મૂડ એન્ડ માઇન્ડ:ટીકા સામે ટકી રહો

15 દિવસ પહેલાલેખક: ડો. સ્પંદન ઠાકર
  • કૉપી લિંક

શિખા છેલ્લા 5-6 મહિનાથી ખૂબ જ ગુસ્સામાં રહેવા લાગી હતી. નાની નાની વાત ઉપર ઝડપથી ગુસ્સો આવી જાય અને ઘણા સમય સુધી અસર રહે. કોઈ સમજી શકતું જ ન હતું કે એના જોડે કઈ રીતે વાત કરીશું તો ગુસ્સો નહીં આવે. શરૂઆતમાં તો ગિલ્ટ પણ ફીલ કરતી હતી, પણ હવે તો એ પણ જતું રહ્યું હતું. લગભગ 4 વર્ષ પહેલાં તેના પિતાને પેરાલિસીસ થયા બાદ ઘરની બધી જવાબદારી શિખા ઉપર આવી ગઈ હતી. તેણેે નાના ભાઈ-બહેન અને મમ્મીની બધી જવાબદારી એકલા હાથે ઉપાડી લીધેલી. બિઝનેસમાં મન ના હોવા છતાં પિતાની ગેરહાજરીમાં તેણે ખૂબ જ સારી રીતે બિઝનેસને ટ્રેક ઉપર રાખ્યો. આ બધામાં પોતાની બધી ઈચ્છાઓ અવગણીને તે આગળ વધતી ગઈ. ઘણાં વર્ષોનો સ્ટ્રેસ તેના મન ઉપર પડતો ગયો અને તે દબાવતી ગઈ પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી કોઈ પણ વાત ઉપર તેનું રિએક્શન ખૂબ ઝડપથી આવવા લાગ્યું હતું. ખાસ કરીને જયારે તેને કોઈ વાત માટે શિખામણ અપાય ત્યારે તે એડવાઇઝને ક્રિટિસિઝમ ગણવા લાગી હતી. તેને થઇ જતું કે મેં આટલું બધું કર્યું તોય મને કંઇક કહેવામાં આવે છે. સ્ટ્રેસમાં તેને લાગવા લાગ્યું કે કોઈને તેની વેલ્યુ નથી. આવી પૂર્વધારણાઓના લીધે તે ખૂબ જ ઝડપથી અકળાઈ જતી અને એકલતાનો અનુભવ તેને અંદરથી કોરી નાખતો. ક્રિટિસિઝમ ત્યારે જ થાય છે જયારે વ્યક્તિ વધારે સક્ષમ હોય અને તેના તરફથી સારા પરફોર્મન્સની અપેક્ષા હોય. શિખાની આ પરિસ્થિતિ માટે તેનો સ્ટ્રેસ અને પરિવારની અપેક્ષા વચ્ચેનો સંઘર્ષ હતો. ફેમિલી થેરાપીના ઉપયોગથી શિખાને સમજાવાયું કે તે અત્યારે ઘરમાં સેન્ટર વ્યક્તિ છે, તેના ઉપર બધા નિર્ભિત છે. આ ક્રિટિસિઝમ નહીં પણ કેર છે જે રોજ આગળ વધવાનું પરિબળ છે. ઘર એટલે હોમ પીચ જ્યાં તમે પોતાનો બધો ગુસ્સો જાહેર કરી શકો છો પણ ધ્યાન રાખવું જરૂરી છે કે પોતાના કમ્ફર્ટ પ્લેસનો વારંવાર ગુસ્સો કરવામાં માટે ઉપયોગ કરાય તો તેની વેલ્યુ ઓછી થઇ જાય છે. 25થી 35 વર્ષની ઉંમર સંઘર્ષનો સમય છે. આ સમયે વ્યક્તિને કોઈપણ સલાહ ગમતી નથી. ખાસ કરીને ઘરમાં પરિવાર સાથેની વાતચીતમાં કોઈ નાની વાત ઉપર પણ મોટાં રિએક્શન આવી જાય છે. આ સમયે બંને પક્ષે થોડી સમજણથી કામ કરવાની આવશ્યકતા છે, જે પરિવારની સ્થિરતા માટે ખૂબ જરૂરી છે. મૂડ મંત્ર - ક્રિટિસિઝમ કરવું જેટલું સહેલું છે, તેટલું જ અઘરું સહન કરવું છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...