પ્રશ્ન : મારી વય 52 વર્ષની છે. છેલ્લા કેટલાક દિવસોથી ઊઠતી-બેસતી વખતે સાંધામાંથી ટચાકા ફૂટતા હોય એવો અવાજ આવે છે. શું મને કોઇ મોટી તકલીફ હશે?
એક મહિલા (અમદાવાદ)
ઉત્તર ઃ અમુક ઉંમર પછી ઊઠતી-બેસતી વખતે સાંધામાંથી ટચાકા ફૂટતા હોય એવો અવાજ આવે છે. આના કારણની આપણને ખબર નથી પડતી અને મનમાં મૂંઝવણ એ થાય છે કે આ કોઇ બીમારીનું લક્ષણ તો નહીં હોય ને? વાસ્તવમાં ટેન્ડન કે મસલ્સમાંથી કંઇ તૂટવાનો અવાજ આવવો એ નાઇટ્રોજનના પરપોટા થવાને કારણે થાય છે. ટેન્ડન એવા ફાઇબર ટિશ્યૂ છે સ્નાયુ અને હાડકાંને જોડે છે. જો તેની સાથે સાંધામાં દુખાવો રહેતો હોય, સાંધાને કામ કરવામાં મુશ્કેલી પડતી હોય અથવા સોજો આવી જતો હોય એવા લક્ષણ જોવા મળે તો તરત જ ડોક્ટરની સલાહ લો કેમ કે આ લક્ષણો સાંધાનાં આર્થ્રાઇટિસના હોઇ શકે છે.
અન્ય કારણોમાં જોઇએ તો, ડિજનેરેટિવ ડિસઓર્ડરને કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. આ સમસ્યામાં અસરગ્રસ્ત અંગ કે ટિશ્યૂ સમય પસાર થવાની સાથે ખરાબ થતા જાય છે. ક્યારેક આ અવાજ હાડકાં એકબીજા સાથે અથડાવાને કારણે પણ થાય છે. જો તેની સાથે દુખાવો પણ થતો હોય તો ડોક્ટરને બતાવો. સામાન્ય રીતે તો આ અવાજ ક્યારેક જ આવતો હોય છે અને એ માટે કોઇ પ્રકારની સારવાર કરવાની જરૂર નથી પડતી. એનાથી બચવા માટે વજન નિયંત્રણમાં રાખો જેથી સાંધા પર વધારે વજન ન આવે. સાંધા અને સ્નાયુઓ મજબૂત અને સક્રિય રહે તે માટે કસરત કરો.
પ્રશ્ન : હું ૩2 વર્ષની છું. મારાં લગ્નને 4 વર્ષ થઈ ગયાં અને હવે અમે બાળક માટે તૈયાર છીએ. પ્રેગ્નન્સી પ્લાન કરતી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે?
એક મહિલા (વડોદરા)
ઉત્તર ઃ પ્રેગ્નન્સી એક કુદરતી પ્રક્રિયા છે, પણ એ સારી રીતે પ્લાન કરી શકાય એ માટે ડૉક્ટરનું માર્ગદર્શન જરૂરી છે. આમ, પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં એક વાર ડોક્ટરને મળશો તો આખી પ્રક્રિયા તમારા માટે વધારે સરળ બની જશે. સ્વસ્થ પ્રેગ્નન્સી માટે તમારા પિરિયડ્સ રેગ્યુલર છે કે નહીં, બાકી કોઈ ઇન્ફેક્શન કે તકલીફ તો નથી એવી બેઝિક તપાસ જરૂરી છે. આ સિવાય પ્રેગ્નન્સી પહેલાં તમારે અને તમારા પતિ બંનેએ થેલેસેમિયા ટેસ્ટ કરાવી લેવો જોઇએ. જો તમે બંને થેલેસેમિયા માઇનર હશો તો બાળક મેજર થવાની સંભાવના રહે છે. પ્રેગ્નન્સી પહેલાં બંનેનું બ્લડ-ગ્રુપ અને થાઇરોઇડ લેવલ ચકાસવાં જરૂરી છે. સ્વસ્થ પ્રેગ્નન્સી માટે બ્લડશુગર, હીમોગ્લોબિન, વિટામિન B12 અને વિટામિન Dનું લેવલ પણ તમારા શરીરમાં યોગ્ય હોવું જરૂરી છે. જો ન હોય તો એનાં સપ્લિમેન્ટ લેવાં જરૂરી છે. ફોલિક એસિડ કે કેલ્શિયમની ટીકડીઓ તમારા ડોક્ટરની સલાહ મુજબ તમે અત્યારથી શરૂ કરી દેશો તો પણ તમને ચોક્કસ ફાયદો થશે.
પ્રશ્ન : હું 42 વર્ષની છું. બે દિવસ પહેલાં મારું ધ્યાન ગયું કે મારા ડાબા બ્રેસ્ટમાં કંઈક થોડું કડક લાગે છે. આજ પહેલાં મેં એ ક્યારેય અનુભવ્યું નથી. હું રોજ ચેક કરું છું પણ પરિસ્થિતિમાં કોઇ ફેરફાર નથી. મારા ઘરમાં કોઈને પણ બ્રેસ્ટ કેન્સર નથી થયું. મને અચાનક આ કેમ આવ્યું હશે? શું મારે મેમોગ્રામ કરાવવો જોઈએ?
