ધુળેટીમાં રંગબેરંગી કલરની વચ્ચે આનંદ માણતી વખતે વાળ અને ત્વચાની સાથે સાથે કપડાંની સંભાળ રાખવી પણ બહુ જરૂરી છે. લુક અને સ્ટાઇલ માટે યોગ્ય આઉટફિટની પસંદગી જરૂરી છે. જો તમને ખ્યાલ હોય કે હોળી પાર્ટીમાં શું પહેરવું જોઇએ અને શું ન પહેરવું જોઇએ તો તમે તરત જ આકર્ષણનું કેન્દ્ર બની જશો. ધુળેટીના રંગ તેમજ એમાં રહેલું કેમિકલ કપડાંને ખરાબ કરી નાખે છે એટલે વસ્ત્રોની પસંદગી વખતે આ વાત ખાસ યાદ રાખવી. હાલમાં યંગસ્ટર્સમાં ધુળેટી પાર્ટીમાં સફેદ કપડાં પહેરવાનો ટ્રેન્ડ છે પણ આ સિવાય પણ બીજા વિકલ્પો છે જેની મદદથી તમે હોળી પાર્ટી માટે ફેશનેબલ અને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. શું પહેરશો... હોળીના રંગથી બચવા માટે જૂનાં કપડાં પહેરો જેથી એ ખરાબ થઇ જાય તો દુ:ખ ન થાય. જો તમે ઇચ્છો તો તમારા ગ્રુપ સાથે મળીને પહેરવા માટે મેચિંગ એથનિક આઉટફિટ પહેરી શકો છો. આ રીતે તમારું ગ્રુપ આખી પાર્ટીમાં અલગ દેખાશે. જો તમે આધુનિક અને ટ્રેડિશનલ લુકનો સમન્વય ઇચ્છતા હો તો ચિકનકારીના સ્ટાલિશ કુર્તા સાથે રિપ્ડ જીન્સનું કોમ્બિનેશન ટ્રાય કરી શકો છો. આની સાથે જો ઇચ્છો તો વાળની સુરક્ષા માટે સ્કાર્ફ કે દુપટ્ટાનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઇચ્છો તો ધુળેટીમાં બ્રાઇટ રંગનાં કોમ્બિનેશનનાં વસ્ત્રો પહેરી શકો છો. આ પ્રકારનું કોમ્બિનેશન આખું વાતાવરણ એકદમ કલરફુલ કરી નાખે છે. હોળી પર કપડાંની પસંદગી કરતી વખતે એનાં ફેબ્રિકને ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ. ધુળેટી રમતી વખતે હળવાં કોટનનાં ફેબ્રિકની જ પસંદગી કરવી જોઇએ કારણ કે એ હોળી રમવા માટે સારામાં સારું મટીરિયલ છે. એ ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ કરાવે છે અને આ ફેબ્રિક શરીરમાં ખૂંચતું પણ નથી. જોકે જાડું કોટન પહેરવાનું ટાળવું જોઇએ કારણ કે એ ઝડપથી કોરું નથી થતું. જો તમારે સ્ટાઇલિશ લુક જોઇતો હોય તો ટોપ અથવા તો કુર્તા સાથે પલાઝો કે પછી કેપ્રી પહેરી શકો છો. હાલમાં કુર્તા સાથે ધોતી પેન્ટ પહેરવાનું ચલણ વધ્યું છે. આ પ્રકારની સ્ટાઇલ અપનાવીને તમે ભીડમાં અલગ તરી શકો છો. જો તમે સારી રીતે સંભાળી શકો છો તો ધુળેટી પાર્ટીમાં પહેરવા માટે સાડી સારો વિકલ્પ સાબિત થાય છે. જોકે એની પસંદગી કરતી વખતે મટીરિયલનું ખાસ ધ્યાન રાખવું કારણ કે જો એ પાતળું હશે તો ભીનું થયા પછી શરીર સાથે ચોંટી જશે. શું ન પહેરો? ધુળેટી વખતે પહેરવાનાં કપડાં વધારે પડતાં ટાઇટ કે પછી શરીર સાથે ચોંટી જાય એવા મટીરિયલનાં ન હોવા જોઇએ. આવાં કપડાં થોડાં ચીપ લાગશે. ધુળેટી રમતી વખતે ડીપ નેકલાઇનવાળાં અથવા તો હાફ સ્લીવ્ઝવાળાં વસ્ત્રો પહેરવાનું ટાળો. ધુળેટી રમતી સ્કર્ટ પહેરવાનું ટાળો કારણ કે સ્કર્ટને કારણે ક્યારેક વોર્ડરોબ માલફંક્શન જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ધુળેટી રમતી વખતે લાઇટ રંગ પહેરવાનું ટાળો કારણ કે લાઇટ રંગ પર બહુ ઝડપથી રંગના ધાબાં લાગી જાય છે જેને ધોવાનું કામ બહુ મુશ્કેલ સાબિત થાય છે. ડાર્ક રંગનાં વસ્ત્રો પર ઝડપથી રંગના ધાબાં નથી લાગતા.ધુળેટી પાર્ટીમાં શોર્ટ્સ પહેરવાની ભૂલ ન કરવી જોઇએ. એ સ્ટાઇલિશ તો લાગે છે પણ એ પહેરવાથી પગ પર બહુ રંગ લાગી જાય છે અને ત્વચાને નુકસાન થઇ શકે છે. ધુળેટી દરમિયાન જો તમે થોડું બોલ્ડ ડ્રેસિંગ કરવા ઇચ્છતા હો તો સફેદ કે લાઇટ રંગનાં વસ્ત્રો પહેરવાનું ટાળો કારણ કે એ ભીંજાઇ ગયા બાદ પારદર્શક લાગશે. જો તમારે આવો રંગ પહેરવો જ હોય તો સાથે ઇનર પહેરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.