મીઠી મૂંઝવણ:દીકરો ફિયાન્સેની આંગળીના ઇશારે નાચે છે...!

16 દિવસ પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 54 વર્ષની મહિલા છું. મને સંસારમાં કોઇ દુ:ખ નથી. મારો પતિ રિટાયર્ડ થઇ ગયા છે અને મારો દીકરો જોબમાં સારી રીતે સેટલ થઇ ગયો છે. અમે હમણાં બે મહિના પહેલાં જ મારા દીકરા સાથે તેની ઓફિસમાં જોબ કરતી તેની જ પસંદગીની યુવતી સાથે સગાઇ કરી છે. એ છોકરી અમને તો પહેલાં સારી લાગી હતી પણ હવે બે મહિનામાં મને ખબર પડી છે કે તે વધારે પડતી ‘સ્માર્ટ’ છે. તેણે મારા દીકરાના પૈસા જ તેના લગ્નનુ બધું શોપિંગ કર્યું છે અને મારા દીકરાને પણ હવે સાસરિયાંનું ઘેલું લાગી ગયું છે. તે પોતાની નાની સાળી અને સાળા પાછળ બેફામ ખર્ચ કરે છે અને મારી ભાવિ વહુ તેને રોકવાને બદલે પ્રોત્સાહન આપે છે. મને તો ચોખ્ખું દેખાય છે કે દીકરો લગ્ન પહેલાં જ ફિયાન્સેની આંગળીના ઇશારે નાચે છે પણ તેને એ સમજાતું જ નથી. મેં એકવાર ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો તો તેણે હસીને ‘જસ્ટ ચિલ...’ કહીને આખી વાત ઉડાવી દીધી. મને તો ડર લાગે છે કે હજી તો લગ્ન પણ નથી થયાં ત્યાં તે વહુઘેલો થવા લાગ્યો તો લગ્ન પછી તો શું થશે? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે પણ તમને નથી લાગતું કે સગાઇના માત્ર બે મહિનામાં કોઇ ખાસ અનુભવ કે પુરાવા વગર તમે વધારે પડતું જ વિચારી લીધું છે. તમને કદાચ એવું થતું હશે કે હજી તો સગાઈને માંડ બે મહિના થયા છે ત્યાં દીકરો સાસરિયાંનો થઇ ગયો અને લોકોને વધુ પડતાં માનપાન દેવા લાગ્યો છે અને તેમની પાછળ બેફામ પૈસા વાપરે છે તો એ તો કેમ ચાલે? જોકે હકીકત એ છે કે તે આવું કરે છે એનું કારણ છે તેની સગાઈને હજી માત્ર બે મહિના જ થયા છે. વખત જતાં તે પોતાની મેળે પોતાની લાગણીને કાબૂમાં રાખતાં અને સમજતાં શીખી જશે. ઘણા વખતથી તે જે પ્રેમ પામવા ઇચ્છતો હતો તે માંડમાંડ સાકાર થઈ રહ્યો છે ત્યારે આવું થવું સહજ છે. તમે પોતે પણ અનુભવ્યું હશે કે જ્યારે લગ્ન થવાનાં હોય ત્યારે તમારા જીવનમાં આવનારી નવી વ્યક્તિ માટે જરાક વિશેષ લાગણી અનુભવાય છે. નવા સંબંધના ઉત્સાહમાં આવું થવું ખૂબ જ સ્વાભાવિક છે. તમારો દીકરો પણ આ વિશે ચાર-છ મહિનામાં સંતુલન જાળવતાં શીખી જશે. જેમ ઘરમાં બીજું બાળક આવે ત્યારે પહેલા બાળકને જે અસલામતી અનુભવાય એમ કદાચ તમારો દીકરો તેનાં સાસરિયાંની કાળજી લે છે એમાં આર્થિક કારણો ઉપરાંત અંગત ઇમોશનલ તકલીફ તો નથી થતીને? થતી હોય તો એમાં પણ શરમાવાની જરૂર નથી, પણ લાગણીને સમજતા શીખો. સભાન થઈને જોવાથી અડધી સમસ્યાઓ ઉકેલાઇ જતી હોય છે. તમારી અસલામતીની લાગણી હોય કે દીકરાની ઘેલછા, બન્ને સમયની સાથે સાથે ઓછી થતી જશે જો તમે તેને યોગ્ય દૃષ્ટિકોણથી સમજશો તો. તમારો ઉકેલ સમય પાસે જ છે. પ્રશ્ન : મારાં લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે. હું ચાર વર્ષથી મારાં જેઠાણીનો ત્રાસ સહન કરી રહી છે. તેઓ મારી પીઠ પાછળ મારાં સાસુ-સસરા અને પતિને મારી ખોટી ફરિયાદો કરે છે. તેઓ નવ વર્ષથી પરિવારનો હિસ્સો છે એટલે સ્વાભાવિક રીતે મારા પરિવારજનો તેમની મોટાભાગની વાતોને સાચી માની