શરીર પૂછે સવાલ:ભાવિ પત્નીના પેટ પર સ્ટ્રેચ માર્ક, શું તે પહેલાં પ્રેગ્નન્ટ થઇ હશે?

7 દિવસ પહેલાલેખક: વનિતા વોરા
  • કૉપી લિંક

પ્રશ્ન : હાલમાં મારી એક ફ્રેન્ડે વેગન ડાયટ અપનાવ્યો છે. તે પોતાનું વજન ઉતારવા ઇચ્છે છે. શું વેગન ડાયટથી આવું થઇ શકે છે? એ કઇ રીતે કરાય છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર ઃ આજકાલ લોકો વજન ઘટાડવા અને અનેક બીમારીઓને દૂર કરવા માટે વેગન ડાયટનો સહારો લઈ રહ્યા છે. એમાં પ્રાણી ઉત્પાદનોને બદલે વૃક્ષ અને છોડથી મળતાં આહારને ડાયટમાં શામેલ કરવામાં આવે છે. આ આહાર ખનિજોથી ભરપૂર અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. થોડા સમય પહેલાં એક સર્વે થયો હતો એના આધારે તારણ નીકળ્યું હતું કે વેગન આહારથી કેલરીમાં પણ ઘટાડો થયો ન હતો પણ આ ડાયટ પછી લોકોના સાંધાના દુખાવામાં સુધારો થયો અને તેમનું વજન પણ ઘટ્યું. આ ખોરાક લીધા પછી કોલેસ્ટ્રોલમાં પણ સુધારો થયો. આનાથી ગાઉટમાં રાહત મળે છે. આ ડાયટને ફોલો કરવાથી વજન ઓછું રહે છે, જો કે ઘણા રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લાંબા સમય સુધી વેગન ડાયટ લેવાથી શરીરમાં વિટામિન બી-12, વિટામિન ડી, કેલ્શિયમ અને આવશ્યક ફેટી એસિડની ઊણપ થઈ શકે છે. આ વિટામિન્સ અને મિનરલ્સ તમારા હાડકાંના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ફેટી એસિડનું ઓછું સ્તર ઘણાં કાર્ડિયોવસ્ક્યુલર જોખમોનું કારણ બની શકે છે. વેગન આહાર પણ હોમોસિસ્ટિન એમિનો એસિડના ઉચ્ચ સ્તર તરફ દોરી શકે છે, જે હૃદયરોગ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન : હું 45 વર્ષનો પુરુષ છું. મને વર્ષોથી જમ્યા પછી થોડી મીઠાઇ ખાવાની આદત છે. મારું વજન થોડું વધી ગયું છે એટલે મેં એને ઓછું કરવા માટે આર્યુવેદ આચાર્યની સલાહ લીધી હતી. તેમણે મારી મીઠાઇ ખાવાની આદત બંધ તો નથી કરાવી પણ તેમણે મને જમ્યા પછી મીઠાઇ ખાવાની આદત છોડીને જો ઇચ્છા હોય તો જમ્યા પહેલાં મીઠાઇ ખાવાની સલાહ આપી છે. હું તેમની પહેલી વખત સલાહ લઇ રહ્યો છું એટલે મને તેમના પર થોડી શંકા જાય છે. શું તેમની વાત સાચી છે? એક પુરુષ (વડોદરા) ઉત્તર ઃ તેમની વાત સંપૂર્ણપણે સાચી છે. લોકોને એવું લાગે છે કે જમ્યા બાદ મીઠાઈ ખાવાની આ ટેવ હેલ્ધી છે. તેમના અનુસાર, આમ કરવાથી પચન સુધરે છે, પરંતુ એમ નથી. આયુર્વેદ પ્રમાણે આ રીતને ખોટી છે. તેમના મુજબ કોઇપણ મીઠી વાનગી જમ્યા પહેલાં ખાવી જોઇએ. આયુર્વેદિક એક્સપર્ટના કહેવા મુજબ, મીઠાઇ પહેલા ખાવાનો નિયમ છે, આથી તેને ભોજન પહેલા ખાવી તે યોગ્ય છે કારણ કે મીઠાઇને પચવામાં વાર લાગે છે અને તેના કારણે બીજી અન્ય સમસ્યાઓ પણ થઇ શકે છે. જમ્યા પહેલાં મીઠી વસ્તુઓ ખાવાથી પાચન સ્ત્રાવનો પ્રવાહ શરૂ થાય છે. બીજી તરફ, જ્યારે તમે જમ્યા પછી મીઠી વસ્તુ ખાવ છો, ત્યારે પાચનની ગતિ ધીમી પડી જાય છે અને એના કારણે કબજિયાત અથવા પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ થવાનો ભય રહે છે. આ સિવાય ભોજન પહેલા મીઠી વસ્તુ ખાવાથી ટેસ્ટ બડ્સ એક્ટિવ થાય છે. આના ભોજનનો સ્વાદ વધારે સારો આવે છે. જો