તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઘુનવલ:શર્મિષ્ઠાથી ઇન્કાર ન થયો અને અખિલેશ તેના બેડરૂમ સુધી પહોંચી ગયો!

6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ‘ન ભૂલ તારા સુખસાહેબી મલ્હારની આર્થિક સધ્ધરતાને કારણે છે! મલ્હારથી વધુ ભેગું કરી નાખીશ, ત્યારે આપણને કોઇની સાડાબારી નહીં રહે! ઠાઠથી તને રાખી શકુ ત્યારે જ તને પરણવાનું હોયને!’

- કિન્નરી શ્રોફ

પ્રકરણ -3

‘ડાર્લિંગ, આ વીક એન્ડનો શું પ્રોગ્રામ છે?’ શુક્રવારની રાત્રે પતિની સોડમાં ભરાતા શર્મિષ્ઠાએ પૂછ્યંુ.અલબત્ત, એ મલ્હારનો જવાબ જાણતી. માતા-પિતાના દેહાંત બાદ પ્રમાણમાં એકલગંધા બની ગયેલા મલ્હારનું ઝાઝુ મિત્રવૃંદ ન મળે, પણ ટ્રાવેલિંગનો એને શોખ. આબુ એનું ફેવરિટ ડેસ્ટિનેશન. લગ્ન પછીનાં તરતનાં વર્ષોમાં અમે કેટલાય વીક એન્ડ આબુમાં ગાળ્યાં હશે! ત્યારે ગમતું પણ ખરું. બધંુ જ હતું મલ્હાર પાસે. દેખાવડો હતો, કમાણી પણ સારી અને ઇન્કમટેક્સ ઓફિસરનો હોદ્દો પણ મોભાદાર ગણાય...આ બધા પાસાનો અભ્યાસ કરીને જ તો પોતે આગળ વધી હતી. બેશક, ઓફિસમાં મલ્હાર આંખ ઉંચી કરી કોઇ સામે જુએ નહીં, પણ મદદનીશ તરીકે એને જાળવતી ગઇ એમ એ અનાયાસે મારા પર ઢળતો ગયો. ખાસ કરીને હું પણ માબાપ વિનાની...એ સમદુખિયાપણું કામ કરી ગયંુ ને મલ્હારે સામેથી મને પ્રપોઝ કર્યુ. મલ્હારનો મારા પ્રત્યેનો પ્રેમ ભલે સ્વયંભૂ હોય, મારા પક્ષે તો એ આયોજનબધ્ધ રીતે મેળવેલા સુખ જેવું વધારે. જોકે મલ્હારને આવંુ જણાવવાનું ન હોય. શી જરૂર? એ ખુશ હતા, હું ખુશ હતી, પછી સંસારમાં બીજુ શું જોઇએ? ‘બીજુ શું ન જોઇએ, એમ પૂછો!’