લે છે. તેમનાં કારણે અમારા જીવનમાં ઘણી નકારાત્મકતા આવી ગઈ છે. મારે આ પરિસ્થિતિમાં શું કરવું જોઇએ? તો મને જણાવો કે મારે શું કરવું જોઈએ? એક મહિલા (વડોદરા) ઉત્તર : કેટલીક વાતો આપણા નિયંત્રણમાં હોય છે જ્યારે અન્ય લોકોનું વર્તન આપણા હાથની વાત નથી. તે તમારા પતિને પણ તમારા વિરુદ્ધ કરવાનો પ્રયાસ કરે છે એનાથી તમે અકળાઇ જાઓ એ સ્વાભાવિક છે. જોકે આ સંજોગોમાં બળને બદલે કળથી કામ લેવાની જરૂર છે. જો માનસિક તણાવનો પડઘો વર્તનમાં પડે તો તેની અસર તમારા પતિ અને પરિવાર સાથેના સંબંધો પર પણ પડી શકે છે. જ્યારે તમને તક મળે ત્યારે તમે તમારા પતિ સાથે તમારી સાચી લાગણી વ્યક્ત કરો અને તેમની સાથે ચર્ચા કરો કે તમે તમારા સંબંધમાં શું ઈચ્છો છો. જ્યારે મન શાંત હોય ત્યારે તમે તમારો પક્ષ પર સારી રીતે મૂકી શકશો. જો તમને લાગતું હોય કે તમારાં જેઠાણી તમારાં પતિને તમારાં વિરુદ્ધ ચઢામણી કરવાનો પ્રયાસ કરે છે તો તમે ઉશ્કેરાટમાં આવ્યા વગર પતિ સાથે તમારી લાગણીની ચર્ચા કરો. તમે વધારે માર્ગદર્શન માટે કોઈ કાઉન્સેલરની મુલાકાત લઈ શકો છો. શક્ય હોય તો આ મામલે સાસુ અને સસરા સાથે સંઘર્ષ ટાળવો કારણ કે એકવાર મનમાં ગાંઠ પડી જાય તો એને ઉકેલવી મુશ્કેલ પડી જાય છે. તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે. પ્રશ્ન : મારી દીદીનાં બે વર્ષ પહેલાં લગ્ન થયાં છે. મારાં દીદી અને જીજાજી બંનેનો સ્વભાવ બહુ સારો છે પણ આમ છતાં લગ્ન પછી તેમની વચ્ચે ક્યારેક ઝઘડા થાય છે. તેમની હાલત જોઇને તો મને લગ્ન કરવાની જ બીક લાગે છે. હવે ઘરમાં મારા લગ્નની ચર્ચા થઇ રહી છે ત્યારે મને તો એમ થાય છે કે લગ્નથી બચવા માટે ઘર છોડીને જતી રહું. મારે શું કરવું જોઇએ? એક યુવતી (રાજકોટ) ઉત્તર : સૌથી પહેલાં તો તમારાં મનમાં લગ્ન વિશે જે કંઇ પણ ધારણા છે એને તટસ્થ રીતે મૂલવવી જોઇએ. કોઇ એક વ્યક્તિ કે પરિસ્થિતિને જોઇને લગ્ન વ્યવસ્થા વિશે કોઇ ખોટી ધારણા બાંધવામાં આવે એ યોગ્ય નથી. હકીકતમાં લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનનો અગત્યનો નિર્ણય ગણાય છે અને કદાચ આ જ કારણસર વ્યક્તિ પ્રેમ કરતાં પહેલાં વિચારે કે ન વિચારે, પણ લગ્ન બંધનમાં બંધાતાં પહેલાં જરૂર વિચારે છે. હકીકતમાં જ્યારે આપણે યુગલો વચ્ચે ઝઘડા જોઈએ ત્યારે લાગે છે કે તેમની વચ્ચે કશું પણ બરાબર નથી. હકીકતમાં બે અજાણી વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે ક્યારેક ઝઘડાનાં માધ્યમથી લાગણી વ્યક્ત કરતી હોય છે અને સંબંધમાં લાગણી વ્યક્ત કરવી જરૂરી છે. આમ, ક્યારેક થતા ઝઘડાનો અર્થ એવો ન કાઢી શકાય કે તેમની વચ્ચે પ્રેમ નથી કે તેઓ પોતાનાં લગ્નજીવનમાં સુખી નથી. એક સંબંધમાં બે વ્યક્તિઓ હોય છે અને બંનેની ખુશી મહત્ત્વની હોય છે. આમ, સૌથી પહેલાં તો તમે તમારી દીદી અથવા તો કોઇ સમજદાર મિત્ર કે પછી વડીલ પાસેથી લગ્નજીવન શું છે એ સમજવાનો પ્રયાસ કરો અને પછી જ કોઇ નિર્ણય પર પહોંચો. લગ્નનો દરેક વ્યક્તિનો અનુભવ અલગ અલગ હોય છે એટલે કોઇ એક વ્યક્તિના અનુભવને ધ્યાનમાં રાખીને જીવનનો આ અગત્યનો નિર્ણય ન લેવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...