જોબન છલકે:પ્રીતની વિચિત્ર રીત

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોસમ મલકાણી
કીર્તન અને સુહાની સાથે જ જોબ કરતાં હતાં. બંનેના ઘર એક જ એરિયામાં હોવાથી તેઓ ઓફિસે જવામાં કાર પુલિંગ કરતાં. એક વાર બંને સુહાનીની કારમાં ઓફિસેથી પાછાં ફરી રહ્યાં હતાં, ત્યારે અચાનક જ કારમાં કંઇ તકલીફ થતાં કાર બંધ પડી ગઇ. કીર્તને કારમાંથી ઊતરી બોનેટ ખોલી એન્જિન વગેરે તપાસી જોયાં પણ કોઇ ખરાબી પકડાઇ નહીં. એણે સુહાનીને કહ્યું, ‘મને તો આમાં કંઇ ખ્યાલ આવતો નથી. આપણે એક કામ કરીએ. કારને સાઇડમાં લોક કરી રહેવા દઇએ. હું રાત્રે કોઇ મિકેનિકને બોલાવી કારની તપાસ કરાવી લઇશ.’ સુહાનીને કીર્તનની વાત યોગ્ય લાગી.

સુહાની અમદાવાદમાં વન બીએચકેના ફ્લેટમાં ભાડે રહેતી હતી. એકલી જ હતી. એ રાત્રે લગભગ દસેક વાગ્યે એના ફ્લેટની ડોરબેલ રણકી. સુહાનીએ બારણું ખોલ્યું તો સામે કીર્તન ઊભો હતો. એણે કારની ચાવી સુહાનીને આપતાં કહ્યું, ‘મેડમ, તમારી કારની ચાવી. મેં કહ્યું હતું ને કે રાત્રે મિકેનિક પાસે તમારી કાર ઓકે કરાવી આપીશ. લો, બંદા હાજર છે, તમારી કાર અને તેની ચાવી સાથે.’ સુહાનીએ કીર્તનના હાથમાંથી ચાવી લેતાં કહ્યું, ‘થેન્ક્યૂ સો મચ. આવો ને અંદર...’

કીર્તન ફ્લેટમાં પ્રવેશ્યો. નાનો છતાં સુંદર રીતે સજાવેલો ફ્લેટ. ક્યાંય કોઇ વસ્તુ વધારાની નહીં અને છતાં કોઇ વસ્તુની ખોટ સાલે એવું પણ નહીં. કીર્તને કહ્યું, ‘વાઉ! તમને ઇન્ટિરિયર ડેકોરેશનનો પણ શોખ લાગે છે.’ સુહાની બોલી, ‘શોખ તો નહીં, પણ મને ઘર વ્યવસ્થિત અને સજાવેલું હોય તો વધારે ગમે છે.’ કીર્તને કહ્યું, ‘નાઇસ! તમારા વિશે મને વધારે જાણવું ગમશે પણ અત્યારે નહીં, દસ વાગ્યા છે. ફરી ક્યારેક વાતો કરીશું.’ કહીને કીર્તન ફ્લેટની બહાર નીકળી ગયો.

સુહાનીએ ફ્લેટનું બારણું બંધ કર્યું અને પછી કોર્નર ટિપોય પર મૂકેલી મૃત પતિની તસવીર સામે જોઇ નિસાસો નાખ્યો. બીજા દિવસે કીર્તન સુહાનીને લેવા આવ્યો, ત્યારે એની આંખો સહેજ લાલાશ પડતી હતી. કીર્તને એને પૂછ્યું, ‘શું થયું સુહાની? તમારી આંખો કેમ આટલી લાલ છે?’ સુહાનીએ જવાબ આપ્યો, ‘કંઇ નહીં, અમસ્તી જ.’ જોકે એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં એ કીર્તનથી છાનાં ન રહ્યાં. આખો દિવસ ઓફિસમાં સુહાની મૂંગા મોઢે કામ કરતી રહી. સાંજે પણ બંને પાછાં આવી રહ્યાં હતાં, ત્યારે એ ચૂપ જ હતી.

એ રાત્રે ફરી કીર્તન એના ફ્લેટ પર આવ્યો. સુહાનીએ એને બેસવા કહ્યું અને એ કોફી બનાવવા કિચનમાં ગઇ. કીર્તન એની પાછળ કિચનમાં આવ્યો અને એણે સુહાનીની કમરે હાથ વીંટાળી દીધો. સુહાની એકદમ ચમકી ગઇ. એણે કહ્યું, ‘તમે... તમે બહાર બેસો ને... હું કોફી લઇને આવું છું.’ પણ કીર્તને એને એકદમ પોતાના આલિંગનમાં જકડી લીધી અને એને ચુંબનથી નવડાવી દીધી. સુહાનીનો પણ પોતાના પર કાબૂ ન રહ્યો અને એ પણ કીર્તનના આ પ્રેમના વહેણમાં વહી ગઇ. જ્યારે મદહોશીના માહોલમાંથી બંને બહાર આવ્યાં ત્યારે રાતના ત્રણ વાગ્યા હતા. કીર્તને કહ્યું, ‘અત્યારે હું ઘરે જવા નીકળીશ. તો તમારી વાતો થશે. સવારે જ જઇશ’ અને એ ફરી સૂઇ ગયો.

