પહેલું સુખ તે...:સ્કિપિંગ : ફિટનેસ જાળવવાનો હાથવગો વિકલ્પ

15 દિવસ પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક
  • લાંબા સમયથી શારીરિક રીતે સક્રિય ન હો તો પહેલાં વોકિંગ, સ્વિમિંગ અથવા તો સાઇકલિંગ કરીને પહેલાં એક્ટિવ બનો અને પછી સ્કિપિંગ શરૂ કરો

પિંગ (દોરડા કૂદવા) ફિટ રહેવાનો તેમજ વધારાની ચરબી દૂર કરવાનો સારામાં સારો વિકલ્પ છે. સ્કિપિંગ એવી એક્ટિવિટી છે જેમાં ઓછામાં ઓછી વસ્તુઓની જરૂર પડે છે. સારી રીતે સ્કિપિંગ કરવા માટે માત્ર યોગ્ય લંબાઇવાળા અને મજબૂત દોરડાની જરૂર પડે છે. સ્કિપિંગની પ્રેકટિસ ઘરમાં, પાર્કમાં અથવા તો ટ્રાવેલિંગ વખતે પણ ગમે તે જગ્યાએ કરી શકાય છે.
સ્કિપિંગના ફાયદા
સ્કિપિંગ તમને બેલેન્સ જાળવવામાં, કોઓર્ડિનેશનમાં તેમજ ચપળતા જાળવવામાં મદદ કરે છે. નિયમિત સ્કિપિંગ કરવાથી હાર્ટ રેટમાં સુધારો થાય છે તેમજ શરીરના મસલ્સ ટોન થાય છે.
કાર્ડિયો ફિટનેસ સુધારે
દોરડા કૂદવાથી કાર્ડિયોરેસ્પિરેટરી ફિટનેસમાં સુધારો થાય છે. નિયમિત સમયાંતરે સતત કૂદવાથી શરીરના વર્કિંગ મસલ્સને વધારેને વધારે રક્ત અને ઓક્સિજનની જરૂર પડે છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે શરીરના હાર્ટ રેટ અને રેસ્પિરેટરી રેટમાં વધારો થાય છે. નિયમિત રીતે આ એક્ટિવિટી કરવાથી હૃદય મજબૂત બને છે અને ફેફસાંની કાર્યક્ષમતા સુધરે છે જેના કારણે લાંબા સમય સુધી કસરત કરવાની ક્ષમતા વિકસે છે.
મસલ્સ બનાવે મજબૂત
જો તમે અસરકારક ફુલ-બોડી વર્કઆઉટનો વિકલ્પ શોધી રહ્યા હો તો સ્કિપિંગ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. દોરડા કૂદવાથી લોઅર બોડી મસલ્સ મજબૂત બને છે. આ લોઅર બોડી મસલ્સમાં પિંડીના, સાથળના તેમજ નિતંબના મસલ્સનો સમાવેશ થાય છે. આ સિવાય સ્કિપિંગ કરવાથી શોલ્ડર, એબ્ડોમિનલ મસલ્સ અને બાઇસેપ્સ જેવા અપર બોડી મસલ્સની મજબૂતાઇ પણ વધે છે. સ્કિપિંગ કરવાથી મસલ્સ મજબૂત તો બને છે પણ સાથે સાથે એની ક્ષમતામાં પણ વધારો થાય છે જેના કારણે લાંબા સમય સુધી એક્સરસાઇઝ કરી શકાય છે તેમજ મસલ્સની ઝડપથી રિફ્લેક્શન આપવાની ક્ષમતા વિકસે છે જે સ્પોર્ટ્સમાં સારા દેખાવ માટે બહુ જરૂરી છે.
હાડકાં સ્ટ્રોન્ગ કરે
સ્કિપિંગ એક પાવરફુલ એક્સરસાઇઝ છે જે હાડકાં પર હકારાત્મક રીતે દબાણ આપીને એને મજબૂત બનાવે છે. વ્યક્તિ જ્યારે કૂદકો મારે છે ત્યારે હાડકાંને ક્ષણિક સ્ટ્રેસનો સામનો કરવો પડે છે જે મજબૂત બનાવવામાં મદદ કરે છે.
બેલેન્સ જાળવવામાં મદદ કરે
સ્કિપિંગ કરતી વખતે હાથ, પગ અને છાતીની મૂવમેન્ટનું કોઓર્ડિનેશન જાળવવું પડે છે. દોરડા કૂદતી વખતે આ ત્રણ અવયવો એકબીજા સાથે તાલમેલ જાળવીને સતત રિધમમાં રહે છે. દોરડા કૂદતી વખતે પડી ન જવાય એ માટે યોગ્ય રીતે બેલેન્સ જાળવવું જરૂરી છે. જો બેલેન્સ જળવાયેલું હશે તો જ પગ દ્વારા રિપિટેડ રીતે જમીન પર દબાણ આપીને કૂદી શકાશે.
ફન એક્ટિવિટી
ઘણી વ્યક્તિ માટે એક્સરસાઇઝ રૂટિનની કંટાળાજનક પ્રવૃત્તિ બની જાય છે. જોકે સ્કિપિંગ એક ઇફેક્ટિવ એક્સરસાઇઝની સાથે સાથે ફન એક્ટિવિટી સાબિત થઇ શકે છે જે બીબાંઢાળ એક્સરસાઇઝ રૂટિનમાં નવો રંગ ભરી શકે છે.
શરૂઆત કરતાં પહેલાં...
સ્કિપિંગ પહેલી નજરે સરળ પ્રવૃત્તિ લાગે છે પણ એને સારી રીતે કરવા માટે નિયમિત પ્રેક્ટિસ અને હાર્ડ વર્કની જરૂર પડે છે. સ્કિપિંગ વખતે બહુ વધારે ઊંચો જમ્પ મારવાનો પ્રયાસ ન કરો. તમારા પગ જ્યારે જમીનને સ્પર્શે ત્યારે પીઠ સીધી રહેવી જોઇએ અને માથું, છાતી અને ખભા પાછળની તરફ રહેવા જોઇએ. આ સિવાય દોરડુ કૂદતી વખતે એને ફેરવવાની ક્રિયા હાથ દ્વારા નહીં પણ કાંડા દ્વારા થવી જોઇએ.સ્કિપિંગની શરૂઆત કરતી વખતે યોગ્ય સ્કિપિંગ રોપની પસંદગી, પર્ફેક્ટ ફૂટવેરની પસંદગી તેમજ યોગ્ય સરફેસની પસંદગી કરવી બહુ જરૂરી છે. સોફ્ટ અને હાર્ડ સરફેસ પર સ્કિપિંગ કરવાના પોતપોતાના આગવા ફાયદા અને નુકસાન છે. જોકે પાયાનો નિયમ એ છે કે એડી મચકોડાવાનો ભય હોય એવી કાર્પેટ અથવા તો ઘાસ જેવી સરફેસ પર સ્કિપિંગ કરવાનું ટાળવું જોઇએ. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે કોંક્રિટ જેવી સરફેસ પર નિયમિત પ્રેક્ટિસ કરવાથી હાડકાં અને જોઇન્ટ્સને નુકસાન પહોંચે છે.