તમારું પાચનતંત્ર નબળું હશે તો જમ્યા પછી મીઠાઇ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થશે અને તેના કારણે તમને પેટમાં ગેસ અથવા તો બ્લોટિંગની સમસ્યા શરૂ થઇ શકે છે. બ્લોટિંગને કારણે પેટમાં સોજો આવે છે અને બેચેની લાગ્યા કરે છે. આમ, તમારા આર્યુવેદ આચાર્યની સલાહ ખરેખર સાચી છે. પ્રશ્ન : મારા વિવાહ બે મહિના પછી થવાના છે. મને તે છોકરી ખૂબ જ ગમે છે. ગયા અઠવાડિયે તે મારા ઘરે આવેલી હતી ત્યારે મને તેના પેટના ભાગમાં ચામડી ઉપર સફેદ પટ્ટાઓ જોવા મળ્યા હતા. મેં મારા મિત્રની પત્નીને આ વિશે પૂછી જોયું તો તેણે જણાવ્યું કે પ્રસૂતિ પછી આ પટ્ટા મોટાભાગની સ્ત્રીઓમાં જોવા મળે છે. તો મારી પત્નીને પહેલા ગર્ભ રહ્યો હશે? આપ જ કહો આ વાત ઘરના વડીલોને કેવી રીતે કહું? અને જો ના કહું તો આખી જિંદગી મનમાં મને આ વાત ખટકતી રહેશે. શું મારી ભાવિ પત્નીને જ આ વાતની ચર્ચા કરવી જોઇએ? મારી મુંઝવણનો જવાબ આપવા વિનંતી. એક પુરુષ (સુરત) ઉત્તર ઃ તમારા મિત્રના પત્નીએ તમને જે જણાવ્યું કે પ્રસૂતિ પછી સ્ત્રીના પેટ ઉપર સફેદ પટ્ટાઓ દેખાય એ વાત સાચી છે પરંતુ આવા પટ્ટાઓ પડવાનું આ જ માત્ર એક કારણ નથી. આજના જમાનામાં છોકરીઓ પોતાની કમર અત્યંત પાતળી હોય તેમ ઇચ્છતી હોય છે અને એટલે તેઓ ડાયેટિંગ કરી વજન ઉતારે છે. વધારે પડતું વજન ઉતારવાના કારણે પણ આવા પટ્ટાઓ દેખાઇ શકે છે. શક્ય છે આ નિશાનીઓ શરીરના બીજા ભાગ પર પણ દેખાય. આવા પટ્ટાઓ ડાયેટિંગ કરી વજન ઉતારેલ પુરુષોમાં પણ જોવા મળે છે. વજન ઓછું કરતા દરમિયાન હેલ્ધી ચીજોને ખાવામાં સામેલ કરવી જોઇએ. ખાવામાં એ ચીજોને સામેલ કરો જેમાં ઝિંક અને વિટામિન સી હોય. આ વિટામિન શરીરમાં કોલેિજનને બનાવવામાં મદદ કરે છે. કોલેજિન એક પ્રકારનું પ્રોટીન છે જે સ્કીનને ઢીલી થતાં રોકે છે જેના કારણે સ્ટ્રેચ માર્ક્સ પડતા નથી. જોકે કેટલીકવાર સ્ત્રી હોર્મોન્સના પ્રમાણમાં અસાધારણ વધધટ થાય તો પણ આવા પટ્ટા દેખાઇ શકે છે. મારે તમારી ભાવિ વાગ્દતાના પેટ ઉપર જોયેલા પટ્ટાને શંકા અને ચિંતાનો વિષય બનાવવાની જરૂર નથી. લગ્નજીવનની શરૂઆત વિશ્વાસથી થાય તે જરૂરી છે. પ્રશ્ન : મારા પતિ મને ઘણી વાર કહે છે કે મારા તરફથી એમને પૂરતો સંતોષ છે, જોકે મને ક્યારેય પરાકાષ્ઠાનો અનુભવ નથી થયો. મેં એમને કહ્યું તો એ કહે છે કે સંતોષ થાય એ જ સાચા અર્થમાં પરાકાષ્ઠા ગણાય. એમની આ વાત સાચી છે? મારે શું સમજવું? એક મહિલા (રાજકોટ) ઉત્તર ઃ સામાન્ય રીતે સાથ માણતી વખતે પતિ-પત્ની બંનેને જ્યારે સંતુષ્ટિ થાય ત્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યાં હોવાનું માનવામાં આવે છે. આમાં કેટલીક વાર માત્ર પતિને અથવા પત્નીને એમ કોઇ એકને જ પરાકાષ્ઠાનો અનુભવ થાય એવું પણ બની શકે છે. તમારા પતિની વાત સાચી છે. તમને પણ જ્યારે સાથ માણતી વખતે ભરપૂર આનંદનો અનુભવ થાય ત્યારે એ પરાકાષ્ઠાની સ્થિતિ જ ગણાય. તમને આવા આનંદનો અનુભવ થયો હશે, પણ તમને કદાચ એ વાતનો ખ્યાલ નહીં હોય. હવે પછી જ્યારે તમને સાથ માણતી વખતે અપાર આનંદ અનુભવાય ત્યારે માનજો કે તમે પરાકાષ્ઠાએ પહોંચી શક્યાં છો.

અન્ય સમાચારો પણ છે...