તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવર સ્ટોરી:બેટા, લગ્નમાં સમાધાન કરતાં સમજણ વધારે મહત્ત્વની છે !

એષા દાદાવાળા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક દીકરીને લગ્ન વખતે એની માએ લખેલો પત્ર : જે ઘરમાં તારે સેટ થવાનું છે એ જ ઘરમાં રહેતી દરેક વ્યક્તિએ પણ તારી સાથે સેટ થવાનું છે. એમણે પણ એમનું ઘર તારી સાથે શેર કરવાનું છે

લગ્ન કરીને સાસરે જઇ રહેલી દીકરીનાં કાનમાં એક માએ ઘણું કહેવું હોય છે. અત્યાર સુધી જે દીકરીએ પાણીનું પવાલું પણ જાતે નથી ભર્યું, એણે હવે સાસરે જઇને આખેઆખું ઘર સંભાળવાનું છે. પોતાની વાત મનાવવા આકાશ-પાતાળ એક કરી લેનારી દીકરીએ હવે સાસુ, સસરા, નણંદ, પતિ... બધાની વાત સાંભળવાની છે. એક નવા ઘરમાં એમનાં ગોઠવાયેલા પરિવાર વચ્ચે દીકરીએ ગોઠવાવાનું છે અને સ્વીકારની હજ્જારો અગ્નિપરીક્ષાઓ આપવાની છે, એ પણ સાવ એકલાં! પરણીને વિદાય થઇ રહેલી દીકરીનાં કાનમાં જે કંઇપણ કહેવાનું બાકી રહી ગયું હતું એ આ પત્રમાં લખ્યું છે. આ પત્ર દરેક દીકરીનો પત્ર છે. આ પત્ર દરેક માનો પત્ર છે. પ્રિય દીકરા, તને ખબર છે તું આ જગતની શ્રેષ્ઠ દીકરી છો…! લેબર રૂમમાં ડોક્ટરે સહેજ વાંકા વળીને જે કહેલું એ શબ્દો હજી સુધી મારા કાનમાં સચવાયેલા છે. આજે એ જ શબ્દો મારે તારા સાસુનાં કાનમાં કહેવા છે, ‘મુબારક હો…દીકરી આવી છે…!’ કારણ કે મેં રોપેલી...મેં ઉછેરેલી...મેં લીલીછમ રાખેલી એક વેલ આજે એમનાં આંગણે રોપાઇ રહી છે. આ વેલને કેટલું પાણી જોઇએ છે, કેટલો તડકો જોઇએ છે, કયારે નિંદામણ કરવાનું છે...આ બધું એ જાણતા નથી, ધીમે-ધીમે જાણી જશે પણ એ જાણી જાય ત્યાં સુધી વેલે આંગણું લીલુંછમ રહે એનું ધ્યાન રાખી પોતાની જાતે પોતાની કાળજી રાખવાની છે. બેટા, હું આ ઘરમાં પરણીને આવેલી ત્યારે મારા મનમાં પણ અનેક મૂંઝવણો હતી. એ વખતે તારી નાનીએ મને કહેલું કે ‘જે ઘરમાં તારે સેટ થવાનું છે એ જ ઘરમાં રહેતી દરેક વ્યક્તિએ પણ તારી સાથે સેટ થવાનું છે. એમણે પણ એમનું ઘર તારી સાથે શેર કરવાનું છે. એમણે પણ એમની લાગણીઓને તારી સાથે વહેંચવાની છે અને એટલા માટે જ તારી સાથે અનુકૂળ થવાની જેટલી જવાબદારી એ લોકોની છે એટલી જ તારી પણ છે !’ તારા નાનીએ કહેલી આ જ વાત મારે તને પણ કહેવી છે. બેટા, આપણાં ઘરે બે-ચાર દિવસ માટે કોઇ રહેવા આવે અને પોતાની સ્ટાઇલથી આપણાં રસોડામાં કામ કરે, તારા બેડરૂમમાં તારું ડ્રેસિંગ ટેબલ-વાપરે, તારા કબાટને ખોલે અને બંધ કરે ત્યારે ઘણીવાર તું અકળાઇ જતી હોય છે. આપણાં ચાર જણાનાં સ્લોટ વચ્ચે કોઇ પાંચમી વ્યક્તિને સ્વીકારવી અઘરી થઇ જાય છે...