મીઠી મૂંઝવણ:કામના ભારણને લીધે જાતીય જીવન નિષ્ક્રિય થઇ ગયું છે!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોહિની મહેતા

પ્રશ્ન : હું અને મારો સહકાર્યકર એકબીજાને પ્રેમ કરીએ છીએ. મારો સહકાર્યકર ડિવોર્સી છે. અમે આમ તો એકબીજા સાથે ખુશ છીએ પણ ઘણીવાર અજાણતા હું એવું કંઇક કરી નાખું છું કે તે બહુ જ અપસેટ થઇ જાય છે. અમારા સંબંધને ટકાવી રાખવા માટે શું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમે જ્યારે કોઇ એવા પુરુષ સાથે પ્રેમસંબંધમાં હો જેના છૂટાછેડા થઈ ગયા છે ત્યારે મામલો વધારે સંવેદનશીલ બની જાય છે. આ પુરુષ સાથે ટકી રહેવા માટે ધીરજની જરૂર હોય છે કારણ કે તે પહેલાથી જ કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલો હોય છે. તે પુરુષ માનસિકરીતે થોડો કંટાળી ગયો હોય છે. જો તમને તે પુરુષના નિષ્ફળ સંબંધ વિશેની જાણકારી હોય તો તેને આ છૂટાછેડા વિશે વધુ સવાલો પૂછવા જોઈએ નહીં. કારણકે જૂની વાતો યાદ કરીને તે પણ કદાચ વધારે દુ:ખી થઈ શકે છે. આ સિવાય પુરુષની પૂર્વ પત્ની સાથે પોતાની સરખામણી કરવી જોઈએ નહીં. કારણકે આ પ્રકારની સરખામણી કરીને તમને કોઈ ફાયદો થશે નહીં. જે પુરુષના છૂટાછેડા થઈ ગયા છે તેની સાથે ડેટ કરતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના પૂર્વ પત્ની સાથેના સંબંધો સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયા છે કે નહીં. તમે આ રિલેશનશિપને આગળ વધારતા પહેલા થોડો સમય લઈ શકો છો. તમે તેની સાથે વાતચીત કરીને એવું જાણવાના પ્રયાસ કરો કે તમારી સાથે તે કેવા પ્રકારના ભવિષ્યની આશા રાખે છે. શું તે તમારી સાથે લગ્ન કરવા માગે છે? આ રિલેશનશિપને લઈને તે કેટલો ગંભીર છે તે જાણવું પણ જરૂરી છે. જો તમે છૂટાછેડા લીધેલા પુરુષને ડેટ કરી રહ્યા છો ત્યારે મિત્રો અને પરિવારનાં સભ્યોની નારાજગી સહન કરવા માટે માનસિકરૂપે તૈયાર રહો કારણ કે તેઓ ખુશ નહીં થાય એ સ્વાભાવિક છે. આખરે તમારું દિલ જે કહે છે તેવું તમારે કરવું જોઈએ.

પ્રશ્ન : હું અને મારી ગર્લફ્રેન્ડ છેલ્લાં ચાર વર્ષથી સાથે છીએ. તેણે અમારી રિલેશનશીપની વાત ઘરમાં કહી દીધી છે અને તેના માતા-પિતાએ મને પહેલીવાર મળવા બોલાવ્યો છે. હું નથી ઇચ્છતો કે તેમના મનમાં મારા વિશે કોઇ ખોટી ઇમેજ ઊભી થાય. મારે તેમને મળતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ? એક યુવક (વડોદરા) ઉત્તર : જો તમે તમારી રિલેશનશીપ માટે ગંભીર હો અને લગ્ન વિશે વિચારતા હો તો તમે તમારી ગર્લફ્રેન્ડના માતા-પિતા પાસે તમારી ઇમેજ સારી રહે ધ્યાન રાખવા ઇચ્છો એ સ્વાભાવિક છે. વ્યક્તિની પહેલી ઓળખ એના કપડાં આપે છે. આ કારણે એવા કોઈ કપડાં પહેરીને ગર્લફ્રેન્ડના માતા-પિતાને મળવા જવું જોઈએ નહીં કે જેમાં તમે બનાવટી દેખાઓ. તમે રેગ્યુલર કપડાં પહેરીને પણ જઈ શકો છો. તમે ગર્લફ્રેન્ડના માતા-પિતા માટે તમે ગિફ્ટ પણ લઈ જઈ શકો છો. તમે ગિફ્ટમાં ચોકલેટ અથવા તો ફૂલો પણ લઈ જઈ શકો છો. ગર્લફ્રેન્ડના માતા-પિતાને મળવા જાઓ ત્યારે ફોન સ્વિચ ઓફ કરી દેવો જોઈએ કારણકે જો વારંવાર ફોન અથવા તો મેસેજ આવશે અને તમે તેમાં વ્યસ્ત જોવા મળશો તો તમારી નકારાત્મક છાપ ઉભી થઇ શકે છે. માટે આ મુલાકાત દરમિયાન ફોન સ્વિચ-ઓફ અથવા તો સાઈલન્ટ કરી દેવો જોઈએ. વાતચીત દરમિયાન જો તમારી ગર્લફ્રેન્ડના માતા-પિતા તમારા પર ગુસ્સો કરે તો પણ તમારે તે સમયે શાંત રહેવું જોઈએ અને તેઓનું સન્માન કરવું જોઈએ. તેઓની સાથે ક્યારેય પણ ખરાબ વ્યવહાર કરવો જોઈએ નહીં. ઘણીવાર ગુસ્સા અને અધિરાઇમાં વાત બગડી જતી હોય છે જેના માટે પાછળથી પસ્તાવો થતો હોય છે.