એક મહિલા (સુરત)
ઉત્તર ઃ તમે બ્રેસ્ટ હેલ્થ મામલે જાગૃત છો એ સારી બાબત છે કારણ કે કોઈ પણ પ્રકારની ગાંઠ કે કડક ભાગ હાથમાં આવે કે ફીલ થાય તો એક વખત ડોક્ટર પાસે ફિઝિકલ એક્ઝામિનેશન જરૂરી છે, પણ એની સાથે-સાથે એક વસ્તુ એ પણ સમજવાની જરૂર છે કે ગાંઠ છે એટલે બ્રેસ્ટ કેન્સર જ હોય એવું જરૂરી નથી. ગાંઠ ઘણાં પ્રકારની હોય છે. ઘણી કાયમી હોય તો ઘણી થોડા સમય માટે બને અને જતી રહે છે. ગાંઠ દૂધની હોય, ગાંઠ સ્નાયુઓની હોય, ઘણી વાર ઇન્ટર્નલ બ્લીડિંગને કારણે લોહી ત્યાં જામી ગયું હોય તો પણ ગાંઠ ઉપસી શકે છે અને મહત્ત્વની વાત એ છે કે હા, એ ગાંઠ કેન્સરની પણ હોઈ શકે છે. તમારે પહેલાં ડોક્ટરને મળવાની જરૂર છે. એના માટે કોઈ ટેસ્ટ પહેલેથી ન કરાવવી. મેમોગ્રામ એવી ટેસ્ટ નથી કે તમે ઇચ્છા પડે ત્યારે કરાવી લો.
સૌપ્રથમ તમે કોઈ પણ બ્રેસ્ટ સર્જન પાસે અથવા કોઈ ઓન્કોલોજિસ્ટ પાસે જઈ શકો છો. એ તમારું ફિઝિકલ એક્ઝામિનેશન કરશે. જો તેમને લાગશે કે ગાંઠ છે જ તો એ તમને સ્કેન માટે મોકલશે. સ્કેનમાં ખબર પડી જશે કે જો ગાંઠ છે તો એ શેની ગાંઠ છે. શંકાસ્પદ લાગશે તો તે મેમોગ્રામ કરવાનું જણાવશે. મહત્ત્વનું એ છે કે એક પણ દિવસ ગુમાવ્યા વગર તમે ડોક્ટરને મળો અને તપાસ ચાલુ કરો.
પ્રશ્ન : મને લાગે છે કે હું મારી પત્નીને જોઇએ એવો જાતીય સંતોષ નથી આપી શકતો. શું પત્નીના આનંદ માટે વાઇબ્રેટરનો ઉપયોગ કરી શકાય?
એક પુરુષ (ભાવનગર)
ઉત્તર ઃ જો તમારા પત્નીને વાઇબ્રેટરની જરૂરિયાત અનુભવાતી હોય અને તમને પણ વાંધો ન હોય તો એનો ઉપયોગ કરી શકાય પણ પરસ્પરની મંજૂરી જરૂરી છે. જો વાઇબ્રેટરનો ઉપયોગ કરો તો એની સ્વચ્છતા જાળવવા બાબતે સભાન રહેવું જરૂરી છે. વાઇબ્રેટરનો ઉપયોગ કરવો હોય તો કોઇ પણ એક જ સ્પીડને બદલે એડજસ્ટ થઇ શકે એવી સ્પીડવાળું બેટરી-ઓપરેટેડ વાઇબ્રેટર ખરીદવું જોઇએ. દરેક વખતે વાઇબ્રેટર યુઝ કર્યા પછી ડિસઇન્ફેક્ટન્ટથી સાફ કરીને પછી જ મૂકવું. આ પ્રકારના વાઇબ્રેટરનો ઉપયોગ બીજો કોઇ ન કરે એ પણ જરૂરી છે.
આપણા દેશમાં વાઇબ્રેટર કાયદેસર રીતે દુકાનમાં મળતાં નથી, પરંતુ તમે ઇન્ટરનેટ પરથી અથવા ડોક્ટર પાસેથી મેળવી શકો છો. આ વાઇબ્રેટરમાં ઘણીબધી વેરાઇટી મળે છે. એ બેટરીવાળાં તથા ઇલેક્ટ્રિકલ હોય છે તેમજ અલગ અલગ આકાર અને સાઇઝનાં મળે છે. આની કિંમતમાં પણ ઘણી મોટી રેન્જ ઉપલબ્ધ છે.
પ્રશ્ન : મારો દીકરો તરુણાવસ્થામાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લાં થોડાક સમયથી તેનો છાતીનો જાણે ઉપસી રહ્યો હોય એમ લાગે છે. શું તેને કોઇ જાતીય સમસ્યા હશે?
એક મહિલા (રાજકોટ)
ઉત્તર ઃ તરુણાવસ્થામાં છોકરા અથવા તો છોકરીનાં શરીરમાં અનેક પરિવર્તન આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણા છોકરાઓ આવી સ્થિતિમાંથી પસાર થાય છે. છોકરાઓમાં છાતીનો ઉભાર વધી જવાની સ્થિતિને અંગ્રેજીમાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. 17થી 18 વર્ષની વય સુધી રાહ જુઓ. છાતીનો ભાગ વધુ મોટો ન લાગે એ માટે ખાસ ટાઇટ ગંજી આવે છે એ પહેરાવાનું રાખો. 17-18 વર્ષની વય પછી હોર્મોન્સમાં સંતુલન આવે છે. જો પછી પણ પરિસ્થિતિમાં બદલાવ ન આવે તો હોર્મોન સ્પેશ્યાલિસ્ટને બતાવી ઓપરેશનથી આ તકલીફનું નિરાકરણ થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.