તો બેટા પરણીને તું જે ઘરમાં જઇ રહી છે એ ઘરમાં વર્ષોથી ચાર જણ જ રહે છે. હવે પરિવારનાં પાંચમા સભ્ય તરીકે તું ઉમેરાશે. એમણે પણ તારી સાથે એડજસ્ટમેન્ટ કરવાનું થશે અને એટલે જ તારી સાથે સેટ થવાનો સમય તારે એમને આપવો જ પડશે. બેટા, તું તારું ઘર છોડીને નથી જઇ રહી. તું તારા ઘરે જઇ રહી છે. બની શકે કે એ લોકો જે રીતે જીવે છે, જે રીત રિવાજો સાથે જીવે છે એનાં કરતા તું જુદી રીતે જીવે અને તને કોઇ કશું પણ કહે જ નહીં. મમ્મી-ડેડીની જેમ ટોકે પણ નહીં કારણ કે એ લોકો તારું સન્માન જાળવવા ઇચ્છતા હોય પણ બચ્ચાં, જ્યારે આપણને કોઇ કશું પણ કરવાની ના ન પાડે ત્યારે આપણી જવાબદારીઓ વધી જતી હોય છે. અને એટલે જ તું ત્યાં જે કંઇ પણ કરે ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે એ લોકોનાં માન-સન્માનને, એ લોકોની લાગણીઓને કોઇ ઠેસ ના પહોંચે. બીજી એક વાત મારે તને ખાસ કહેવાની છે. તું તો જાણે જ છે ને કે મને કેટલા બધા અણગમા છે. પાણી ભરેલી બોટલને કોઇ લૂછ્યાં વિના ફ્રીઝમાં મૂકે એ મને નથી ગમતું. રાતનાં વાસણ રાત્રે જ કરી નાંખવાની મને આદત છે. ડાઇનિંગ ટેબલ પર ભીનું કપડું ફેરવ્યા બાદ સૂકું કપડું ફેરવવું જ એવો મેં નિયમ બનાવ્યો છે. આપણી વચ્ચે આ બાબતોએ અસંખ્ય વાર દલીલો થઇ છે. ઘણીવાર ઝઘડ્યાં પણ છીએ. બચ્ચાં, મારા જેવા અણગમા તારી સાસુને પણ હશે. વર્ષોથી એ ઘરને એમણે સાચવ્યું છે, એમણે જાળવ્યું છે. મારા અણગમા સાથે જે રીતે ડિલ કરે છે એવી જ રીતે એમનાં અણગમાઓ સાથે પણ ડિલ કરજે. રહી વાત તારી અને ચૈતન્યની. તું એને પ્રેમ કરે છે. એ પણ તને એટલો જ, કદાચ એથી પણ વધારે પ્રેમ કરે છે. પણ દીકરા લગ્નજીવનમાં જેમ-જેમ વર્ષો ઉમેરાતા જાય એમ-એમ પ્રેમ સિવાય બીજી અનેક વાતોની જરૂર પડે છે. તું તારા મોબાઇલને અપગ્રેડ નહીં કરે તો ચાલશે પણ જાતને અપગ્રેડ કરવાનું ભૂલતી નહીં. લગ્ન થઇ ગયાં એટલે હવે બધું ચાલે એવું જરાયે માનતી નહીં! કારણ કે લગ્નજીવનમાં બંને જણે આગળ વધવાનું હોય છે અને એ પણ એક સાથે. બીજી એક ખાસ વાત. તારો જન્મ થયો ત્યારે તારું ધ્યાન રાખવા મારે નોકરી છોડવી જરૂરી હતી. સ્ત્રીએ જ શું કામ નોકરી છોડવાની? પુરૂષો પણ તો નોકરી છોડી શકે એવા આદર્શ સવાલો મારા મનમાં ક્યારેય આવ્યા નહોતા કારણ કે હું જાણતી હતી કે મારી કેરિયરની મને જેટલી જરૂર છે એના કરતા વધારે તને મારી જરૂર છે અને મેં નોકરી છોડી દીધી. આજે પણ મને એનો જરાયે રંજ નથી. મારે નોકરી છોડવી અને પપ્પાએ નોકરી ચાલુ રાખવી એ અમારી વચ્ચેનું સમાધાન નહોતું, અમારી સમજણ હતી. હું ઇચ્છું છું કે મારી દીકરી પણ એનાં લગ્નજીવનમાં સમાધાન કરતા વધારે મહત્ત્વ સમજણને આપે. મારી દીકરી પાનેતર પહેરીને આ ઘરથી વિદાય લેશે પછી ખબર નથી કે હું અને પપ્પા કેવી રીતે તારા વિનાનાં અમારા અવકાશને ભરીશું. કંકુભીનાં હાથે ઘરની દીવાલો પર તું થાપા મારશે, ત્યારે એમાંથી થોડો લાલ રંગ અમારી આંખોમાં પણ ઢોળાશે. હવે અમારી દીકરી ઘરે આવશે ત્યારે એનાં પર્સમાં રિટર્ન ટિકિટ હશે. એનાં હાથની ચાનો સ્વાદ બદલાઇ ગયો હશે. અમે એને રોકાવાનો આગ્રહ કરીશું અને એ અમારી વાત નહીં માને. બેટા ત્યારે સૌથી વધારે આનંદ અમને થશે. અમારા આગ્રહનો તેં કરેલો અનાદર તારા સુખી હોવાની પ્રતીતિ કરાવતો રહેશે. જીવનની આ નવી શરૂઆત માટે તને મમ્મા અને ડેડી બંને તરફથી ઘણાં બધાં આશીર્વાદ. લવ યુ સો મચ. તારી મમ્મા. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...