સંબંધનાં ફૂલ:કોઇને તમારી પરવા છે...

રચના સમંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહામારીને ભૂલી જવી જ યોગ્ય છે પણ આ સમય દરમિયાન જે લાગણીનો અહેસાસ થયો છે એ જળવાઇ રહે એ જરૂરી છે. કપરા સમયમાં આ લાગણીઓએ આપણને ટકાવી રાખ્યા છે

જીવનમાં તમને સાંભળનારા અને તમારા પર ધ્યાન આપે એવા લોકો બહુ મહત્ત્વનાં હોય છે. અંગ્રેજીમાં એક ઉક્તિ છે, ‘ટૂ બી સીન એન્ડ હર્ડ’ એટલે કે આસપાસનાં વાતાવરણને જોવાનું અને સાંભળવાનું જરૂરી છે. કોરોનાકાળમાં આ વાતનું મહત્ત્વ બધાને ખબર પડી ગયું છે. આ સમયગાળા દરમિયાન જ્યારે બધું એકાએક અટકી ગયું હતું ત્યારે નવરાશ મળતા બધાનું ધ્યાન તેમની આસપાસની દુનિયા પર ગયું. આ સમય દરમિયાન ધ્યાન આકર્ષવામાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો મુદ્દો સૌથી આગળ હતો. આ પછી જે લોકો મદદ માટે આવી રહ્યા હતા એ ખાસ બન્યા અને પછી સંબંધોની જાળવણી ખાસ સાબિત થઇ. બહુ ઓછા સમયમાં તમામ લાગણીનો અહેસાસ થઇ ગયો હતો. જોકે મહામારીની પણ કેટલીક મજબૂરી હતી અને હજી પણ છે. જોકે એ પણ હકીકત છે કે દરેક સમય પસાર થઇ જતો હોય છે. આ કપરો કાળ પણ થોડાક સમય માટે જ છે. બધા પોતપોતાના રૂટિનમાં પરત ફરી રહ્યા છે, થોડા સમય પછી સંપૂર્ણ રીતે ગોઠવાઇ પણ જશે. બધાની પોતાની વ્યસ્તતા હશે અને બધા પોતપોતાનાં લક્ષ્ય તરફ ઝપાટાભેર આગળ વધવા ઇચ્છતા હશે. મહામારીને ભૂલી જવી જ યોગ્ય છે પણ આ સમય દરમિયાન જે લાગણીનો અહેસાસ થયો છે એ જળવાઇ રહે એ જરૂરી છે. માનવીય ભાવનાનું સંવર્ધન જરૂરી છે. કપરા સમયમાં આ લાગણીઓએ આપણને ટકાવી રાખ્યા છે અને નવા જીવનની આશા આપણામાં જીવંત રાખી છે. કોઇ તેમને સાંભળે કે જુએ એની રાહ જોતાં જોતાં અનેક લોકોનું મન શુષ્ક બની જાય છે અને પછી તેમને ગુમનામ જીવન જીવવાની આદત પડી જાય છે. આ સમય દરમિયાન જે વ્યક્તિ મદદ માટે આગળ આવે એ મહત્ત્વની છે પણ તેમને તેમનાં મહત્ત્વનો અહેસાસ થાય એ પણ જરૂરી છે. હવે આપણને ખબર પડી ગઇ છે કે આ લોકોને ખાસ મહત્ત્વ આપવું જરૂરી છે. પરિવારજનોની પ્રત્યેની લાગણી અભિવ્યક્ત કરો કે ન કરો...એ તો હંમેશાંં તમારી સાથે રહેવાના છે. જોકે આના કારણે તમારે આ સંબંધો પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા પરત્વે બેદરકાર ન બની જાઓ એનું તમારે જ ધ્યાન રાખ‌વાનું છે. ઘણી વખત જીવનમાં બધું બરાબર હોય ત્યારે પરિવારની યાદ નથી આવતી જે યોગ્ય નથી. જીવનની પ્રાથમિકતાઓમાં હવે સંબંધોનું સ્થાન સૌથી ઉપર હશે એવી આશા રાખી શકાય. છૂટી ગયેલી પ્રગતિની તકોને દોડીને પકડવાની છે પણ આમ કરતી વખતે પરિવારજનોની આંખમાં જોવાનું ચૂકવાનું નથી. દરેક વ્યક્તિ પાસે તેને સાંભળનારી વ્યક્તિ હોવી જ જોઇએ એને આવી વ્યક્તિની કદર કરવાનું પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...