પૌરાણિક ધર્મસ્થાન, કોર્પોરેટ ઓફિસ કે રમતનું મેદાન હોય, અઢારમી સદી હોય કે એકવીસમી સદી હોય, ભારત હોય કે જાપાન...દરેક સ્થળ, સમાજ અને સમયગાળામાં સ્ત્રીનાં વસ્ત્રો માટે નિયમ બન્યા, બદલાયા અને ફરી નવા બન્યા. વસ્ત્રનાં પ્રશ્ને જર્મનીની રમતવીર સારા વોસ ‘ટોક ઓફ ટોક્યો ઓલિમ્પિક’ બની. જિમ્નાસ્ટિકમાં મહિલા ખેલાડી માટે નિયત કરેલ પરિવેશનો સવિનય વિરોધ કરીને જર્મનીની મહિલા ટીમે આખું શરીર કવર થાય તેવો સૂટ પહેર્યો. સારા અને જર્મન ટીમ કે ધર્મનાં નામે સંપૂર્ણ પગ ઢંકાય તેવા કપડાંની પરવાનગી મેળવતી સ્ત્રી ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે જાતીયતાને લઈને થતી કોમેન્ટ, માનસિક દબાણ અને ગ્લેમરસ પોશાકને કારણે બદલાતી નજરો ભાગ્યે જ ફરિયાદ બનીને બહાર આવે છે. સ્પોર્ટ્સમાં સફળતા મેળવવા માટેની અથાક મહેનત અને મેડલ સુધીની મુસાફરીમાં બીજા અનેક પડકારો વચ્ચે ક્ષોભ થાય તેવાં અસુવિધાજનક કપડાં મહિલા ખેલાડીને સ્વીકાર્ય છે કે નહીં તે ભાગ્યે જ કોઈ સમિતિ વિચારે છે. સ્ત્રી માટે વસ્ત્રનાં નિયમ નક્કી કરવામાં સેક્સિઝમ અગત્યનો ભાગ ભજવે છે. કોર્પોરેટમાં ફોર્મલ ડ્રેસિંગ માટે શર્ટ અને ટ્રાઉઝર નક્કી થાય કે શિક્ષણ વિભાગમાં સાડી નક્કી થાય એ સ્ત્રી માટે યોગ્ય છે કે નહીં એ નિર્ણય કોણ લેશે? એક તરફ ટોક્યો ઓલિમ્પિકની મહિલા ખેલાડી તેના શરીરને ઢાંકવા માટે નિયત પરિધાનનો વિરોધ કરે છે તો બીજી તરફ મોં પણ ના દેખાય તેવાં વસ્ત્રોમાં કેદ સ્ત્રી પોતાને ગમે અને સારાં લાગે તેવાં પોશાક માટે તલસે છે. સ્ત્રી માટેનાં વસ્ત્રોની પસંદગી અને નિયમો કોઈ એક કે બે સ્ત્રીની અંગત સમસ્યા નથી. સ્ત્રીનાં પરિધાન માટે નિયમ બને છે ત્યારે સમાજની માનસિકતા અને દૃષ્ટિકોણ પર સવાલો ઉભા થાય છે. અહીં પ્રશ્ન જુનવાણી કે આધુનિક વિચારસરણીનો પણ નથી. ભારતના અંતરિયાળ વિસ્તારની સ્ત્રી માટે ઘૂંઘટ ફરજીયાત છે તો પશ્ચિમના દેશોમાં કે ફેશન ઇન્ડસ્ટ્રીમાં બિકીની ફરજીયાત છે. બિકીની હોય કે હિજાબ...સ્ત્રીનાં વસ્ત્રો સ્ત્રીને અનુકૂળ અને સુવિધાજનક છે કે નહીં એટલું જ વિચારીને સમગ્રતયા પરિવર્તન આવે એજરૂરી છે. એવું નથી કે યુરોપિયન અથવા તો પશ્ચિમી સભ્યતામાં સ્ત્રીઓને ઘૂંઘટમાં રાખવામાં આવતી ન હતી. યુરોપમાં એક સમય હતો જ્યારે સ્ત્રીઓને આરબ દેશોની જેમ પગથી માથા સુધી ઢાંકવામાં આવતી હતી. પશ્ચિમી સભ્યતા એ બધામાંથી અલગ એ રીતે પડી કે પ્રગતિશીલ અને આધુનિક અભિગમ અપનાવતી વખતે તેણે સ્ત્રીઓને વસ્ત્રોમાં ફિટ કરવાને બદલે સ્ત્રીને ફિટ થાય તેવાં વસ્ત્રો શોધ્યાં. આ મહત્ત્વનો ફેરફાર છે. મોટાભાગના રૂઢિચુસ્ત સમાજ સ્ત્રીઓની જરૂરિયાત અને વ્યવહારિકતા પ્રમાણે વસ્ત્રોમાં ફેરફાર કરવાને બદલે સ્ત્રીઓ પાસે એવી અપેક્ષા રાખે છે કે તેઓ પરાપૂર્વથી ચાલી આવતી ડ્રેસ પરંપરામાં ખુદને ઢાળી દે. આધુનિક સમાજે આપણને રસ્તો બતાવ્યો કે આપણે સ્ત્રીઓની જરૂરિયાત મુજબ વસ્ત્રો ઢાળવાનાં હોય.મેં ચાહે જો પહેનું,મેરી મરજી કહીને કોઈ એક કે બે યુવતીઓનાં બોલ્ડ ઘર્ષણને બદલે સમાજની માનસિકતામાં સમયાંતરે પરિવર્તન થાય તે જરૂરી છે. meghanajoshi74@ gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.