મીઠી મૂંઝવણ:ફિગર આકર્ષક ન હોવાથી આત્મવિશ્વાસ ડગી ગયો છે...!

20 દિવસ પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 55 વર્ષની મહિલા છું. મારી દીકરી 30 વર્ષની છે પણ તે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડે છે. એવું નથી કે તેને લગ્ન નથી કરવા પણ તે કહે છે કે તે લગ્ન કરવા માટે હાલમાં તૈયાર નથી. મને તેની આ દલીલ બહુ વિચિત્ર લાગે છે. મારા લગ્ન તો 22 વર્ષે થઇ ગયા હતા અને 25 વર્ષે તો હું દીકરીની માતા બની ગઇ હતી. મને જીવનમાં ક્યારેય આનાથી તકલીફ નથી પડી પણ 30 વર્ષે પણ લગ્ન ન કરવાની મારી દીકરીની હઠ મને સમજાતી નથી. મેં આ મુદ્દે વાત પણ કરી છે અને તેને કોઇ અફેર પણ નથી પણ તે પહેલાં જીવનમાં સેટલ થવા માગે છે. મેં તેને બહુ સમજાવી છે કે સેટલ થવાની પ્રક્રિયા તો આખું જીવન ચાલે છે પણ તે ટસની મસ થવા તૈયાર નથી. મારે તેને કેમ સમજાવવી?
એક મહિલા (વડોદરા)

ઉત્તર : તમારી ચિંતા સમજી શકાય એવી છે. આ વાતમાં કોઇ બે મત નથી કે આપણા સમાજમાં લગ્ન થઇ લઇને બાળક પેદા કરવા સુધીની ઉંમર નક્કી કરવામાં આવી છે. આપણા સમાજમાં બાળપણથી લઇને ટીનએજ ઉંમર સુધી ભણતરને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ પછી 20 વર્ષની ઉંમર પછી નોકરી કે કમાણીના સ્ત્રોત શોધવાને લઇને મહત્વ આપવામાં આવે છે. ત્યાર બાદ 25 થી 30 વર્ષને લગ્ન માટે રાખવામાં આવ્યા છે. ત્યાર બાદ બાળક - ઘર ખરીદવું, પ્રમોશન વગેરે વસ્તુઓને આવે છે. આ જીવનનું ચક્ર છે અને તે સદીઓથી ચાલ્યું આવે છે.

કેટલીક યુવતીઓ આ દબાવ સામે ઝૂકી જાય છે અને કેટલીક બહાદુર બનીને વિદ્રોહ કરે છે. જો કે માતા - પિતા - સંબંધીઓ અને સમાજના નિર્માણ કરવાવાળા લોકોના લગ્નના બંધનમાં બંધાવાની ઉંમરને લઇને પોતાના વિચારો હોય છે. હકીકતમાં પુરુષ હોય કે મહિલા, તે જ્યાં સુધી મનથી તૈયાર ન હોય ત્યાં સુધી લગ્ન કરવાની યોગ્ય ઉંમર હોતી નથી. આજની જનરેશન એ વાત સારી રીતે જાણે છે કે લગ્ન બાદ ઘણી જવાબદારીઓ આવી જાય છે. આ પણ એક કારણ છે કે તેમને લગ્ન કરવાની ઉતાવણ હોતી નથી. તેઓ ત્યારે જ લગ્ન કરે છે જ્યારે તેમને લાગે છે કે તેઓ બધી જવાબદારીઓ યોગ્ય રીતે સંભાળવા લાયક બને છે.

જોકે બને ત્યાં સુધી યુવતીઓએ 30 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી લેવા જોઇએ કારણ કે વધતી ઉંમરની સાથે તેમની બાયોલોજિકલ ક્લોક પણ નબળી પડી જાય છે. જોકે હવે મેડિકલ વિકલ્પો ઉપલબ્ધ છે જેના કારણે મહિલા મોટી વયે પણ માતા બની શકે છે. આ કારણે લગ્ન યુવતીની પર્સનલ ચોઇસ છે. તમે તમારી દીકરીને તમામ પરિબળો સમજાવી શકો, લગ્ન માટે માટે મનાવી શકો પણ દબાણ કરવું યોગ્ય નથી.

પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી છું. હું જ્યારે મારી આસપાસની બીજી યુવતીઓને જોઉં છું ત્યારે મને અહેસાસ થાય છે કે હું બિલકુલ સુંદર નથી લાગતી. મારું ફિગર પણ ખાસ આકર્ષક નથી. મારો સ્તનપ્રદેશ પણ ખાસ વિકસીત નથી. આના કારણે મારો આત્મવિશ્વાસ જાણે ડગી ગયો હોય એમ લાગે છે. મને એવું જ લાગે છે કે હું જીવનમાં ખાસ ઉકાળી નહીં શકું. મારી આ લાગણીને દૂર કરવાનો ઉપાય શું છે?
એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમારી આખી સમસ્યામાં એ વાત હકારાત્મક છે કે તમને તમારી સમસ્યાનો અહેસાસ છે. આ કારણે તમે થોડા પ્રયાસ પછી આ નકારાત્મક લાગણીમાંથી બહાર નીકળી શકો છો. તમને એ જાણીને નવાઇ લાગશે કે મોટાભાગની વ્યક્તિઓને પોતાના લુક બાબતે અસંતોષ હોય છે. તમે ટીનેજ અને યુવાની વચ્ચેની બોર્ડરલાઇન પર છો. આ અવસ્થામાં યુવતીઓને આદર્શ મોડેલો અને ફિલ્મસ્ટાર જેવો લુક મેળવવાની ઇચ્છા હોય છે. યુવતીઓ પછી અભિનેત્રીની સાથે પોતાને સરખાવી નિરાશા અનુભવે છે અને લઘુતાગ્રંથિથી પીડાય છે. આ અવસ્થા જ એવી છે ક્યાંક કઈ ખૂટતું લાગે છે, નિરાશ થઈ જવાય છે, હતાશા ઘેરી વળે છે ને ઉત્સાહ ભાંગી પણ જાય છે.

