પહેલું સુખ તે...:બીમારી વખતે ફિટનેસ ટ્રેનિંગ લેવી જોઇએ?

18 દિવસ પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

નિયમિત કસરત એ શરીરને સ્વસ્થ રાખવાનો સૌથી સારો વિકલ્પ છે. નિયમિત વર્કઆઉટ કરવાથી ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગ થવાનું જોખમ તો ઘટે જ છે પણ સાથે સાથે વજન પણ નિયંત્રણમાં રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સ્વાસ્થ્ય જાળવવામાં નિયમિત કસરતનો મોટો ફાળો હોય છે એમાં કોઇ બે મત નથી નથી પણ બીમારી વખતે વર્કઆઉટ કરવાથી રિકવરી ઝડપથી થાય છે કે પછી તબિયત વધારે બગડે છે એ વિશે ઘણી વ્યક્તિઓ અસમંજસમાં હોય છે. બીમારી વખતે એક્સરસાઇઝ કરવાથી ઇમ્યુન સિસ્ટમ વધારે મજબૂત બને છે કે વ્યક્તિ બીમાર પડે છે? મનને મૂંઝવતા આ સવાલનો સ્પષ્ટ જવાબ મળવો અશક્ય છે. દરેક વ્યક્તિનું શરીર આ પરિસ્થિતિમાં અલગ અલગ પ્રતિભાવ પ્રતિભાવ આપે છે એટલે તમારા શરીરને સમજો. તમારા શરીરને આધારે બીમારી દરમિયાન વર્કઆઉટ પ્લાન કરો, આરામ કરો, હાઇડ્રેટ રહો અને પૂરતી નીંદર કરો.
જ્યારે તમે બીમાર હો ત્યારે તમારા ડોક્ટરની સલાહનું સંપૂર્ણપણે પાલન કરો. જો તેઓ એક્સરસાઇઝ ન કરવાની સલાહ આપતા હોય તો એની પાછળ પણ કોઇ ચોક્કસ કારણ હશે. જો ડોક્ટર પરવાનગી આપે તો હળવી કસરત કરવાથી તમને સારું લાગશે અને ઝડપી રિક્વરી
જોવા મળશે.
કેવી હોય છે હળવી કસરત?
જો ઘરે કાર્ડિયો મશીન હોય તો એના પર ધીમે ધીમે ચાલવાથી કે પછી વોકિંગ કરવાથી હળવી કસરતના લાભ મેળવી શકાય છે. મોબિલિટી જાળવી રાખવા માટે લોંગ વોક કરી શકાય છે. જોકે આ એક્સરસાઇઝ વખતે હાર્ટ રેટ ઓછો રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. એક્સરસાઇઝ દરમિયાન ક્યારેય શ્વાસ લેવામાં તકલીફ ન પડવી જોઇએ. દરેક વ્યક્તિની ક્ષમતા અલગ અલગ હોય છે અને એને ધ્યાનમાં રાખીને જ લો-ઇન્ટેન્સિટી વર્કઆઉટની પસંદગી કરવી જોઇએ. તમારા શરીરને સમજો અને એને અનુકૂળ હોય એવી એક્સરસાઇઝની જ પસંદગી કરો.
જિમ એટિકેટનું પાલન કરો
બીમાર હો ત્યારે બીમારી પ્રત્યે પણ સકારાત્મક અભિગમ કેળવવો જોઇએ. જો તમારા જિમ જવાથી બીજી વ્યક્તિઓ બીમાર પડે એવી થોડી પણ શક્યતા હોય તો જિમથી દૂર જ રહો. આ બીમારીઓમાં કફ, તાવ અને ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓનો પણ સમાવેશ કરી શકાય છે. જોકે એનો મતલબ એવો નથી કે તમે થોડા બીમાર હો તો ઘરે પણ વર્કઆઉટ ન કરી શકો. જો તમને બીમારીના થોડાં પણ લક્ષણો હોય તો તમારે ચોક્કસપણે બીજાની તંદુરસ્તીનો પણ વિચાર કરવો જોઇએ. આમ, સંપૂર્ણપણે સાજા થાઓ એ પછી જ જિમ પરત ફરવાનું પ્લાનિંગ કરવું જોઇએ.
