સંબંધનાં ફૂલ:મૂંઝવતી સમસ્યાઓનો ઉકેલ તમારા જ હાથમાં...

એક મહિનો પહેલાલેખક: રચના સમંદર
  • કૉપી લિંક

એક મનોચિકિત્સકનું કહેવું છે કે સમજદાર લોકો પાસે જવાબ કરતા વધારે સવાલ હોય છે. આ વાત સાંભળીને અચરજ થયું. જો કોઇ સવાલ કરે છે તો એ સમજદાર કઇ રીતે કહેવાય? મારી આ મૂંઝવણનો ઉકેલ તેમણે ઉદાહરણ દ્વારા સમજાવ્યો. આ ઉદાહરણ આમ તો સામાન્ય છે પણ બધા લોકો પર લાગુ પડે છે. જો કોઇએ ટ્રાફિકમાં યોગ્ય રીતે વાહન ન ચલાવવા બદલ તમારી સાથે બહુ ખરાબ રીતે વાત કરી તો તમે શું કરશો? સ્વાભાવિક છે કે તેને રોકડું પરખાવી દેશું કે તેને આ રીતે વર્તન કરવાનો કોઇ હક નથી. જોકે કેટલાક લોકોનાં મગજમાં એવા સવાલ થવા લાગે છે કે... આવું કેમ થયું? સામેની વ્યક્તિનાં મનમાં કોઇ ઉચાટ કે માનસિક સમસ્યા હશે? કદાચ એ વ્યક્તિને આવી જ રીતે વર્તન કરવાની આદત હશે? કદાચ એ વ્યક્તિનું ભણતર અને ગણતર યોગ્ય રીતે નહીં થયું હોય...વગેરે વગેરે. પોતાના સવાલમાં જ અટવાયેલી વ્યક્તિ ભુલી જાય છે કે કોઇએ તેની સાથે ખરાબ વર્તન કર્યું છે. તે વ્યક્તિ કોઇ નકારાત્મકતા અથવા તો દ્વેષ વગર કોઇ યોગ્ય તારણ સુધી પહોંચી જાય છે. આ કારણોસર જ કહેવાય છે ને કે સમજદાર પાસે અનેક વિકલ્પ હોય છે. તે બીજા કરતા પોતાની જાતને વધારે સવાલ કરે છે. કોઇ પણ સ્થિતિ કે મુદ્દા વિશે નિર્ણય કે ચર્ચા કરતા પહેલાં તમામ પાસાં પર વિચાર કરવાનો અનુભવ હોય એ જરૂરી છે. સમજદાર લોકો બીજા લોકો સાથે મળતા રહે છે અને તમને જાણવા તેમજ સમજવા માટે સારું એવું મનન કરે છે. જે લોકો ઘણા વિકલ્પ વિશે વિચાર છે એનામાં અલગ અલગ પરિસ્થિતિને સ્વીકાર કરવાની ક્ષમતા બીજા લોકો કરતા ઘણી વધારે હોય છે. જેને સ્વીકાર કરતા આવડે છે તેમનો અનુભવ તેમને ક્યારેય હારવા નથી દેતો. આ અનુભવ જ તેમને કોઇને ખોટા સમજવા નથી દેતો. આ વાતમાં જ સમજદારી રહેલી છે. દરેક વ્યક્તિ જે રીતે વિચારે છે અથવા તો જે રીતે પરિસ્થિતિને મૂલવે છે એમાં જીવનના અનુભવો તેમજ ઉછેરનો મોટો ફાળો હોય છે. જે વ્યક્તિની વિચારસરણી નકારાત્મક હોય તે પોતાની આસપાસ પણ સતત નકારાત્મકતાની લાગણી ફેલાવતી રહે છે. સતત નકારાત્મક વાતાવરણ વચ્ચે રહેવાના કારણે જ્યારે જાત માટે યોગ્ય નિર્ણય લેવાનો કે પછી બીજાના નિર્ણય કે વર્તનને સમજવાનો સમય આવે છે ત્યારે નકારાત્મક માનસિકતા ધરાવતી વ્યક્તિ તટસ્થ કે સંયમિત રહી શકતી નથી. જો તમારે નકારાત્મક માનસિકતાથી બચવું હોય તો બને ત્યાં સુધી આવી નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોથી દૂર રહીને હકારાત્મક અને પ્રગતિવાદી વિચારસરણી ધરાવતા લોકોની આસપાસ રહેવું જોઇએ. આ રીતે ક્રમશ: તમે વધારેને વધારે સમજદાર બની શકશો અને કોઇ પણ પરિસ્થિતિ કે પ્રસંગનું વધારે તુલનાત્મક વિશ્લેષણ કરીને યોગ્ય પ્રતિભાવ આપી શકશો. આ ગુણ તમને જીવનમાં બહુ આગળ લઇ જશે. પોઝિટિવિટી વિના કોઈપણ કામમાં સરળતા સાથે સફળતા મળતી નથી. કોઈપણ કામની શરૂઆતમાં વિચાર નકારાત્મક હશે તો સરળ કામ પણ મુશ્કેલ લાગશે. નકારાત્મકતાથી બચવા માટે એવા લોકોની સંગતમાં રહો જેમના વિચાર સારા હોય. ખરાબ માનસિકતા ધરાવતાં લોકોથી દૂર રહેશો તો અનેક સમસ્યાઓ દૂર રહેશે.

અન્ય સમાચારો પણ છે...