મોટાભાગે મહિલાઓ વધતી વયની સાથે સાથે વધતા વજનની સમસ્યાનો સામનો કરતી હોય છે. જે મહિલાનું વજન સરેરાશ કરતાં થોડું વધારેે હોય તેમણે સમજી વિચારીને કપડાંની પસંદગી કરવી જોઇએ જેથી તેમનું શરીર બેડોળ ન લાગે અને સાથે સાથે સ્ટાઇલિશ તેમજ ફેશનેબલ લુક મેળવી શકાય છે. પ્લસ સાઇઝની મહિલાઓ કેટલીક ખાસ ટિપ્સનું પાલન કરે તો સુપર ફેશનેબલ લાગી શકે છે. સ્લીવલેસ આઉટફિટ સામાન્ય રીતે પ્લસ સાઇઝની મહિલાઓને સ્લીવલેસ આઉટફિટ પહેરવામાં મૂંઝવણ રહેતી હોય છે. મોટાભાગની યુવતીઓ એવું માનતી હોય છે કે જો તેનું વજન વધારે હશે અને તે સ્લીવલેસ આઉટફિટ પહેરશે તો હાથ જાડા લાગશે. જોકે એવું નથી, ચબી ગર્લ્સ પણ સ્લીવલેસ કપડાંમાં સારી લાગી શકે છે. આ વાતનું ઉદાહરણ કોમેડિયન ભારતી સિંહ છે.
ક્રોપ ટોપ અને હાઇ વેસ્ટ જીન્સ પ્લસ સાઇઝની મહિલાઓને એવું લાગતું હોય છે કે હાઇ વેસ્ટ જીન્સ સાથે ક્રોપ ટોપ તેમને સારું નહીં લાગે. જોકે એવું નથી. ઘણી મહિલાઓ ક્રોપ ટોપમાં કમ્ફર્ટેબલ નથી અનુભવતી. જો તમે સ્ટાઇલિશ આઉટફિટને કોન્ફિડન્સ સાથે પહેરશો તો ચોક્કસ એ ડ્રેસ સારો જ લાગશે. જો તમે પ્લસ સાઇઝની મહિલા હશો પણ આમ છતાં જાત માટે કોન્ફિડન્ટ હશો તો આરામથી ક્રોપ ટોપ અને હાઇ વેસ્ટ જીન્સ પહેરી શકશો. પ્લસ સાઇઝની મહિલા બિકિની પણ પહેરી શકે છે અને જો ઇચ્છે તો મોનોકની અને શોર્ટ કફ્તાન પણ પહેરી શકે છે. આ સ્ટાઇલિંગથી ફેશનેબલ લુક મેળવી શકાય છે. ફિટિંગ જરૂરી પ્લસ સાઇઝની મહિલાઓએ હંમેશાં યોગ્ય ફિટિંગવાળો ડ્રેસ જ પહેરવો જોઇએ. વધારે પડતાં ટાઇટ વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઇએ કારણ કે વધારે પડતાં ટાઇટ વસ્ત્રો શરીરની અયોગ્ય ચરબીને હાઇલાઇટ કરે છે અને આના કારણે શરીર બેડોળ લાગે છે.
યોગ્ય ફેબ્રિકની પસંદગી પ્લસ સાઇઝની મહિલાઓએ આઉટફિટની પસંદગી વખતે ફેબ્રિકનું પૂરતું ધ્યાન રાખવું જોઇએ. જે ફેબ્રિક બહુ હેવી હોય અથવા તો શરીરને ચોંટી જતું હોય એની પસંદગી કરવાનું ટાળો. આવું ફેબ્રિક શરીરનાં ચરબીવાળા હિસ્સાને હાઇલાઇટ કરે છે. પ્લસ સાઇઝની મહિલાઓએ લેગિંગ પહેરવાનું ટાળવું જોઇએ કારણ કે લેગિંગમાં પગની ચરબી સ્પષ્ટ રીતે નજરે ચડે છે. પ્લસ સાઇઝની મહિલાઓએ કુર્તી સાથે લેગિંગની જગ્યાએ પેન્ટ પહેરવું જોઇએ. પેન્ટમાં ફેટ સંતાઇ જાય છે. મોટી પ્રિન્ટ્સ-બોલ્ડ કલર્સથી દૂર રહો જો તમે પ્લસ સાઇઝના હો તો મોટી પ્રિન્ટ્સવાળાં કપડાં ક્યારેય ન પહેરવાં જોઇએ. મોટી પ્રિન્ટ તમારા કર્વને હાઇલાઇટ કરશે. આના કારણે મોટી પ્રિન્ટ ક્યારેય ન પહેરવી જોઇએ. પ્લસ સાઇઝની યુવતીઓએ વોર્ડરોબમાં નાની પ્રિન્ટ્સનાં વસ્ત્રોને સ્થાન આપવું જોઇએ. વસ્ત્રોમાં મોટી પ્રિન્ટ્સની સાથે સાથે બોલ્ડ કલર્સને પણ તિલાંજલિ આપી દેવી જોઇએ. એ લુકને ભડકાઉ બનાવી શકે છે. પ્લસ સાઇઝની યુવતીઓ બને ત્યાં સુધી સોબર અને લાઇટ રંગની પસંદગી જ કરવી જોઇએ.
શેપવેર છે સ્પેશિયલ પ્લસ સાઇઝની મહિલાઓ માટે શેપવેર ખાસ ગિફ્ટ સાબિત થયા છે. સામાન્ય રીતે બેલી એરિયામાં અને નિતંબ એરિયામાં સૌથી વધારે ચરબી જામેલી હોય હોય છે. બોડીને શેપમાં દેખાડવા માટે પ્લસ સાઇઝની મહિલા શેપવેરની મદદ લઇ શકે છે. જોકે આ શેપવેર સાઇઝ પ્રમાણે હોવા જરૂરી છે, ઢીલા શેપવેર પહેરવાથી કોઇ ફાયદો નહીં થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.