વુમનોલોજી:સ્વતંત્ર ભારતમાં સ્ત્રીની સશક્ત સફર

મેઘા જોશી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં ઇતિહાસની સ્ત્રીએ સમગ્ર સ્ત્રી સમાજને જે વારસો આપ્યો એને શિસ્ત અને શિદ્દત સાથે દરેક દસકામાં અલગ અલગ સ્ત્રીઓએ આગળ વધાર્યો છે

પંદર ઓગસ્ટ, 1947થી પંદર ઓગસ્ટ, 2021 વચ્ચેનાં વર્ષોમાં ભારતનો નકશો બદલાયો તેમજ રાજ્યનાં નામ અને સંખ્યા પણ બદલાયાં.સંવિધાન અને કાયદા બન્યાં પછી આ સાત દાયકામાં જયારે કટોકટી આવી કે જરૂર પડી ત્યારે તેમાં પણ ફેરફાર આવ્યા. દહેજ પ્રથા, સ્ત્રી ભ્રુણ હત્યા કે નિરક્ષરતા જેવાં સામાજિક દુષણોને કારણે સ્ત્રીને થતા અન્યાયમાં પણ દેખીતો ફેરફાર છે. સરેરાશ ભારતીય સ્ત્રીની જીવન શૈલી, દીકરી માટે શિક્ષણની તક તથા શિક્ષણનું વિસ્તરણ, અલગ અલગ વ્યવસાયમાં સ્ત્રીની વધતી હાજરી અને સ્ત્રી નેતૃત્વનાં દરેક દૃશ્યો પ્રેરક છે, આનંદદાયક છે. ભારતમાં ઇતિહાસની સ્ત્રીએ સમગ્ર સ્ત્રી સમાજને જે વારસો આપ્યો એને શિસ્ત અને શિદ્દત સાથે દરેક દસકામાં અલગ અલગ સ્ત્રીઓએ આગળ વધાર્યો અને પુરુષ સમાજે પણ સમજ સાથેનો સહકાર આપ્યો. સ્ત્રીને શિક્ષણ મળે તો જ એ સશક્ત થઇ શકે એ વર્ષો પહેલાં સ્વપ્ન જેવું હતું પરંતુ સાવિત્રીબાઈ ફૂલે જેવાં કર્મઠ મહિલા શિક્ષક, અબલા બોઝ જેવાં મહિલા શિક્ષણના પ્રણેતા હોય કે સુચેતા ક્રિપલાની જેવા નેતા હોય... આ દરેક શક્તિ સ્વરૂપાએ એક એવા દીવાને પ્રજ્વલિત કર્યો જેનો પ્રકાશ રોજ વિસ્તરતો ગયો. આજે સાવ અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળામાં પણ તમને દીકરીઓની હાજરી દેખાશે અને ઈસરોના વૈજ્ઞાનિક સંશોધનમાં પણ સ્ત્રી પ્રતિનિધિત્વ જોઈ શકાય છે. હા, પુરુષની સરખામણીમાં ઉચ્ચ હોદ્દા પર કે કોર્પોરેટ લીડરશિપમાં હજી સ્ત્રીની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, પણ એના બળાપા કાઢીને જ્યાં જે સારું થાય છે એનું સન્માન ચૂકી જવાય તે બરાબર નથી. ‘બૈરાની જાત’ ઘર સાચવે અને પુરુષો ગુજરાન ચલાવવા ઘરની બહાર જાય...આ એક માનસિકતાનો ભોગ બનેલ સમાજ હવે એનાં દોરડાં છોડીને પોતાની જ કેદમાંથી મુક્ત થઇ રહ્યો છે. નેશનલ સેમ્પલ સર્વેમાં સ્વાયત્ત વ્યવસાય ધરાવીને આત્મનિર્ભર થતી સ્ત્રીઓ 14 ટકા હતી. આજે વિવિધ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને કારણે શહેરી વિસ્તારમાં મહિલા ઉદ્યોગ સાહસિકની સંખ્યા પણ વધી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં સખીમંડળોના સહકારથી ગ્રામીણ મહિલા પણ ખરા અર્થમાં સ્વતંત્ર થઇ. સરોજિની નાયડુની વિરાસત સુષ્મા સ્વરાજ જેવાં મહિલા નેતા કે કેપ્ટન લક્ષ્મીની હિંમતને ફાઈટર પ્લેન ચાલક ભાવના કંથ કે અવની ચતુર્વેદી આગળ વધારી શકે છે. આ દરેક સ્ત્રી વિશેષ છે અને એમનું યોગદાન ઉપલબ્ધિ છે. ભારતીય સ્ત્રી શોષણની સદીમાં બંધાયેલ માદા નથી પણ ક્ષમતા, સપનાં, સન્માન અને સહકારને જીવતી આગવી ઓળખ છે. ભારતમાં સ્વતંત્રતા બાદ બસો વર્ષથી ગુલામી ઝીલતી સમાજની માનસિકતા પડકારજનક હતી. સ્ત્રીઓ માટેનાં અતાર્કિક સામાજિક બંધનો અને નિયમોનો નિષેધ અઘરો હતો, પણ શિક્ષણ અને સામાજિક જાગૃતિને કારણે આજે સ્ત્રી ઝંડો પકડી શકે છે. સ્વતંત્રતાના દરવાજા ક્યારના ખુલ્યા છે, એમાંથી સમતા અને એકતાની તાજી હવા પણ આવી રહી છે...જરૂર છે માત્ર એ જ સાહજિક સ્વીકૃતિની. સશક્ત અને સ્વતંત્ર સ્ત્રીની વ્યાખ્યામાં હજી ઘણા રંગ બાકી છે, ઘણી રેખાઓ અંકિત કરવાની છે...તમારી કલમ તમારા જ હાથમાં છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...