પછી તો આ નિત્યક્રમ બની ગયો. કીર્તન મોડી રાત્રે સુહાનીના ફ્લેટ પર આવતો. બંને આખી રાત પ્રેમક્રીડામાં પસાર કરતાં અને સવારે સાથે જ ઓફિસ જવા નીકળતાં.

આવું લગભગ બે-ત્રણ મહિના ચાલતું રહ્યું. એક દિવસ સુહાનીએ કીર્તનને કહ્યું, ‘કીર્તન, તમને એક જરૂરી વાત કહેવી છે. હું.. હું માતૃત્વ ધારણ કરી ચૂકી છું.’ ત્યારે કીર્તન એની બાજુમાંથી જાણે કરંટ લાગ્યો હોય એમ ઊભો થઇ ગયો. ‘શું વાત કરે છે સુહાની? આપણે તો પૂરતી સાવચેતી રાખી હતી, પછી તું...’ કીર્તન બોલ્યો. એના અવાજમાં અચાનક જ થોડી રુક્ષતા આવી ગઇ. સુહાની બોલી, ‘કીર્તન, મારા ઉદરમાં આકાર લઇ રહેલો જીવ તારો જ છે. તું જ...’ ‘એક મિનિટ સુહાની...’ કીર્તને એને અધવચ્ચે જ ટોકતાં કહ્યું, ‘તું જો મારી સાથે થોડા મહિનાના જ પરિચયમાં આટલી મુક્ત રીતે વર્તી શકે તો પછી આ વાત તું ખાતરીપૂર્વક કઇ રીતે કહી શકે કે તારી કોખમાં રહેલો જીવ મારું જ લોહી છે?’

‘કીર્તન...’ સુહાની સ્તબ્ધ થઇ ગઇ. ‘આ તું બોલે છે? જેણે મારી સાથે અનેક રાતો વિતાવી, એ કીર્તન બોલે છે? મારો કીર્તન.. ના, તું એ કીર્તન નથી જે મને પ્રેમ કરતો હતો... તું કોઇ બીજો જ છે. તું મારો કીર્તન નથી...’ અને સુહાની ખડખડાટ હસવા લાગી... કીર્તન એની સામે જોઇ રહ્યો. એ હસ્યે જ જતી હતી. ‘મારો કીર્તન... ના, તું એ કીર્તન નથી...’ અને પછી એકદમ જ એ એના તરફ ધસી ગઇ, ‘તેં મને છેતરી છે. તું પ્રેમના નામે વાસના સંતોષતો વિકૃત પુરુષ છો. મારા પર શંકા કરનારો મારો પ્રેમી ક્યારેય ન હોઇ શકે...’ કહેતાં કહેતાં એણે સાઇડમાં ટેબલ પર પડેલું ફ્લાવરવાઝ ઉપાડ્યું અને કીર્તનને જોરથી ફટકાર્યું. કીર્તન ત્યાં જ ઢળી પડ્યો.

સુહાની કીર્તનની બાજુમાં જ ભરાયેલા લોહીના ખાબોચિયાં પાસે બેસીને બબડતી હતી, ‘મારો કીર્તન.. આ કીર્તન મારો પ્રેમી છે... મેં એને નથી માર્યો. એ તો ખૂબ સારો છે...’ આખરે સવારે પાડોશીઓએ ફરિયાદ કરતા પોલીસ આવી અને સુહાનીને પકડીને લઇ ગઇ. હાલમાં સુહાની માનસિક સારવાર લઇ રહી છે. કીર્તન અને સુહાનીની આ પ્રેમકથાની શરૂઆત એક નાનકડા પ્રસંગથી થઇ હતી. જોકે આ પ્રેમકથામાં એક પાત્ર સંબંધોના મામલે બહુ ગંભીર હતું અને બીજા પાત્રને કામચલાઉ રિલેશનમાં જ રસ હતો. આ બંને પાત્રો આત્મીયતાના એક જ સ્તર પર ન હોવાના કારણે આ લવસ્ટોરીનો કરૂણ અંત આવ્યો.

અન્ય સમાચારો પણ છે...