વુમન ઇન ન્યૂઝ:મૂળ કર્ણાટકની 21 વર્ષની કન્યા સિની શેટ્ટી બની મિસ ઇન્ડિયા 2022

3 મહિનો પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

હાલમાં કર્ણાટકની 21 વર્ષની યુવતી સિની શેટ્ટીએ ‘મિસ ઇન્ડિયા’ની સ્પર્ધા જીતીને વિજેતાનો તાજ પહેર્યો હતો. 3 જુલાઈએ આયોજીત મિસ ઈન્ડિયા 2022 ઈવેન્ટમાં 31 ફાઈનલિસ્ટને હરાવીને સિની શેટ્ટીએ પોતાના નામે મિસ ઈન્ડિયાનો ખિતાબ કર્યો છે. રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઇન્ડિયા 2022 ફર્સ્ટ રનર-અપ બની, અને ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ ફેમિના મિસ ઇન્ડિયા 2022 સેકેન્ડ રનર-અપ બની. હકીકતમાં સિનીનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે, પણ તે મૂળ કર્ણાટકની રહેવાસી છે અને આ માટે તેમણે મિસ ઇન્ડિયા વર્લ્ડ 2022 પેજેન્ટ દરમિયાન કર્ણાટક રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. મિસ ઇન્ડિયા જીત્યા બાદ સિની મિસ વર્લ્ડના સ્ટેજ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. નાનપણથી ડાન્સિંગનો શોેખ 21 વર્ષની બ્યૂટી ક્વીન સિની પાસે અકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં સ્નાતકની ડિગ્રી છે. તે હાલ CFA (ચાર્ટર્ડ નાણાંકીય વિશ્લેષક) બનવા માટે ભણે છે. સિની અભ્યાસની સાથે સાથે માર્કેટિંગ કંપનીમાં પણ કામ કરી ચૂકી છે. ભણવામાં હોંશિયાર સિનીને નૃત્યનો પણ શોખ છે. તેણે 4 વર્ષની ઉંમરથી ક્લાસિકલ ડાન્સ શીખવાનું શરૂ કર્યું અને માત્ર 14 વર્ષની ઉંમરમાં તેણે ભરતનાટ્યમમાં પોતાનું અારંગત્રમ પૂરું કર્યું. શાહરુખ ફેવરિટ, પ્રિયંકા આદર્શ બીજી યુવતીઓની જેમ સિની પણ બોલિવૂડની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. તેને શાહરુખ ખાનને ખૂબ પસંદ કરે છે જ્યારે તે પોતાની સફળ કારકિર્દીનું શ્રેય પ્રિયંકા ચોપડાને આપે છે અને તે જાહેરમાં કહે છે કે પ્રિયંકાએ તેને બહુ પ્રેરણા આપી છે. પ્રિયંકાની જર્ની જોયા બાદ તેણે મોડલ તરીકે તેની કરિયર શરૂ કરી હતી. મિસ ઈન્ડિયા બનતા પહેલાં સિની ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે. પરિવારનો ટેકો સિનીના ફેમિલીમાં તેના માતા-પિતા સહિત એક ભાઇ છે અને તે અપરિણીત છે. તેને તેના પરિવારનો સારો એવો ટેકો છે. આત્મનિર્ભરતા જરૂરી સિની માને છે મહિલા માટે આર્થિક રીતે આત્મનિર્ભર હોવું બહુ જરૂરી છે. પોતાના જીવન સાથે સંકળાયેલી એક ઘટના વિશે જણાવતા સિનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ‘મારાં માતા કર્ણાટક બોર્ડના ટોપર હતાં પણ આમ છતાં તેમણે કરિયર પર ફોક્સ કરવાના બદલે 21 વર્ષે લગ્ન કરીને પરિવારને પ્રાધાન્ય આપવાનો વિકલ્પ પસંદ કર્યો અને હું તેમની પસંદગીનો આદર કરું છું. જોકે એક વખત અમારી વચ્ચે વાતચીત થઇ રહી હતી ત્યારે તેમણે થોડો અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જો હું થોડું વધારે ભણી હોય તો આજે બહુ આગળ નીકળી ગઇ હોત...’ તેને આ વાતનો કોઇ અફસોસ નથી પણ એ ક્ષણે મને થયું કે દરેક મહિલા માટે આગળ વધવું બહુ જરૂરી છે અને અંતે તે નાણાકીય રીતે આત્મનિર્ભર હોય એ બહુ જરૂરી છે.’ મિસ વર્લ્ડ સ્પર્ધાની તૈયારી મિસ ઇન્ડિયાનું ટાઇટલ જીતી લીધા પછી સિની હવે મિસ વર્લ્ડ પેજન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા માટેની પોતાની તૈયારી વિશે વાત કરતા સિનીએ જણાવ્યું છે કે ‘મને લાગે છે કે આ સ્પર્ધા માટે જેટલી તૈયારી કરું એટલી ઓછી છે. કલ્ચર અને હેરિટેજના ક્ષેત્રમાં ભારતનો વારસો અનંત અને સમૃદ્ધ છે. હું એવું માનું છું કે તમે સંસ્કૃતિમાં જેટલો દૃઢ વિશ્વાસ કરશો એટલા સફળતાની નજીક ઝડપથી પહોંચશો. હું શક્ય એટલી સારી તૈયારી કરીને આ સ્પર્ધામાં મારું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવાની તૈયારી કરી રહી છે.’

અન્ય સમાચારો પણ છે...