ઘરે કરો વર્કઆઉટ
કોવિડને કારણે આપણને છેલ્લાં કેટલાક સમયગાળામાં કોઇને કોઇ તબક્કે ઘરે ફિટનેસ ટ્રેનિંગ લેવાની જરૂર પડી છે. જ્યારે તમે નોર્મલ વર્કઆઉટ કરો છો ત્યારે તમારું શરીર આકરી મહેનત કરે છે અને એના કારણે શરીરમાં સ્ટ્રેસ રિસ્પોન્સ ટ્રિગર થાય છે. જ્યારે તમારું શરીર સ્વસ્થ હોય ત્યારે એ સ્ટ્રેસ રિસ્પોન્સની મદદથી વધારે મજબૂત બને છે, પણ જ્યારે તમે બીમાર હો છો ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે નબળી પડી ગઇ હોય છે. આ સંજોગોમાં આકરું વર્કઆઉટ કરવાથી શરીરની સિસ્ટમ ઓવરલોડ થઇ જતા વ્યક્તિ વધારે બીમાર પડી શકે છે.
મારો નિયમ
જો તમને લાગતું હોય કે બીમારીને કારણે તમે હળવી કસરત જ કરી શકો એમ છો તો નોર્મલ રૂટિન વર્કઆઉટ કરવાનું ટાળવું જોઇએ. જોકે એનો મતલબ એ નથી કે બીમારી વખતે તમે સોફા પર બેઠા રહો. જો બીમારી પણ તમે શારીરિક રીતે એક્ટિવ રહેશો તો રિકવર થયા પછી નિયમિત રીતે એક્સરસાઇઝ કરી શકશો.
ખાસ નોંધ
જ્યારે તમને ડાયેરિયા, વોમિટિંગ, નબળાઇ, કફ કે તાવનાં લક્ષણો અનુભવાઇ રહ્યા હોય તો શરીરને થોડો આરામ આપવાનું અને રિકવરી માટે જિમમાંથી થોડો સમય ઓફ લઇ લેવાનું જરૂરી છે. જો તમને શરદીના હળવાં લક્ષણો અનુભવાઇ રહ્યા હોય તો વર્કઆઉટ છોડી દેવાનું બિલકુલ યોગ્ય નથી પણ જિમ જેવાં ઇન્ડોર પબ્લિક પ્લેસથી દૂર રહેવું જોઇએ. આ સમયે બીજી વ્યક્તિઓને બીમારીનો ચેપ લગાવવા કરતા ઘરે રહીને વર્કઆઉટનો ફાયદો ઉપાડવાનો વિકલ્પ યોગ્ય છે કારણ કે તમને થયેલી શરદી સામાન્ય ફ્લુ છે કે બીજી કોઇ ગંભીર બીમારી એનો શરૂઆતમાં તાગ મેળવવો મુશ્કેલ છે. તબિયત સારી ન લાગતી હોય ત્યારે થોડું સતર્ક રહેવું જરૂરી છે. જો તમે સાજા થઇ જાય તો પણ વર્કઆઉટ માટે પૂરતી ઊર્જા અનુભવતા ન હો તો એક્ટિવ રહેવા માટે વર્કઆઉટનો સમય થોડો ઘટાડી દેવાનો વિકલ્પ અજમાવવો જોઇએ. આમ, જ્યારે બીમાર હો ત્યારે પણ સ્વસ્થતા જાળવી રાખવા માટે શરીરને સમજવું જોઇએ અને ડોક્ટરની સલાહનું પાલન કરવું જોઇએ. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...