સ્કિપિંગ માટે દોરડાની યોગ્ય લંબાઇ નક્કી કરવા માટે ચેક કરો કે એ જ્યારે અડધું ફોલ્ડ કરેલું હોય ત્યારે શોલ્ડર લેવલ સુધી પહોંચે છે કે નહીં. સારી રીતે સ્કિપિંગ કરી શકાય એ માટે દોરડાની આટલી લંબાઇ જરૂરી હોય છે. જો તમે ઓવરવેઇટ હો અથવા તો લાંબા સમયથી શારીરિક રીતે સક્રિય ન હો તો પહેલાં વોકિંગ, સ્વિમિંગ અથવા તો સાઇકલિંગ કરીને પહેલાં એક્ટિવ બનો અને પછી ધીમે ધીમે સ્કિપિંગ શરૂ કરો. જો તમે આવું નહીં કરો તો તમને બેક, ની કે પછી એન્કલ પેઇન થઇ શકે છે. દોરડા કૂદવા એ ઝડપી, પ્રમાણમાં સસ્તું અને અસરકારક વર્કઆઉટ છે. નિયમિત રીતે સ્કિપિંગ કરવાથી હાડકાં અને મસલ્સ મજબૂત બને છે. સ્કિપિંગ કરવાથી સારી એવી કેલરીનો વપરાશ થાય છે જેના કારણે વજન ઓછું કરવાના ટાર્ગેટ સુધી સરળતાથી પહોંચી શકાય છે. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...