પ્રશ્ન : મારો દીકરો 30 વર્ષનો થઇ ગયો છે. અમે છેલ્લાં 4 વર્ષથી એના માટે યોગ્ય છોકરીની શોધ ચલાવી રહ્યા છીએ પણ મારો દીકરો કોઇને કોઇ કારણ આગળ ધરીને દરેક છોકરીને ના પાડી દે છે. અમે તો તેને કોઇ છોકરી ગમતી હોય તો એને પણ સ્વીકારવા તૈયાર છીએ પણ એવું નથી. હું મારા દીકરાને કઇ રીતે સમજાવી શકું? એક મહિલા (સુરત) ઉત્તર : એક માતા તરીકે તમારી ચિંતા સ્વાભાવિક છે. સંતાનો યોગ્ય વય સુધી લગ્ન કરી લે એ દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે. જોકે હાલમાં બદલાઇ રહેતા સામાજિક પરિપ્રેક્ષ્યમાં ઘણાં ઘરોમાં યુવક અને યુવતીઓ લગ્ન વિશે સમયસર યોગ્ય નિર્ણય નથી લઇ શકતા જેના કારણે તેમના જીવનમાં લાંબા ગાળે સમસ્યા સર્જાય છે. આજકાલ ઓનલાઈન ડેટિંગ અને મેટ્રોમોનિયલ વેબસાઈટના જમાનામાં લાઈફ પાર્ટનર શોધવાનું કામ મુશ્કેલ નથી રહ્યું તેમ છતાં આપણી આસપાસના કેટલાંક લોકો એકલવાયુ જીવન જીવતા જોવા મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે. આપણો દેશ આજે ભલે ઈન્ટરનેટ યુગમાં જીવી રહ્યો છે પણ તમારે એવી છોકરીની પસંદગી કરવી જોઈએ જે તમારા ઘર અને પરિવારને સંભાળે. લગ્ન માટે પાર્ટનર કેવો જોઈએ છે તે અંગે નક્કી કરેલા ચોક્કસ માપદંડ નહીં છોડવાના કારણે ઉંમર વીતી જતા પણ સમસ્યા નડે છે. સમય સાથે બદલાવું જરૂરી છે. ઘણાં યુવક-યુવતી સાથે એવું પણ બનતું હોય છે કે લગ્ન સંબંધમાં વારંવાર ના સાંભળવા મળતા તેમના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. આ કારણે પણ તેઓ લગ્ન કરવા માટે જલદી તૈયાર થતા નથી.

પ્રશ્ન : હું અને મારા પતિ બન્ને મલ્ટિનેશનલ કંપનીમાં સારી પોઝિશન પર કામ કરીએ છીએ. મારા લગ્નને હજી ત્રણ વર્ષ જ થયા છે પણ કામના ભારણને કારણે અમારું જાતીય જીવન લગભગ નિષ્ક્રિય થઇ ગયું છે જેની અસર અમારા સંબંધો પર પડી રહી છે. આ વાતનો ઉપાય શું છે? એક યુવતી (મુંબઇ) ઉત્તર : તમે અને તમારા પતિ બંને અત્યંત વ્યસ્ત હોવાના કારણે આવી પરિસ્થિતિ સર્જાય એ સ્વાભાવિક છે. જો તમારા વચ્ચે બીજી કોઇ સમસ્યા ન હોય અને માત્ર કામનો તણાવ જ જવાબદાર હોય તો તમે તમારા શેડ્યૂલમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો. વ્યસ્ત જીવનમાં દંપતિ રાત સુધી એટલું થાકી ગયું હોય છે કે જાતીય જીવન માણવામાંથી તેમનો રસ ઉડી જાય છે. આ સંજોગોમાં તમે સવારે જાતીય જીવન માણવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. રાતની જગ્યાએ સવારે જાતીય જીવન માણવાથી ઓક્સિટોસિન નામનું કેમિકલ શરીરમાં રિલીઝ થાય છે જેના કારણે કપલ્સની વચ્ચે આખો દિવસ સારું બોન્ડિંગ રહે છે. નિયમિત રીતે સવારે જાતીય જીવન માણવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. એવામાં કોમન કોલ્ડ, શરદી, ઉધરસ અને ફ્લૂ થવાની સંભાવના ઓછી થઇ જાય છે. આ સિવાય સવારમાં માણવામાં આવતું જાતીય જીવન એક સારું સ્ટ્રેસ બસ્ટર છે. સવારના સમયે જાતીય જીવન માણવાથી આખો દિવસ મૂડ સારો રહે છે કારણ કે એ દરમિયાન ડોપામાઇન અને સોરોટોનિન હોર્મોન્સ રિલીઝ થાય છે જે સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ કરે છે. આખો દિવસ મૂડ સારો રહેશે તો સ્પષ્ટ વાત છે કે કામમાં તમારી પ્રોડક્ટિવિટી પણ વધશે.

અન્ય સમાચારો પણ છે...