મેરેજ મંત્ર:સફળ લગ્નજીવનની સુવર્ણચાવી સાત વચન...

3 મહિનો પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

લગ્નને સાત જન્મનું અતૂટ બંધન માનવામાં આવે છે. જે આજીવન પતિ-પત્નીને એકબીજા સાથે જોડી રાખે છે. લગ્ન વખતે પતિ-પત્ની બંને એકબીજાને સાત વચન આપે છે. આ સાત વચનોને સારી રીતે સમજવા જરૂરી છે. જો એને સારી રીતે સમજી લેવામાં આવે તો દંપતીમાં આવેલી આ સમજણ તેમનાં સફળ લગ્નજીવનની સુવર્ણચાવી સાબિત થાય છે. પ્રથમ વચન : પ્રથમ વચનમાં કન્યા વરને કહે છે કે, જો તમે કોઈ પણ તીર્થયાત્રા પર જાઓ તો મને પણ પોતાની સાથે લઈ જજો, કોઈ વ્રત-ઉપવાસ અથવા અન્ય ધાર્મિક કાર્યોમાં આજની જેમ મને પણ વામ ભાગમાં (પુરુષનું ડાબું અંગ એટલે કે પત્નીના અર્થમાં) અવશ્ય સ્થાન આપો. જો તમે તેનો સ્વીકાર કરો છો તો હું તમારા વામાંગમાં આવવાનું સ્વીકાર કરું છું. બીજું વચન : વર પાસે બીજા વચનમાં કન્યા એવું માગે છે કે, જે રીતે તમે માતાપિતાનું સન્માન કરો છો, તે જ રીતે મારાં માતાપિતાનું સન્માન કરો. આ વચનથી કન્યાની ભવિષ્યને સલામત રાખવાની લાગણીનો અહેસાસ થાય છે. જો લગ્ન પછી પતિ પણ પત્નીના પરિવારજનોને બરાબર સન્માન આપે તો લગ્નજીવન સુમધુર બની જાય છે. ત્રીજું વચન : ત્રીજા વચનમાં કન્યા કહે છે કે, તમને મને એ વચન આપો કે તમે જીવનની ત્રણ અવસ્થાઓ – યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં મારો સાથ નિભાવશો તો જ હું તમારી અર્ધાગિની બનવા તૈયાર છું. ચોથું વચન : ચોથા વચનમાં કન્યા વરને કહે છે કે, અત્યાર સુધી તમે પરિવારની તમામ જવાબદારીઓમાંથી મુક્ત હતા. હવે તમે વિવાહના બંધનમાં બંધાવા જઈ રહ્યા છો, તો ઘરની તમામ આવશ્યકતાઓને પૂરાં કરવાની જવાબદારી તમારી છે. જો તમે તમારી જવાબદારીઓને નિભાવવાનો સંકલ્પ લો છો તો હું લગ્ન માટે તૈયાર છું. પાંચમું વચન : આ વચનમાં કન્યા કહે છે કે, પોતાનાં ઘરનાં કાર્યોમાં, લગ્ન વગેરે, લેવડદેવડ અથવા અન્ય કોઈ કાર્યમાં ખર્ચ માટે તમે મારી સલાહ લેશો તો હું તમારીા અર્ધાગિની બનવાનું સ્વીકારું છું. હકીકતમાં જો કોઈ પણ કાર્યને કરતા પહેલાં પત્ની સાથે મંત્રણા કરી લેવામાં આવે તો તેનાથી પત્નીનું સન્માન વધે છે. આ લાગણી તેમના સંબંધોને વધારે સુદૃઢ બનાવે છે. છઠ્ઠું વચન : આ વચનમાં કન્યા વરને કહે છે કે, ઘરના બાકી સભ્યો અથવા અન્ય બહારના લોકો સામે તમે મારું અપમાન નહીં કરો. ખુદને તમામ પ્રકારનાં દુર્વ્યસનોથી દૂર રાખી મારી સાથે હંમેશાં સારો વર્તાવ કરશો તો હું તમારી પત્ની બનવાનું સ્વીકાર કરું છું. સાતમું વચન : સાતમા અને અંતિમ વચનમાં કન્યા માગે છે કે, જો તમે પરસ્ત્રીને મા સમાન સમજશો અને આપણા બેના સંબંધો વચ્ચે કોઈ ત્રીજાને નહીં લાવો તો હું તમારા વામાંગમાં આવવાનો સ્વીકાર કરું છું.

અન્ય સમાચારો પણ છે...