મૂડ એન્ડ માઇન્ડ:વિચારવા જેવી વાત

14 દિવસ પહેલાલેખક: ડો. સ્પંદન ઠાકર
  • કૉપી લિંક

બિરવાએ એક જોબ છોડ્યા પછી નવી જોબ મળે તે વચ્ચેનો સમય થોડો ખેંચાઈ ગયો હતો. ક્યારેય તેને ઘરે બેસી રહેવાની આદત હતી નહીં. હમણાંથી તેનું સેલ્ફ એનાલિસિસ ખૂબ જ વધી ગયું હતું. પોતાનામાં શું ખામી છે, ક્યાં ભૂલ થઇ છે, કેમ તેના અંદર બીજાની જેમ અમુક ટેલેન્ટ નથી જેવી નાની નાની બાબત એ વિચારવા લાગી હતી. ઓવર-થિન્કિંગ તેના સ્વભાવમાં પહેલાં પણ હતું પરંતુ અત્યારે આ વિચારો નકારાત્મકતા તરફ વધારે જઈ રહ્યા હતા. જેના લીધે ધીરે-ધીરે તેનો આત્મવિશ્વાસ ઘટવા લાગ્યો. પોતે નવી જોબ શોધી શકશે કે નહીં અને જોબ મળશે તો સારું કામ કરી શકાશે કે નહીં જેવા વિચારો વધવા લાગ્યા. એક સમયે બ્રેક લેવા માટે જે ટાઈમ લીધેલો એ હવે ભારરૂપ થવા લાગ્યો. જે લોકો સતત ભણવામાં કે કામમાં રહેતા હોય છે તેમને આનંદ આપતું એકમાત્ર પરિબળ તેમનાં કામમાંથી મળતું એપ્રીશિએશન હોય છે. જયારે તે મળતું બંધ થઇ ગયું ત્યારે પ્લેઝરનો આ સ્ત્રોત જ બંધ થઇ ગયો. સેલ્ફ એનાલિસિસ હંમેશા આગળ વધવા માટે મદદ કરે છે, પણ જો તેમાં સેલ્ફ માટે નકારત્મકતા ઉમેરાઈ જાય તો તેમાંથી ઘણી સમસ્યા પેદા થાય છે. બિરવા અત્યરે માત્ર પ્રોબ્લેમ્સ વિશે જ વિચારતી રહેતી હતી. વારંવાર એકનો એક પ્રોબ્લેમ માનસપટલ પર ફર્યા કરે અને સોલ્યૂશન તરફ જતા જતા માઈન્ડ થાકી જાય. ક્યારેક આખી રાત ઊંઘ ના આવે તો ક્યારેક થાકીને અયોગ્ય સમયે નિદ્રા આવી જાય. ધીરે ધીરે તેની અસર શરીર પર પડવા લાગી. સતત માથાનો દુખાવો રહેવો, ભૂખ ન લાગવી, ચીડિયાપણું રહેવું અને વજન ઘટી જવું જેવી સમસ્યાઓ વધવા લાગી. આ સ્થિતિ હજુ ડિપ્રેશન ન હતી પણ ડિપ્રેશન તરફ જવાનો રસ્તો બનાવી રહી હતી. સાયકોલોજિકલ થેરાપી દ્વારા બિરવાને જે સેલ્ફ ડાઉટ વધી રહ્યા હતા તે રોકવા માટે સમજવામાં આવ્યું. તેને માત્ર નકારાત્મક વિચારો દેખાતા હતા તેને બંધ કરવા માટે કોગ્નિટિવ રિકન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરાવાયો. એમાં વ્યક્તિને પોતાના દ્વારા બનાવેલા ખોટા વિચારોને ફરીથી સરખા કરતા સમજાવામાં આવે છે. આના લીધે આખું ચિત્ર નવું બને છે. બિરવાને સમજાતું ગયું કે ઓવર-થિન્કિંગ લીધે બિનજરૂરી સમસ્યાઓનું નિર્માણ તેણે પોતે જ કર્યું છે જે તેને રિયાલિટીથી દૂર કરવા લાગેલી. પ્રોબ્લેમ્સ જોવા કરતા વધારે સોલ્યૂશન ઉપર ધ્યાન આપવાનું વધુ જરૂરી હતું. આટલું સમજાતા બિરવાનો પ્રશ્ન સોલ્વ થઇ ગયો. મૂડ મંત્ર: ઉદાસીનતામાં વ્યક્તિનું માઈન્ડ બ્લાઇન્ડ બની જાય છે. અંધજનને જે રીતે લાકડી સહારો આપી રસ્તો બતાવે છે તે રીતે થેરાપી પોઝિટિવિટી તરફનો રસ્તો બતાવામાં મદદ કરે છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...