કેટલી વાર લો છો?’ કંકુકાકીએ પેટા પ્રશ્ન પૂછ્યો. ‘એના કરતાં પહેલાં એમ કહો, કે ગોળી લો છો કે સિરપ?’ લીનાબેનને દવાના પ્રકારમાં રસ હતો. ‘ગોળી.’ હંસામાસીએ એક શબ્દમાં ઉત્તર આપ્યો. એટલે લીનાબેન લગભગ તાડૂકયાં, ‘ત્યાં જ તમે મોટી ભૂલ કરો છો.. જ્યારે પણ ગળામાંથી પસાર થતી વસ્તુ માટેનો ઉપાય કરવાનો હોય, ત્યારે સિરપ જ લેવાય.. ખાંસીની હામે પાડવાનું છે આપડે.. જો એ ગળામાંથી આવતી હોય, તો આપડે બી હામે એ જ મારગ અપનાવવાનો. એટલે વોમિટ અને ખાંસીમાં તો ડોક્ટર ભલે ને ગોળી આલે, પણ હું તો સિરપ જ પ્રીફર કરું.’ એમ કરીને પોતાની વિવેકબુદ્ધિનોય પરિચય આપ્યો લીનાબેને. ‘આમ્ જોવા જઈએ ને, તો આવા નાનાં નાનાં છમકલાંમાં તો ડોક્ટરને વતાવવાનાં જ ના હોય. આપડા સરીરને એમની દવા સેટ નો થઈ, તો પાછું ઊંટ કાઢતાં બકરું પેહે. ને આપડે આ મૂક પડતું, ને એનો ઈલાજ કરવો પડે.’ સવિતાકાકીએ ખાંસીની દવા ન લેવા સમજાવ્યુ અને કેમ ના લેવી એ પણ ઉમેર્યું, ‘કારણ કે પછી થાય હું ખબર છે? નવું થ્યેલું તો મટી જાય.. પણ ઓલી ખાંસી તો ન્યાં ને ન્યાં જ ઊભી હોય.. ને ત્યારે તો એં, આમ વધારે માથું ઊંચું કરીન ઊભી થાય મારી બેટી.’ ‘ના ના. એવું કસું ના હોય. ડોક્ટરની દવા તો લેવી જ પડે. પણ હા, એક વાત છે, કે હું તો એમ માનું કે ડોક્ટરે દિવસમાં બે વાર કીધું હોય ને, તો ચાર વાર હુંધી તો લેવાય.’ કલાકાકી બોલ્યાં. ‘હોતું હસે? અલા વધારે લઈએ તો ઊંધી અસર કરે.’ લીનાબેને વિરોધ દર્શાવ્યો. એટલે કલાકાકી ચિડાયાં, ‘અમને ગાંડા હમજો છો? વધારે લેવાની વાત નથી.. બરાબર હાંભળો તમે. હું વધારે વાર લેવાનું કઉ છું. એટલે બે-બે ચમચી બે વાર લેવાની કીધી હોય ને, તો આપડે એક-એક ચમચી ચાર વાર લેવાની. એથી થાય હું ખબર છે? ખાંસી આવું-આવું થતી હોય ત્યાં વળી એક ચમચી જાય.. એટલે એનું જોર થોડું ઓછું થઈ જાય.. વળી, બે-ત્રણ કલાકે આપડે તીખું તળેલું ખાઈએ કે ગરમી જેવું થાય, તો કોલ્ડિંગ-આઇસક્રીમ ખાઈએ ત્યારે પાછી એક-એક ચમચી વાંહે પધરાઈ દેવાની.. એટલે પાછું એનું જોર ઓછું થઈ જાય. એક વાર એને ઊભી થતી બંધ કરી દો ને, પછી તો ધીમે ધીમે એ જ માંડી વાળે.. ફૂંફાડો રાખવાનો.. હમજો તમે. અને એમ કરતાં કરતાં જ મટે. એને સાયકોલોજિકલ ટીટમેન્ટ આલવી પડે.. તો જ પાર આવે. હમજ્યાં!’ હું એક ધબકારો ચૂકી ગઈ બોલો. ‘આઇડિયા તો સોલ્લિડ છે હોં તમારો. આપડે હવે અજમાવવો જ પડસે.’ હંસામાસીને આ આઇડિયા ગમી ગયો. (નરવાઈ ત્રણ-ચાર આંટા લઈ ગઈ છે ને, એટલે હંસામાસી પોતાને બહુવચનથી જ સંબોધે છે.) ‘પણ અલા.. એક વાત ના હમજાઈ.. મારા ઘરમાં વલ્ડની લગભગ બધી કંપનીની ખાંસીની દવા આંટો મારી ગયેલી છે.. પણ આ સેન્ટિમેન્ટલ નામ તો તમાર જોડે પહેલી વાર જ હાંભળ્યું. તે આ કોઈ નવા બનેલા ડોક્ટરે આલી છે, કે તમે ઘેર બનાઈ બે-ત્રણ મિક્સ કરીને?’ કલાકાકીએ પોતાનું જ્ઞાન અને સમજણ બંને એકસાથે સપષ્ટ કર્યાં. અને એ બાબતે હંસામાસીએ જે સ્પષ્ટતા કરી, તમે હ્રદય પર પત્થર રાખીને સાંભળજો. ‘અલા.., એ તો દવા ઘરમાં આવે એ વખતે જે ઇંગ્લિસ નામ હાથવગું હોય એ વાપરી નાખવાનું. એક્ચ્યુલી મેં એવું જ રાખ્યું છે, કે દવાનું નામ જે હોય એ, પણ આપડા ઘેર આયા પછી એનું નવું જ નામકરણ કરી નાખવાનું. અને એ જ બોલવાની ટેવ પાડવાની. એટલે કોકની દેખતાં બોલીએ ને, તો ઇમ્પ્રેસન એવી પડે કે જાણે આપડે ફોરેનની દવા લઈએ છીએ એમ.’ એકધારું બોલી ગયાં હંસામાસી અને આ બોલતી વખતે એમના હાવભાવમાં અને આરોહ-અવરોહમાં જે અભિમાન દેખાતું’તું! અને એ વખતે એમને એક પણ ખાંસી ના આઇ, બોલો! દવા લેવી કે નઇં? અને જો લેવી, તો કયા પ્રકારની દવા લેવી અને એ દવાનો ક્યારે, કેવી રીતે અને કેટલો ઉપયોગ કરવો એની સાચી સમજણ આજે જ પડી મને. અને હા, સુપર સે ભી ઉપર.. નામકરણવાળો આઇડિયા તો હાઇટ છે હાઇટ. આ તો હું અમલમાં મૂકવાની જ.

અન્ય સમાચારો પણ છે...