બ્યૂટી:નાક પર ચશ્માંના નિશાન પડી ગયા છે...

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાવ્યા વ્યાસ

પ્રશ્ન : મને ચશ્માં છે, પણ તે સતત પહેરવાને કારણે નાક પર નિશાન થઇ ગયાં છે. હવે મેં કોન્ટેક્ટ લેન્સ કરાવ્યા છે, પણ તે પહેરું ત્યારે નાક પરના નિશાન દેખાવાથી મારો ચહેરો ખરાબ લાગે છે. મારે શં કરવું? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમે ઘણા વર્ષોથી ચશ્માં પહેરતાં હશો. તેના લીધે નાક પર ચશ્માં સતત રહેવાથી નાક પર નિશાન પડી ગયાં હોવા જોઇએ. તમે આ નિશાન દૂર કરવા માટે કોઇ સારું ક્રીમ લઇ તેમાં સહેજ હળદર મિક્સ કરી તેને રાત્રે સૂતાં પહેલાં નાક પરના નિશાન પર લગાવો. સવારે તેને નવશેકા પાણીથી હળવા હાથે ધોઇ નાખો. આ ઉપરાંત, તમે ઘઉંનો લોટ બાંધો ત્યારે તેમાંથી થોડો લોટ લઇને નાક પરના નિશાન પર હળવા હાથે ઘસો. એનાથી પણ નિશાન આછા થઇ જશે. પ્રશ્ન : મારી આંગળીઓ પર ખૂબ જ કરચલીઓ થઇ ગઇ છે. તેના લીધે મારો હાથ અને આંગળીઓ ખૂબ ખરાબ લાગે છે. મારી આંગળીઓ પરની કરચલીઓ દૂર થાય તે માટે મારે શું કરવું? એક યુવતી (રાજકોટ) ઉત્તર : તમારી આંગળીઓ અને હથેળીની ત્વચા ડ્રાય થઇ ગઇ હોવી જોઇએ, તો જ આંગળીઓ પર કરચલીઓ થઇ જાય. દર પંદર દિવસે અથવા મહિને એક વાર મેનિક્યોર કરાવવાનું રાખો. આમ કરવાથી તમારી સ્કિન કોમળ રહેશે અને કરચલીઓ ધીરે ધીરે દૂર થઇ જશે. પ્રશ્ન : મારા હાથ પર ખૂબ જ રુવાંટી છે. હું તે દૂર કરવા માટે રેઝરનો ઉપયોગ કરું છું. તેના લીધે તો આ રુવાંટી વધી નહીં ગઇ હોય ને? તે દૂર કરવા માટે અન્ય કોઇ ઉપાય ખરો? મને હેરરીમૂવર ક્રીમથી એલર્જી થાય છે, તો તે સિવાય બીજો કયો ઉપાય અપનાવી શકાય? એક યુવતી (સુરત) ઉત્તર : તમારા જેવી માન્યતા ઘણી યુવતીઓની હોય છે કે રેઝરના ઉપયોગથી રુવાંટી વધી જાય છે, જ્યારે એવું હોતું નથી. હા, તમારે એના માટે બીજો ઉપાય અજમાવવો હોય તો ચોક્કસ અજમાવી શકો છો, પરંતુ તમારું કહેવું છે કે તમને હેરરીમૂવર ક્રીમથી એલર્જી થાય છે. એ સિવાયનો એક જ ઉપાય છે, વેક્સિંગ કરવાનો. જો તમને વેક્સિંગ કરાવવાનું અથવા જાતે કરવાનું ફાવે તો વેક્સિંગ કરી શકો છો. અન્યથા તમે રેઝરનો ઉપયોગ કરો તો પણ વાંધો નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...