રસથાળ:તહેવારોમાં મીઠાશ ઘોળતી મધમીઠી મીઠાઇઓ

રિયા રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનું પર્વ છે. આ દિવસે ભાઇનું મોં મીઠું કરવા માટે બહેનો અવનવી મીઠાઇઓ બનાવતી હોય છે. તો ચાલો બનાવીએ આવી જ કેટલીક ખાસ મીઠાઇઓ...

રોઝ કોકોનટ લાડુ સામગ્રી : ઝીણું કોપરું - દોઢ કપ, ખાંડ - અડધો કપ, રોઝ સીરપ - 3થી 4 ચમચી, ઘી - 1 ચમચી, મિલ્ક પાઉડર - 3થી 4 ચમચી રીત : એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં કોપરું નાખી ધીમા તાપે એકથી બે મિનિટ સુધી શેકો. આ મિશ્રણમાં દૂધ નાખીને ત્રણથી ચાર મિનિટ સુધી હલાવો. આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં મિલ્ક પાઉડર તેમજ ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો અને ત્રણથી ચાર મિનિટ સુધી હલાવો. આ પછી એમાં રોઝ સીરપ નાખી દો. કડાઇમાં મિશ્રણ સારી રીતે અલગ પડી જાય એટલે ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડુંં પડે એટલે હાથને ઘી વાળો કરીને લાડુ વાળો. આ લાડુને કોપરાનાં છીણમાં રગદોળો. તૈયાર છે રોઝ કોકોનટ લાડુ.

કાજુ કતરી

સામગ્રી : કાજુ-અઢીસો ગ્રામ, મિલ્ક પાઉડર-4 ચમચી, ખાંડ-1 કપ, પાણી-અડધો કપ, ઘી-1 ચમચી, વરખ રીત : કાજુને મિક્સરમાં ક્રશ કરી પાઉડર બનાવી લો. તેને ચારણીથી ચાળી તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરો. હવે ચાસણી બનાવવા માટે ખાંડમાં પાણી ઉમેરી ધીમા તાપે ગરમ મૂકો. ખાંડ ઓગળે અને ઉપર પરપોટા થાય ત્યાં સુધી ચાસણી થવા દેવી. હવે આ ચાસણીમાં કાજુ અને મિલ્ક પાઉડરનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી સતત દસ મિનિટ સુધી હલાવતા રહો. હવે ગેસ બંધ કરી અને બીજી પાંચ મિનિટ સુધી હલાવતા રહો. હવે એક પ્લાસ્ટિકની શીટને ઘી વડે ગ્રીસ કરો. મિશ્રણને તેના પાથરી લેવું. હવે ઉપર બીજી પ્લાસ્ટિક શીટ મૂકી વેલણથી હળવા હાથે વણી લો. વીસ મિનિટ બાદ તેમાં કાપા પાડી ઉપર ચાંદીનો વરખ લગાવી લો. મિલ્ક કેક સામગ્રી : દૂધનો પાઉડર - 3 કપ, ઘી - 2 મોટી ચમચી, દૂધ - 1 કપ, ખાંડ - 2 કપ રીત : સૌથી પહેલાં દૂધના પાઉડરમાં ઘી અને દૂધ નાખીને મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને 30 મિનિટ સુધી રાખી લો. આ પછી કઢાઇમાં ઘી ગરમ કરી લો અને આ ગરમ ઘીમાં આ મિશ્રણને સારી રીતે શેકી લો. મિશ્રણ શેકાઇ જશે એ પછી એમાં થોડું દૂધ ઉમેરો. દૂધ ઉમેર્યા પછી મિશ્રણ ફરી થોડું ઢીલું થઇ જશે. એક ગેસ પર એક તારની ચાસણી બનાવી લો અને પછી મિશ્રણની અંદર ધીમે ધીમે ચાસણી મિક્સ કરો. ચાસણી ઉમેર્યા પછી આખું મિશ્રણ ગોલ્ડ રંગનું થઇ જશે. આ ગરમાગરમ ગોલ્ડન મિશ્રણને એક મોલ્ડમાં અથવા તો ગ્રીસ કરેલાં (ઘી લગાવેલાં) સ્ટીલનાં વાસણમાં નાખો અને સાતથી આઠ કલાક માટે ઠરવા દો. થઇ ગઇ તૈયાર મિલ્ક કેક.

બોમ્બે આઈસ હલવો સામગ્રી : મેંદો-1 કપ, દૂધ-1 કપ, ઘી-1 કપ, ખાંડ-દોઢ કપ, બદામ-પિસ્તા કતરણ-2 ચમચી, એલચી પાઉડર-અડધી ચમચી, એલચી દાણા-અડધી ચમચી રીત : એક નોનસ્ટિક કડાઈમાં દૂધ, ખાંડ, ઘી અને મેંદો બધું એકસાથે ઉમેરી ધીમા ગેસ પર સતત હલાવતા રહો. ધ્યાન રહે કે તેમાં ગાંઠા ના પડે. મિશ્રણ ઘટ્ટ થાય અને ચોંટે નહીં ત્યાં સુધી હલાવતા રહો. હવે આ મિશ્રણને બટર પેપર પર ઘી લગાવી તેના ઉપર પાથરવું. થોડું ઠંડુંં પડે એટલે તેના ઉપર બીજું બટર પેપર રાખી અને વણી લો. હવે ઉપરનું બટર પેપર ઉપાડી એલચી પાઉડર, એલચી દાણા અને બદામ પિસ્તાની કતરણ ભભરાવી ફરી બટર પેપર રાખી જરા વણી લો. એકદમ ઠંડું પડે એટલે ચોરસ કાપા પાડી પાંચથી છ કલાક ખુલ્લો જ ઠરવા દેવો. તૈયાર છે બોમ્બે આઈસ હલવો.

