મહિલાઓની સુરક્ષા માટે માત્ર સ્માર્ટ ફોન હોવો એ જ પૂરતું નથી, અન્ય કેટલાંક સ્માર્ટ ગેજેટ્સ પણ મહિલાઓને અનેક રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે. વળી, આનો ઉપયોગ કરીને મહિલાઓ ઘરમાં તેમજ બહાર પણ સુરક્ષા અનુભવી શકે છે. અહીં સ્માર્ટ કેમેરા, સ્માર્ટ લોક ઉપરાંત કેટલાંક સ્માર્ટ ગેજટ્સ અંગે જાણકારી આપી છે, જે તમને તો સુરક્ષા આપશે જ ઉપરાંત તમારા ઘરને પણ સુરક્ષિત રાખશે. વળી, આ ગેજેટ્સને મર્યાદિત બજેટમાં પણ ખરીદી શકાય છે. આ અવનવાં ગેજેટ્સ ઓનલાઇન પણ સરળતાથી મળી જાય છે.
સેફ્ટી ટોર્ચ ઘર અને બહાર, સુરક્ષાની રીતે આ ગેજેટ મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ સ્માર્ટ ટોચ દેખાવમાં સામાન્ય ટોર્ચ જેવી છે અને તેની એલઇડી ફ્લેશ લાઇટમાં ઇલેક્ટ્રિસિટી પણ હોય છે. જો તેનો પ્રકાશ કોઇ વ્યક્તિ પર પડે તો તેને વીજળીનો આંચકો લાગશે. મહિલાઓ આ ટોર્ચને તમે તમારા પર્સમાં કે ઘરમાં રાખી શકો છો અને ક્યારેક જો અસુરક્ષા અનુભવાય તો તેનો ઉપયોગ કરી શકો છો. સેન્સર લાઇટ્સ ઘરની સુરક્ષા માટે મોશન સેન્સર લાઇટ્સ પણ ઉપયોગી છે. તેને ઘરની બહાર, બારણાં અને બારીઓ પાસે લગાવી શકો છો. જ્યારે કોઇ આ લાઇટ્સ પાસેથી પસાર થશે તો લાઇટ્સ આપમેળે ચાલુ થઇ જશે. આ લાઇટ્સ સ્માર્ટ ફોન સાથે કનેક્ટેડ હોય છે. તે લગાવવા માટે તાર કે ઇલેક્ટ્રિશિયનની જરૂર પડતી નથી કેમ કે એને ચોંટાડવાની સુવિધા પણ આપવામાં આવી છે. તમે તેને જ્યાં ઇચ્છો ત્યાં, જ્યારે ઇચ્છો ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લગાવી શકો છો. આ લાઇટ્સ પેન્સિલ અથવા બટન સેલથી ચાલે છે. સાઉન્ડ એલાર્મ જો તમે ઘરમાં એકલાં હો અને ભય અથવા જોખમ લાગે તો આ ગેજેટ તમને મદદ કરી શકે છે. આ નાનકડા ડિવાઇસનો અવાજ 100 મીટરના અંતર સુધી પહોંચે છે. આને ઘરની દીવાલ પર લગાડી શકો છો અથવા જો બહાર જાઓ તો તમારાં ડ્રેસ કે જીન્સનાં ખિસ્સાંમાં પણ રાખી શકો છો. આ ડિવાઇસની સાઇઝ એકદમ નાની હોવાથી તેને સહેલાઇથી ક્યાંય પણ લગાવી શકાય છે. વિડીયો ડોરબેલ તમારા ઘરની બહાર કોણ આવ્યું છે તેની જાણ ડોરબેલની મદદથી થઇ શકે છે. તેમાં કેમેરા પણ છે, જેથી જે વ્યક્તિ બારણાં બહાર ઊભી હોય તેને ઘરમાં રહીને તમે જોઇ શકો. આના એચડી કેમેરાની રેન્જ દૂર સુધીની હોવાથી ઘરની આસપાસમાં શું બને છે, તેનું પણ તમે ધ્યાન રાખી શકશો. આ ડોરબેલ મોબાઇલ અને વાઇ-ફાઇ સાથે કનેક્ટેડ છે જેથી તમે ઘરે ન પણ હો, તો વિડીયો કોલ દ્વારા ઘરની બહાર ઊભેલી વ્યક્તિ સાથે વાત કરી શકો છો. આને માત્ર ચાર્જ કરવામાં આવે છે, જેની બેટરી મહિનાઓ સુધી ચાલે છે. સેફ્ટી પેન્ડન્ટ આ કોઇ સામાન્ય પેન્ડન્ટ નથી. તમે જ્યારે પણ અસુરક્ષા અનુભવો ત્યારે તેને બે વાર દબાવો. એ દબાવતાં જ એસઓએસ એલર્ટ વડીલો અને મિત્રોને મળી જશે. એમાં જીપીએસ ફીચર હોવાથી એલર્ટની સાથે સાથે તમારું લોકેશન પણ મદદકર્તાઓને મળી જશે. આ પેન્ડન્ટ દેખાવમાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગતું હોવાથી આને ફેશન એક્સેસરીઝની માફક ચેનમાં ભરાવીને પહેરી શકો છો. સ્માર્ટ ટેગ આ નાનકડું ડિવાઇસ તમારા કિંમતી સામાનને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તમે આ ટેગ પર્સ, મોબાઇલ કે કારની ચાવી જેવી જરૂરી વસ્તુઓમાં લગાવી શકો છો. જો આ વસ્તુઓ ક્યારેક ખોવાઇ જાય તો આ ટેગની મદદથી તે શોધવામાં સરળતા રહેશે. આ ટેગ મોબાઇલ એપ સાથે જોડાયેલું હોય છે. જો તમે ટેગ તમારી ચાવી (કી-ચેઇન) પર લગાવ્યું હોય અને તે ક્યાંક પડી જાય, તો મોબાઇલ એપ દ્વારા ખબર પડી જશે. તેની ખાસિયત એ છે કે જો મોબાઇલમાં નેટવર્ક નહીં હોય, તો પણ ટેગ ડિવાઇસ સાથે કનેક્ટેડ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.