જોકે આ સમય વખતે નિરાશ થવાની નહીં પણ સમજદારી દાખવવાની જરૂર છે. જવાનીના જોશમાં એવા કોઈ નિર્ણયો લેવાની જરૂર નથી જે તમારા આત્મવિશ્વાસને ડગમગાવી દે. હંમેશાં એક યાદ રાખાો કે દરેક વ્યક્તિમાં કોઇને કોઇ એવી વાત તો હોય જ છે જે તેને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. કદાચ તેને આના વિશે ખબર ન હોય તો એ બીજી વાત છે. આ સંજોગોમાં નકારાત્મકતાથી દૂર રહીને પર્સનાલિટીની હકારાત્મક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો.

આખી વાતનું તાત્પર્ય એ છે કે જે નથી તેને માટે નિરાશ ન થાઓ પણ જે કંઈ છે તેને મહત્ત્વ આપી દો. આવું કરશો તો આત્મવિશ્વાસ વધશે. પોઝિટિવ થિન્કિંગ કરશો તો હકારાત્મક દૃષ્ટિબિંદુની અને હકારાત્મક મનના વલણની અસર શરીર ઉપર પણ હકારાત્મક પડે છે!

પ્રશ્ન : હું એક વાર કોલેજમાંથી ટૂરમાં ગઇ હતી. એ વખતે મારી કોલેજના યુવાને મારા કેટલાક વાંધાજનક ફોટોગ્રાફ લીધા અને એ ફોટોગ્રાફના આધારે એ મને એની ઇચ્છા પૂર્ણ કરવાની ફરજ પાડતો હતો. મારી સગાઇ થોડા દિવસ પહેલાં થઇ છે. એ યુવાન મને કહે છે કે જો લગ્ન પછી પણ હું એની સાથે સંબંધ નહીં રાખું તો એ ફોટોગ્રાફ મારા ભાવિ પતિને બતાવશે. શું કરું?
એક યુવતી, સુરત
ઉત્તર : કોલેજની ટૂરમાં એ યુવાને તમારા વાંધાજનક ગણાય એ‌વા ફોટોગ્રાફ કઇ રીતે લીધા તે સમજાતું નથી. આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટી તમારી ભૂલ એ છે કે તમે આ યુવકની ધમકીના તાબે થઇ ગઇ ગયા. હકીકતમાં જ્યારે યુવાને પહેલી વખત તમારી પાસે અજુગતી માગણી મૂકી ત્યારે ગભરાઇ જવાને બદલે હિંમતથી કામ લેવાની જરૂરી હતી. આ સમયે તમે તમારા પરિવારને વિશ્વાસને લઇને સમાજના ડર વગર પોલીસ કે ક્રાઇમ સેલની મદદ માગી હોત તો આ વાત આટલી બધી વધત નહીં.

તમે આટલા સમય સુધી એની ઇચ્છા મુજબ કર્યું તે જાણીને પણ નવાઇ લાગે છેે. હવે એ તમારા ભાવિ પતિને એ ફોટોગ્રાફ બતાવવાની ધમકી આપી રહ્યો છે તેનો સીધો અર્થ એ કે એને તમારા શરીરમાં જ રસ છે. સૌથી પહેલાં તો તમે એ વાત જાણી લો કે લગ્નનો પાયો વિશ્વાસ પર જ ટકેલો છે. તમારે આ વાત તમારા ભાવિ પતિથી છૂપાવવાને બદલે તેની મદદ લેવાનો પ્રયાસ કરો. જો તે ખરેખર તમને પ્રેમ કરતો હશે તો ચોક્કસ તમારી મદદ કરશે. જો આટલું કર્યા પછી પણ પરિસ્થિતિ પર કાબૂ ન મેળવી શકાય તો પોલીસ અથવા તો ક્રાઇમ સેલની મદદ લો અન્યથા એ તમને ભવિષ્યમાં પણ પરેશાન કરતો રહેશે.

પ્રશ્ન : મારા પતિ ઘણી વાર મિત્રોને ઘરે બોલાવે છે. તેમના બધા મિત્રો વાતચીત દરમિયાન મારી સાથે મજાક-મસ્તી કરે ત્યારે મારા પતિ કંઇ નથી કહેતા, પણ બધાના ગયા પછી મારા પર શંકા કરે છે. હું શું કરું?
એક મહિલા (રાજકોટ)
ઉત્તર : તમારા પતિ તેમના મિત્રોને સાથે લાવે છે, તેઓ તમારી સાથે મજાક કરે તેમાં તમારો દોષ નથી. તમે પતિને આ વાત પ્રેમથી સમજાવો કે જો તમે હસીને એમના મિત્રો સાથે વાત ન કરો તો તમારા પતિનું જ ખરાબ દેખાય.

જો સમસ્યા વધારે પરેશાન કરે તો સ્પષ્ટ ના કહી દો કે એ તેમના મિત્રોને ઘરે ન લાવે. તેઓ ઘરે નહીં આવે તો સ્વાભાવિક રીતે જ તમારી સાથે મજાક-મસ્તી નહીં કરે અને તમારા પતિ તમારા પર શંકા નહીં કરે.

અન્ય સમાચારો પણ છે...