મોહનથાળ સામગ્રી : ચણાનો કરકરો લોટ-2 કપ, ધી-અઢી કપ, દૂધ-અડધી વાડકી, ખાંડ-2 કપ, એલચી પાઉડર-1 ચમચી, બદામ-10 થી 12 નંગ, કેસર-અડધી ચમચી, મગજતરી-અડધી ચમચી, ચારોળી-અડધી ચમચી રીત : ચણાના લોટને બે ચમચી ઘી અને અડધી વાડકી દૂધ ઉમેરીને ધાબો દેવો. હવે કડાઈમાં ધી ગરમ થાય એટલે ચણાનો લોટ ઉમેરી ધીમા તાપમાને સતત હલાવતા રહો. રંગ લાલશ પડતો થાય અને ઘી છૂટંુ પડે ત્યાં સુધી શેકતા રહેવાનું છે. હવે અન્ય વાસણમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ચાસણી બનાવવા મૂકવી. દોઢ તારની ચાસણી થાય એટલે કેસર અને એલચી પાઉડર ઉમેરો. હવે ચાસણીને શેકેલા લોટમાં ધીરે ધીરે હલાવતાં ઉમેરો. પાંચ મિનિટ સુધી હલાવતા એકદમ સરસ બધું મિક્સ કરી લેવું. હવે એક લંબચોરસ ટ્રેમાં મોહનથાળને પાથરી અને ઉપર બદામની કતરણ, મગજતરી અને ચારોલીથી સજાવો. આ મિશ્રણ ઠંડુંં પડશે એટલે મોહનથાળ તૈયાર.

બનાના માલપૂઆ

સામગ્રી : ઘઉંનો લોટ-1 કપ, રવો-2 ચમચી, સુકા કોપરાની છીણ-2 ચમચી, દૂધની મલાઈ-2 ચમચી, બૂરું ખાંડ-3 ચમચી, કેળાં-2 નંગ, દૂધ-દોઢ કપ, એલચી પાઉડર-1 ચમચી, વરિયાળી પાઉડર-1 ચમચી, ઘી-તળવા માટે, ખાંડ-1 કપ, પાણી-1 કપ, કેસર-8 થી 10 તાંતણા, બદામ અને પિસ્તાની કતરણ-4 ચમચી રીત : સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, રવો, સુકા કોપરાની છીણ, બૂરું ખાંડ, એલચી પાઉડર અને વરિયાળી પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે દૂધની મલાઈ ઉમેરી લેવી. કેળાંને મસળીને ઉમેરવું. દૂધ થોડું થોડું ઉમેરતા બધું મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ઢાંકીને એક કલાક સાઇડમાં રહેવા દેવું. હવે ચાસણી બનાવવા માટે કડાઈમાં ખાંડ અને પાણી ઉમેરી મધ્યમ આંચ પર સતત હલાવતા રહેવું. એલચી પાઉડર અને કેસર ઉમેરી એક તારની ચાસણી બનાવી લો. હવે કડાઈમાં ઘી ગરમ કરી ગોળ ચમચાથી માલપૂઆ ઉતારો. કિનારી સોનેરી રંગની થાય એટલે બીજી બાજુ પલટાવી લેવી. તૈયાર થયેલા ગરમ માલપૂઆને હૂંફાળી ગરમ ચાસણીમાં ઉમેરી બેથી ત્રણ મિનિટ રાખીને બહાર કાઢી લો. બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સ્વાદની મજા માણો. પિસ્તા બરફી સામગ્રી : મોળા પિસ્તા-1 કપ, પલાળેલી બદામ-અડધો કપ, ખાંડ-1 કપ, પાણી-પા કપ, મિલ્ક પાઉડર-અડધો કપ, ઘી-4 ચમચી, એલચી પાઉડર-1 ચમચી, પિસ્તા કતરણ-2 ચમચી, બદામ કતરણ-1 ચમચી રીત : સૌથી પહેલા મોળાં પિસ્તા અને પલાળેલી બદામને મિક્સરમાં ક્રશ કરી લો. એક તારની ચાસણી તૈયાર કરવી. ચાસણી તૈયાર થાય એટલે મિલ્ક પાઉડર અને પિસ્તા-બદામનો ક્રશ ઉમેરો.બધું યોગ્ય મિકસ કરી એક લંબચોરસ ટ્રે માં ઢાળી દેવું. ઠંડું થાય એટલે ચોરસ ટુકડા કરી સર્વ કરો. કાજુ મેસૂબ સામગ્રી : કાજુ પાઉડર-2 કપ, ખાંડ-1 કપ, ઘી-અડધો કપ, એલચી પાઉડર-અડધી ચમચી રીત : સૌપ્રથમ કડાઈમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી એક તારની ચાસણી કરી લેવી. ઘીને ગરમ કરી બાજુ પર મૂકવું. હવે કાજુ પાઉડર ઉમેરી ગરમ ઘી ધીરે ધીરે રેડતાં જવું અને મિક્સ કરતા જવું. મેસૂબ પર જાળી દેખાય અને ઘી છૂટું પડે એટલે મિશ્રણને પ્લેટમાં ઢાળી દેવું. ચોરસ ટુકડાઓમાં કાપી ઉપર એલચી પાઉડર ભભરાવો.

અન્ય સમાચારો પણ છે...