ફેશન ડિઝાઇનિંગનું ભણીને પોતાનું સ્વતંત્ર બુટિક ચલાવતી 25 વર્ષની સ્મૃતિ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતી. આ કારણે બાળપણથી જ સ્મૃતિનો ઉછેર ભારે લાડકોડથી થયો હતો. આમ તો સ્મૃતિ સમજદાર હતી પણ વધારે પડતા લાડકોડને કારણે તે થોડી મિજાજી થઇ ગઈ હતી. સ્મૃતિ હવે 25 વર્ષને પાર કરી ગઇ હોવાના કારણે ઘરમાં તેના લગ્નની ચર્ચા થવા લાગી હતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને એવામાં એક ફંક્શનમાં રાજના માતા-પિતાએ તેને જોઇને દીકરા માટે મનમાં પસંદ કરી દીધી. શહેરના ખમતીધર શાહપરિવારનો એકનો એક દીકરો રાજ આઇટી એન્જિનિયર હતો અને ટોચની કંપનીમાં કાર્યરત હતો. રાજનું માગું આવતા સ્મૃતિના માતા-પિતા ખુશખુશ થઇ ગયા અને તેમણે સગાઇ કરી નાખી. સગાઇ પછી તેઓ એકાંતમાં પણ મળવા લાગ્યા. આવી જ એક મુલાકાત વખત રાજે પ્રેમથી સ્મૃતિને એક ગિફ્ટ આપી અને તેની સામે જ એને ખોલવાનો આગ્રહ કર્યો. સ્મૃતિએ જ્યારે આ ગિફ્ટ ખોલી તો એમાંથી ગુલાબી રંગનો શોર્ટ ડ્રેસ નીકળ્યો. રાજની આ ગિફ્ટ જોઇને સ્મૃતિ શરમથી લાલ-લાલ થઇ ગઇ. શરમાઇને નીચું જોઇને ઊભેલી સ્મૃતિને રાજે પાછળથી પ્રેમથી પકડી અને ગરદન પર હળવું ચુંબન કર્યું. રાજનો આ સ્પર્શથી સ્મૃતિનું રોમ-રોમ ઉત્તેજિત થઇ ગયું અને તે સ્તનપ્રદેશમાં અનોખી હલચલ અનુભવવા લાગી. આ પછી રાજે તેને કાનમાં ઉત્તેજક સ્વરમાં આ ગાઉન પહેરવાનો આગ્રહ કર્યો તો તે રાજના આ પ્રેમભર્યા આગ્રહનો ઇન્કાર ન કરી શકી. તે જ્યારે આ ગાઉન પહેરીને રૂમમાં આવી ત્યારે રાજની આંખોમાં ઉમટી પડેલા ઉત્તેજનાના ઘોડાપૂરને કારણે તે એની સાથે નજર ન મેળવી શકી. પારદર્શક ગાઉનમાં સ્મૃતિને જોઇને રાજ પોતાની વૃત્તિ પર કાબૂ ન રાખી શક્યો અને તેણે સ્મૃતિને પોતાના બાહુપાશમાં જકડીને પોતાની જાતમાં સમાવી લીધી. સ્મૃતિ ના પાડતી રહી પણ તેની ના માત્ર શબ્દ બનીને રહી ગઇ. પહેલી વખતના શબ્દ પછી તેમને જાણે સાયુજ્ય માણવાની લત લાગી ગઇ. તેઓ દર અઠવાડિયે જ્યારે તક મળે ત્યારે હોટેલમાં રૂમ બુક કરીને આ સુંદર ક્ષણો માણતા. સ્મૃતિને તેના માતા-પિતાએ લગ્ન પહેલાં વધારે પડતી નિકટતા ન કેળવવા માટે ટોકી હતી, પણ સ્મૃતિએ તેેમની વાત હસવામાં ઉડાવી દેતી હતી. ધીરે ધીરે સ્મૃતિને અહેસાસ થવા લાગ્યો કે રાજનું વર્તન બદલાવા લાગ્યું છે અને તે એને મળવાનું ટાળી રહ્યો છે. એક સમયે કલાકો સુધી ફોન પર તેની સાથે વાત કરતો રાજ બે મિનિટમાં જ વાત ટૂંકાવી દેતો હતો. રાજનું આ વર્તન સ્મૃતિના મનને અકળાવતું હતું. તેણે પોતાની આ અકળામણ તેની માતાને જણાવી પણ માતાએ ‘સમયની સાથે બધું ઠીક થઇ જશે...’ એક કહીને તેને સમજાવી દીધી હતી પણ સ્મૃતિનું મન અમંગળ ભાવિની એંધાણી આપી રહ્યું હતું. એક દિવસ સ્મૃતિ સવારે ઊઠી તો તેણે સોશિયલ મીડિયામાં રાજની અપડેટ જોઇ ‘Raj weds Anaya’. આટલું વાંચીને સ્મૃતિનો દિલ તો થડકારો ચૂકી ગયું. તેણે પોતાના માતા-પિતાને આ વિશે વાત કરી તો માતા-પિતાએ પણ તાત્કાલિક રાજનાં પેરેન્ટ્સને ફોન કર્યો. ફોન પર વાતચીત પછી ખબર પડી કે અમેરિકા બિઝનસ ટ્રિપ પર ગયેલા રાજે તેની બોસ અનાયા સાથે કોર્ટમેરેજ કરી લીધાં છે અને આ વાતની તેના પોતાના માતા-પિતાને પણ આજે જ જાણ કરી છે. તે હવે પત્ની અનાયા સાથે અમેરિકામાં જ સેટ થવાનો છે અને ઇન્ડિયા પાછો નથી આવવાનો. આ વાત જાણીને સ્મૃતિએ હાંફળાંફાંફળાં થઇને રાજને ફોન કર્યો. ફોન પર જ્યારે સ્મૃતિએ તેના પર અનૈતિકતાથી છેતરપિંડીનો આરોપ મૂક્યો ત્યારે રાજે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે, ‘સંબંધોની મજા બંનેએ માણી છે. જો હું અનૈતિક છેતરપિંડી કરી રહ્યો હતો તો લગ્ન પહેલાં જાતીય સંબંધ માણવામાં કઇ નૈતિકતા છૂપાયેલી છે એ મને સમજાવીશ?’ આટલું કહીને રાજે ફોન કાપી નાખ્યો અને સ્મૃતિ ધબ દઇને સોફા પર ફસડાઇ પડી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.