અખિલેશના શબ્દો પડઘાતા શર્મિષ્ઠાએ હોઠ કરડ્યો. હૈયે કંઇક ઉથલપાથલ થઇ ગઇ ક્ષણ-બેક્ષણમાં... દોઢ-બે વરસ અગાઉની વાત. અમારા લગ્નની ત્રીજી એનિવર્સરી ઉજવાઇ ચૂકેલી એન્ડ એવરીથિંગ વોઝ ગોઇંગ ગ્રેટ. મલ્હારને પ્રમોશન મળ્યું હતું એટલે કાર્યભાર વધ્યો, બહારગામની ટૂર વધી, બટ ધેટ્સ ફાઇન. એવો અમારો મોભો વધ્યો, મલ્હારે શહેર બહાર પ્લોટમાં ઇનવેસ્ટ પણ કર્યુ. એ ઓફિસમાં વ્યસ્ત બન્યો તો મેં યુથ ક્લબ જોઇન કરી, યોગા ક્લાસિસ શરુ કર્યા...પ્રવૃત્તિની ક્યાં કમી હતી! બપોરે જમ્યા પછી કામવાળીના નીકળ્યા બાદ એસી ચાલુ કરી હું મસ્ત ત્રણ-ચાર કલાકની નીંદર પણ માણતી હોઉં, એ ટાઇમે અખિલેશે પહેલીવાર ડોરબેલ રણકાવેલી. અત્યારે કોણ ટપક્યંુ? ક્યાંક પેલી ઉર્વી-રીમાની જોડી તો નહીં હોય! આમેય એમના પ્રત્યે મારો ભાવ ઉપરછલ્લો હતો. એ કંઇ મલ્હારની સગી બહેન ઓછી હતી કે મારે એમની તમા રાખવી પડે! ઠીક છે, મલ્હારનું મન રાખવા એમની સાથે સારી રહંુ છંુ, તો જુઓ બેઉ બપોરની નીંદર ખરાબ કરવા આવી ચડી કે શું? મગજ એવું તો બગડ્યું. એ જ ધમધમાટમાં દરવાજો ખોલ્યો. પણ ના. નણંદને બદલે હટ્ટોકટ્ટો જુવાન સોહામણુ સ્મિત ફરકાવતો દેખાયો, ‘નમસ્તે મેડમ. હું અખિલેશ શર્મા. તમારા પાડોશમાં રહેવા આવ્યો છું. અત્યારે તો તમને પાણી માટે હેરાન કર્યા છે.’ એનું સ્મિત, એની લઢણ જ એવી રમતિયાળ હતી કે નીંદર બગડવાનો ગુસ્સો ઓસરી ગયો. આમ તો એને દરવાજે ઉભો રાખી પ્યાલો ધરવાનો હોય, પણ ન જાણે કેમ અજાણ્યાને ઘરમાં દાખલ ન થવા દેવાનો નિયમ નેવે મૂકી એને આવકાર્યો હતો.

એ બેઠકમાં જાણ્યું કે ખરેખર તો બાજુનો વરસોથી ખાલી પડેલો બંગલો અખિલેશના એન.આર.આઇ. શેઠે ખરીદી લીધો હતો ને એમના બંગલા-બિઝનેસની જાળવણી માટે અખિલેશ અમદાવાદ આવ્યો હતો. હવે અહીં જ રહેવાનો હતો. પછીતો સવાર-બપોર-સાંજ એનો ટકરાવ થવા લાગ્યો. મલ્હાર સાથે પણ એણે દોસ્તી પાડી લીધી. વયમાં લગભગ મારા જેવડો અખિલેશ કુંવારો હતો, ન આગળ-પાછળનું બીજુ કોઇ બંધન. ‘ભાભી, શહેરનો હું અજાણ્યો છું. મને દુકાન-બજાર બતાવી દેશો?’ એવું એ કહે ને હું મલ્હારને પૂછી એની સાથે બાઇક પર નીકળી પડું. ‘ભાભી, મેસનું ટિફિન સાવ રદ્દી છે. ક્યારેક તમારે ત્યાં લંચ-ડિનર માટે આવી જાઉં તો વાંધો નથી ને?’ અખિલેશની ઢબ જ એવી કે ઇન્કાર ન થાય. શરૂઆતમાં મલ્હારને આ બધું કહેવાતું અને પૂછાતંુ, પણ પછી એ નેપથ્યમાં જતું રહ્યું. મને અખિલેશનો ઇંતજાર રહેતો. એ ન દેખાય તો દિવસમાં કંઇક ખૂટતું લાગતંુ. કદી એ અગાશી

માં કસરત કરતો જોવા મળે ત્યારે આનાયાસે સરખામણી થઇ જતી કે મલ્હાર દેખાવડો ખરો, પણ અખિલેશ જેવો ગઠીલો તો નહીંજ! ના, ના. મારે આવું વિચારવાનું ન હોય. પતિની તુલના પરપુરુષ સાથે થઇ જ કેમ શકે? આખરે મને કમી શું છે! સંસારમાં સુખી છુ, બીજુ શું જોઇએ? ‘બીજુ શું ન જોઇએ, એમ પૂછો!’ અખિલેશ કહેતો, ખાસ કરીને મલ્હારની ગેરહાજરીમાં. ‘માફ કરજો ભાભી, પણ મલ્હાર જે પોસ્ટ પર છે, એનો ભાવ માર્કેટમાં સાંભળ્યો છે ખરો? અરે, કરોડોની નોટ છપાય એમ છે વરસ દહાડામાં!’

