તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમનોલોજી:ધર્મની બહેન અને બહેનનો ધર્મ...

મેઘા જોશીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વ્યક્તિ વચ્ચેની મૈત્રીને જયારે સ્વીકૃતિનો ભય લાગે ત્યારે રાખડીનો ઉપયોગ કરવો પડે તે ખોટું છે. દરેક વિજાતીય સંબંધમાં ભાઈ બહેનનો સંબંધ પણ શક્ય નથી

રક્ષાબંધન માત્ર એક દિવસનો તહેવાર નથી, લગભગ આખું વર્ષ ચાલતો વ્યવહાર છે. રાખડી ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમસંબંધનું પ્રતિક છે. આથી જ જ્યારે લોહીનું સગપણ ન હોય કે કુટુંબીજન પણ ન હોય એવા પુરુષ અને સ્ત્રી કે છોકરો અને છોકરી વચ્ચે જ્યારે ભાઈ અને બહેન જેવા સંબંધની શરૂઆત થાય છે અથવા બેય પક્ષે એક વણકહેવાયેલો કરાર થાય છે ત્યારે સાંકેતિક રૂપે રાખડીનાં માધ્યમથી તેમને વિધિવત ભાઈ-બહેનના સંબંધે જોડવામાં આવે છે અને આ રિશ્તાને ધર્મનાં ભાઈ-બહેન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સંબંધમાં બે વ્યક્તિ વચ્ચે સ્પષ્ટતા, સમજૂતી અને સ્વીકાર પરસ્પર સરખા હોય તો ઠીક છે પણ આ ધર્મનાં ભાઈ-બહેનમાં માત્ર બે વ્યક્તિ નહીં, પણ સમાજ અને તેની માનસિકતા મોટો ભાગ ભજવતી હોય છે. નાનપણથી જ પડોશમાં રમતાં બાળકો અને સ્કૂલમાં ભણતાં બાળકોને છોકરા-છોકરી વચ્ચે બાય ડીફોલ્ટ ભાઈ-બહેનનો સંબંધ જ હોવો જોઈએ એવું કહેવામાં આવે છે. સંસ્કાર સિંચનની પ્રક્રિયામાં જ દરેક છોકરીને બહેનની નજરે જોતા ને છોકરાને ભાઈ સમજીને વ્યવહાર કરવાનું શીખવવામાં આવે છે. હજી આજે પણ ઘણા પરિવારમાં પુત્રવધૂનાં પિયરનાં ગામથી આવેલ દરેક પુરુષને ભાઈ કહેવામાં આવે છે. આજની તારીખે પણ રૂઢિવાદી અને પરંપરા સાચવીને બેઠેલા પરિવારમાં મોટાભાગના પુરુષોનું નામ ‘તમારા ભાઈ’ હશે. સ્ત્રી પતિનું નામ લેવાને બદલે તમારા ભાઈનું સંબોધન કરે છે ત્યારે અજાણપણે સામેવાળી વ્યક્તિને ઈશારો પણ કરી દે છે. આવો ‘ભાઈચારો’ પ્રસરે, સમાજના આંતરસંબંધોમાં સંવાદિતા ઝળવાઈ રહે તે બરાબર છે. સમાજ વ્યવસ્થાના ભાગ રૂપે લગ્ન સંસ્થા.,પારિવારિક સંબંધોને અનુલક્ષીને કેટલાક વણલખ્યા નિયમોનું પાલન કરવામાં આવે છે. જેનો મુખ્ય આશય સમાજમાં સંબંધનું સંતુલન અને સંવાદિતા સ્થાપિત કરવાનો છે. જેમ દરેક સ્ત્રી-પુરુષ વચ્ચે લગ્ન સંબંધ શક્ય નથી, બિલકુલ એ જ રીતે દરેક વિજાતીય સંબંધમાં ભાઈ બહેનનો સંબંધ પણ શક્ય નથી. વિચારો કે લાગણીની આપ-લે થાય એટલે એને નામ આપવું ફરજિયાત થઇ જાય છે. લોકો કંઈ બીજંુ ધારી લે તે પહેલા ચોખવટ કરવી સારી. આ ‘કંઈ બીજું’ એટલે શું? કંઈ બીજું એટલે વિજાતીય વ્યક્તિને એકબીજા સાથે શારીરિક સંબંધ હશે? કંઈ બીજું એટલે એટલે બે જણા વચ્ચે પ્રેમનાં અંકુરો ફૂટ્યાં હશે અને આ લસ્ટ કે લવને આપણાં મનોજગતમાં અપરાધ સાથે જોડી દીધા છે, આથી જ બધાને ગમે એવું, બધા સ્વીકારે એવું એક નામ અપાઈ જાય એટલે શાંતિ. ખાસ કરીને આ ‘નામ’આપવાની પ્રથા સ્ત્રીઓ દ્વારા વધુ પ્રમાણમાં શરૂ કરવામાં આવી।. છોકરીનાં સબકોન્શિયસ માઈન્ડમાં સમાજ દ્વારા જ ફરજ પાડવામાં આવે છે. સંપૂર્ણ નિર્ભય રહીને જયારે પુરુષ સાથે સંબંધ રાખવો હોય ત્યારે એને ભાઈ બનાવી દેવાનો સૌથી સરળ રસ્તો એ પકડે છે. વિજાતીય વ્યક્તિ માટે કાયમ આકર્ષણ થાય એ જરૂરી નથી કે એની માટે ભાઈ-બહેન જેવી ફીલિંગ આવે એ પણ જરૂરી નથી. કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો નામ વગરનો સંબંધ ન હોઈ શકે? આપણને પહેલેથી જ લેબલિંગમાં રસ છે અને તે લેબલ પણ સમાજે પોતાનાં જ ખિસ્સામાં રાખ્યાં છે. ધરમના ભાઈ-બહેનનું હોવું એ સમસ્યા નથી પરંતુ આ સંબંધની પહેલી અને અંતિમ એક જ શરત હોવી જોઈએ છોકરી અને છોકરા વચ્ચે ખરેખર ભાઈ-બહેન જેવી લાગણીનું હોવું. બે વ્યક્તિ વચ્ચેની મૈત્રીને જયારે સ્વીકૃતિનો ભય લાગે ત્યારે રાખડીનો ઉપયોગ કરવો પડે તે ખોટું છે . meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...