તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન ઇન ન્યૂઝ:ઘરેથી દસ રૂપિયા લઇને ચેમ્પિયન બનવા નીકળી હતી, આજે છે વિશ્વની નંબર વન તીરંદાજ

મીતા શાહ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીપિકાને નાનપણથી જ તીરંદાજી આકર્ષતી હતી. બાળપણમાં પૈસાની અગવડને કારણે તે વાંસના તીર અને કામઠાંથી પ્રેક્ટિસ કરતી હતી

ભારતની સ્ટાર તીરંદાજ દીપિકા કુમારીએ પેરિસમાં રમાઈ રહેલા આર્ચરી વર્લ્ડ કપમાં વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીતીને સપાટો બોલાવી દીધો છે. અગાઉ તેણે પોતાના પતિ અતાનુ દાસ સાથે મળીને મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઈનલમાં નેધરલેન્ડને પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં દીપિકાએ ભારતીય મહિલા રિકર્વ ટીમ સાથે મળીને મેક્સિકો સામે 5-1થી વિજય નોંધાવીને ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આમ, દીપિકાએ ગોલ્ડ મેડલ જીતવાની હેટ્રિક પૂરી કરી હતી. આ હેટ્રિક પછી સત્તાવાર રીતે દીપિકાને વિશ્વની નંબર વન તીરંદાજ જાહેર કરવામાં આવી છે. દીપિકાએ વ્યક્તિગત ફાઈનલમાં 6-0થી આસાન વિજય નોંધાવ્યો હતો. હવે ટોક્યો ઓલિમ્પિક્સ શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દીપિકાનું ફોર્મ ભારત માટે ઘણી સારી વાત છે. દીપિકાની ગણતરી ભારતના ટોચના તીરંદાજોમાં થાય છે. ભૂતકાળમાં તેને પોતાની સિદ્ધિઓ બદલ પ્રેસિડન્ટ પ્રણવ મુખરજીના હસ્તે 2012માં અર્જુન એવોર્ડ અને 2016માં પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ મળી ચૂક્યા છે. ગરીબ પરિવારમાં જન્મ દીપિકા કુમારીનો જન્મ 13 જૂન, 1994માં ઝારખંડમાં એક ગરીબ પરિવારમાં થયો હતો અને છેલ્લા દોઢ દાયકામાં તેમણે સફળતાની લાંબી મજલ કાપી છે. દીપિકાના પિતા શિવનારાયણ મહેતો એક ઓટો-રિક્ષા ડ્રાઇવર તરીકે કામ કરે છે અને માતા ગીતા મહેતો રાંચીની મેડિકલ કોલેજમાં નર્સ છે. દીપિકાએ તીરંદાજી શીખવા માટે જ્યારે ઘર છોડ્યું ત્યારે તેમના મનમાં માત્ર એટલો સંતોષ હતો કે તેનાં જવાથી પરિવાર પર બોજ ઘટશે પરંતુ આજે દીપિકાએ પોતાના દમ પર પરિવારને આર્થિક અને સામાજિક સ્થિરતા આપી છે. પર્સનલ લાઇફ અને કરિયરનું બેલેન્સ દીપિકાને નાનપણથી જ તીરંદાજી આકર્ષતી હતી. બાળપણમાં પૈસાની અગવડને કારણે તે વાંસના તીર અને કામઠાંથી પ્રેક્ટિસ કરતી હતી. તેનાં પ્રારંભિક સંઘર્ષની કથા પણ પ્રેરણાદાયક છે. કરિયરની શરૂઆતમાં દીપિકા જિલ્લા સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતી હતી પણ તેનાં પિતાએ તેને એમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. દીપિકાએ જ્યારે બહુ જીદ કરી ત્યારે તેના પિતાએ તેને માત્ર 10 રૂપિયા આપ્યા હતા અને તે આ પૈસા લઇને પોતાની કરિયરની પહેલી ટુર્નામેન્ટમાં ભાગ લેવા નીકળી અને પછી સતત સફળતાની સીડી ચડી રહી છે. 2005માં દીપિકાએ અર્જુન આર્ચરી એકેડમીમાં પ્રવેશ લઇને પોતાની કરિયરની શરૂઆત કરી હતી. અહીં થોડો સમય ટ્રેનિંગ લીધા પછી 2005માં તેણે જમશેદપુરમાં આવેલી તાતા આર્ચરી એકેડમીમાં ટ્રેનિંગ લઈને પોતાની કરિયરને આગળ વધારવાની દિશામાં નક્કર પ્રયાસ શરૂ કર્યાં હતાં. અહીં તેને 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ મળતું હતું. દીપિકાનું ધ્યાન માત્ર પોતાની કરિયર પર હતું અને તેણે જીવનના શ્રેષ્ઠ 15 વર્ષો પોતાની જાતને પુરવાર કરવાના પ્રયાસોમાં પસાર કર્યાં છે. દીપિકાનાં અંગત જીવનની વતા કરીએ તો તેણે 30 જૂન, 2020ના દિવસે આર્ચર અતાનુ દાસ સાથે લગ્ન કર્યા છે. દીપિકા અને અતાનુ 2008થી એકબીજાને ઓળખે છે અને તેમની પહેલી મુલાકાત તાતા આર્ચરી એકેડમીમાં થઈ હતી. તેઓ પહેલાંં સારા મિત્રો હતાં અને પછી નિકટતા વધતાં તેમણે લગ્નનાં બંધનમાં બંધાઇ જવાનું પસંદ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...