મતલબ કરપ્શન અને મલ્હાર? નો વે. એ બહુ સિદ્ધાંતવાદી છે. ‘હું તો એને વેદિયો જ કહીશ. ડરપોક. જેની છાતી નથી હોતીને શર્મિષ્ઠા એ લોકો જ સિદ્ધાંતના વાઘા પહેરી મહાન બનવાનો ભ્રમ પોષતા હોય છે!’ ‘અચ્છા, મતલબ મલ્હાર પાસે છાતી નથી ને તારી પાસે છે?’ ‘તારે જોવી છે?’ પૂછી અચાનક જ પડખે ભરાઇ અખિલેશે હોઠ ચૂમી લીધા હતા... એ દીર્ઘ ચુંબન પરવશ કરનારું હતું. આટલો કસાવ મલ્હારમાં ક્યારેય ભાળ્યો નથી! શર્મિષ્ઠાથી ઇન્કાર ન થયો ને એને સંમતિ માની અખિલેશ શયનખંડ સુધી, શૈયા સુધી, શરીર સુધી પહોંચી ગયો! ઓહ, કેટલો આહ્્લાદક અનુભવ હતો એ! બેશક, મલ્હારે મને ક્યારેય અતૃપ્ત નહોતી રાખી, પણ કદાચ તૃપ્તિ-તૃપ્તિમાં પણ ફરક રહેતો હશે! પછી તો એનું અનુસંધાન થતું રહ્યંુ ને તન ભેગા અમારાં મન પણ ભળતાં ગયાં. ‘પરિણીતાનું પરપુરુષ સાથેનું લફરુ!’ આ પ્રકારના સમાચાર વાંચવા કે સાંભળવામાં આવે ત્યારે હંમેશા થતુ કે પરણેલી સ્ત્રી આટલી બેજવાબદાર કઇ રીતે હોઇ શકે? ઘણા કિસ્સામાં તો વર સારો હોય, સાસરિયા સારા હોય, પૈસો પણ હોય, તોય પત્નીઓ ભાન ભૂલે એ કેવંુ! જાત પર વીતી ત્યારે સમજાયુ કે દિલ આગળ કોઇ ડહાપણ કામ નથી લાગતંુ! તનનો મેળ મનના મેળાપ સુધી પહોંચે એવુ લગ્નમાં બને કે ન બને, સમાજની દૃષ્ટિએ આડા ગણાતા સંબંધમાં અવશ્ય બનતું હોય છે!

‘આઇ લવ યુ!’ અખિલેશ કહે ને હું ષોડશી બની જાઉં. લગાતાર બાર-પંદર દિવસ સુધી મલ્હારે શહેર બહાર જવાનું ન થાય તો હું અકળાઉ: તમારે કામ નથી રહેતું હમણાંનંુ! ‘કેમ!’ મલ્હાર મલકે, ‘હું ઘરે રહું એ તને નથી ગમતંુ?’ હા, નથી ગમતું! હોઠે આવેલા શબ્દો ગળી જવા પડતા, સાવધ થઇ છણકો જતાવવો પડતો કે તમે આવું પૂછી પણ કેમ શકો! અને પછી અખિલેશ સાથેના એકાંતમાં દબાયેલો ધૂંધવાટ ઉભરાઇ આવતો કે શા માટે મારે મલ્હારનું મન અને મરજી જાળવવા પડે? શા માટે હું ખુલ્લેઆમ તારી ન થઇ શકંુ, તું મારી માંગ સજાવી ન શકે? હું મલ્હારને ડિવોર્સ દેવા તૈયાર છું, પછી તને શું વાંધો છે? ‘વાંધો છે!’ અખિલેશ શાંતિથી સમજાવતો, ‘ન ભૂલ તારા સુખસાહેબી મલ્હારની આર્થિક સધ્ધરતાને કારણે છે! જ્યારે મારે તો રહેવાનું પણ શેઠના ઘરમાં. નોકરી ગઇ તો મારુ કયંુ ઠેકાણું! પણ હું મલ્હાર જેટલો સિદ્ધાંતવાદી નથી. બે-પાંચ વરસમાં તો મલ્હારથી વધુ ભેગું કરી નાખીશ, ત્યારે આપણને કોઇની સાડાબારી નહીં રહે! મલ્હારથી પણ વધુ ઠાઠથી તને રાખી શકુ ત્યારે જ તને પરણવાનું હોયને!’ આના ખુમારમાં પોતે એને કેવો ગુંગળાવી મૂકતી! ‘શર્મિષ્ઠા, કાલની તૈયારી થઇ ગઇ?’

ગઇ બળેવની વાત. મલ્હારે પૂછ્યુ ત્યારે મને યાદ જ ન હતંુ કે બીજે દહાડે રક્ષાબંધન છે. મલ્હારે કહેતા કાળ ચડ્યો: મતલબ, કાલે રજાનો આખો દિવસ મલ્હાર ઘરે રહેવાના એટલે અખિલેશનો મેળાપ નહીં થાય ને છોગામાં પેલી ઉર્વી ટપકવાની!
ઉર્વી. દિમાગમાં ટીકટીક થયંુ: એ છોકરી ગમે ત્યારે ટપકી પડી અખિલેશ સાથેના એકાંતમાં ખલેલ સર્જે એમ છે, ખરેખર તો મારે મલ્હારને એના વર્તુળથી વેગળો કરી રાખવો ઘટે, એટલા હું-અખિલેશ વધુ સેફ!
બસ, પછી તો લાગ જોઇ બળેવને દહાડે ઉર્વીને એવી ઠપકારી કે એ માનેલા ભાઇના ઘરનો રસ્તો ભૂલી ગઇ છે!
‘આ શનિ-રવિ કયાંય નથી જવું.’
શર્નિષ્ઠા ઝબકી. ઓહ, પોતે વીક એન્ડનો પ્લાન પૂછ્યો એના જવાબમાં મલ્હાર આ શું બોલ્યા! બાકી તો મલ્હાર ફરવાનો પ્રોગ્રામ બનાવે ને હું છેલ્લી ઘડીએ અસરદાર બહાનંુ ઉપજાવી જવાનું ટાળી દઉં, મલ્હારને સોગંદ દઇ રવાના કરુ ને પછી અખિલેશ સાથે અહીં મજા જ મજા!
આમાં આ વખતે મલ્હારને શું નડ્યું?
‘ઉર્વી’
મલ્હારે કહેતા શર્મિષ્ઠાનાં દિમાગમાં ધણધણાટી બોલી: વળી પાછી એ ક્યાં ટપકી!
***
ઓહ! આજે કુરિયરમાં બેંકનું ડિવિડન્ડ આવ્યુંુ એટલે મલ્હારે પોળના સહદેવઅંકલને આભારનો ફોન કરતા માલૂમ પડ્યંુ કે એ કવર તો એમણે ઉર્વીને અઠવાડિયાં અગાઉનું રૂબરુ દેવા આપેલું! જાતે આવવાને બદલે ઉર્વીએ કુરિયર કર્યંુ, અરે, બેંકમાં જોબ કરે છે એનાય ખબર શેર ન કર્યા એટલે મલ્હરને લાગે છે કે જરૂર ઉર્વી કોઇ વાતે દુભાઇ છે યા કોઇ બીજા કારણસર પરેશાન છે, પરિણામે આ વીક એન્ડ જનાબે પોળમાં ગાળવું છે! હોરિબલ. ઉર્વી સમજીને દૂર થયાનું મને સમજાય છે પણ ઉર્વી એવંુ મલ્હારને સમજાવે એવું તો ન જ થવંુ જોઇએ!
‘ઉર્વીના મનનો તાગ હું મેળવી લઇશ, મલ્હાર. નણંદ ભાઇ કરતા ભાભી આગળ વધુ ખૂલે!’ શર્મિષ્ઠાએ પતિને પલોટ્યો, ‘અને એ ચુટકીનું કામ છે, એના માટે વીક એન્ડ શું કામ વેડફવો! સોમવારે હું ખુદ ઉર્વીના ઘરે જઇ આવીશ, પ્રોમિસ!’
આટલી ખાતરી પછી મલ્હારે ઇન્કાર કરવાનો રહેતો નહોતો.
‘ભલે’ એણે કહેતા હાશકારો અનુભવતી શર્મિષ્ઠાને થયું: ઉર્વીને મેં મલ્હારથી દૂર કરી, હવે મલ્હારને પણ ઉર્વીથી દૂર કરવા કંઇ કરવું પડશે! શું થવાનું હતું એની કોઇને ક્યાં ખબર હતી? (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો