રસથાળ:નવા વર્ષે મહેમાનોને પીરસો સ્વાદિષ્ટ વ્યંજનથાળ....

એક મહિનો પહેલાલેખક: રિયા રાણા
  • કૉપી લિંક

નવા વર્ષે શુભેચ્છા આપવા માટે ઘરે આવતા મહેમાનોને રૂટિન કરતા કંઇક અલગ સ્વાદિષ્ટ વાનગી ખવડાવાથી તેમને આ અનુભવ અને તમારી પાકકલાનો સ્વાદ આખું વર્ષ યાદ રહેશે

વેજિટેબલ પોકેટ્સ

સામગ્રી
બાફેલા મકાઈ દાણા-પા કપ, સમારેલી ડુંગળી-2 નંગ, સમારેલું કેપ્સિકમ-પા કપ, સમારેલી કોબીજ-પ કપ, છીણેલું ગાજર-પા કપ, લસણની પેસ્ટ-2 ચમચી, સમારેલા લીલાં મરચાં-2 નંગ, છીણેલું આદું-પા ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, મીઠું-જરૂર મુજબ, ઘઉંનો લોટ-1 કપ, હળદર-1 ચમચી, લાલ મરચું પાઉડર-2 ચમચી, અજમો-1 ચમચી, મીઠું-જરૂર મુજબ, ગરમ મસાલો-1 ચમચી

રીત
સૌપ્રથમ લોટ બાંધી લેવો. કથરોટમાં ઘઉંનો લોટ, મેંદાનો લોટ, મીઠું અને મોણ લઇ નરમ લોટ બાંધવો. હવે એક બાઉલમાં બાકીની તમામ સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો. હવે બાંધેલા લોટમાંથી મોટી રોટલી વણી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરો. સ્ટફિંગ ભરી બંને બાજુથી ફોલ્ડ કરી પેક કરી દો. નોનસ્ટિક પેનમાં તેલ કે બટર વડે બંને સાઈડ બરાબર શેકો. ડીપ ફ્રાય પણ કરી શકાય. સર્વ કરતી વખતે વચ્ચેથી ભાગ કરી જેમ સર્વ કરો.

આલુ પૌંઆ ટિક્કી
સામગ્રી : પૌંઆ-1 કપ, બ્રેડ ક્રમ્સ-પા કપ, કોર્નફ્લોર-પા કપ, બાફેલા બટાકા-3 નંગ, સમારેલી ડુંગળી-અડધો કપ, સમારેલા ગાજર-પા કપ, લીલા મરચાં-3 નંગ, સમારેલી કોથમીર-1 ચમચી, આદુ-નાનો ટુકડો, મીઠું-સ્વાદ મુજબ, લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-અડધી ચમચી, ગરમ મસાલો-1 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, આમચૂર પાઉડર-અડધી ચમચી, જીરું પાઉડર-1 ચમચી, બ્રેડ ક્ર્મબ્સ-1 કપ, તેલ-જરૂર મુજબ

રીત : પૌંઆને ધોઈને પાંચ મિનિટ માટે પાણીના બાઉલમાં પલાળી પાણી નિતારી લેવું. પેપર નેપકીન ઉપર કોરા થવા મૂકી દેવા. હવે એક બાઉલમાં પૌંઆ લઈ તેમાં ઉપરોક્ત તમામ સામગ્રી ઉમેરો. સારી રીતે બધું જ મિક્સ કરી ટિક્કીનો શેપ આપી દો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં સમાય તેટલી ટિક્કી તળવા મૂકો. પહેલા ગેસ ફાસ્ટ રાખો પછી સ્લો ફ્લેમ પર તળવી. ગરમાગરમ ટિક્કી ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

દાળનાં સમોસાં

​​​​​​​સામગ્રી : પલાળેલી ચણાની દાળ-1 કપ, ઝીણી સમારેલી ડુંગળી-2 નંગ, બાફેલા બટાકા-2 નંગ, સમારેલા ફૂદીનાના પાન-2 ચમચી, સમારેલી કોથમીર-4 ચમચી, ઝીણા સમારેલા લીલાં મરચાં-3 નંગ, છીણેલું આદું-નાનો ટૂકડો, લીમડાનાં પાન-5થી 6 નંગ, હળદર-પા ચમચી, ધાણાજીરું-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, જીરું-1 ચમચી, મેંદાનો લોટ-2 કપ, તેલ-જરૂર મુજબ

રીત : સૌપ્રથમ મેંદાના લોટમાં મીઠું અને મોણ ઉમેરી સમોસા માટે મુલાયમ લોટ બાંધી લેવો. પલાળેલી દાળને કૂકરમાં હળદર સાથે થોડી છૂટી રહે તેમ અધકચરી બાફી લેવી. એક પેનમાં તેલ ગરમ થાય એટલે જીરું, લીમડો અને હિંગનો વઘાર કરી ડુંગળી સાંતળવી. બાકીની બધી સામગ્રી એક પછી એક ઉમેરી સાંતળતા જવું. થોડું તેલ છૂટે એટલે બાફેલી દાળ અને સમારેલા બાફેલા બટાકા મિક્સ કરી લેવા. અંતમાં સમારેલો ફુદીનો અને કોથમીર ભભરાવી ગેસ બંધ કરી દો. મિશ્રણને ઠંડું પડવા દો. કાપેલા ફુદીનો અને લીલાં ધાણા નાખી મિક્સ કરી લેવું. સમોસા માટેનો લોટ બાંધ્યો હતો તેમાં આ સ્ટફિંગ ભરી સમોસા તૈયાર કરી લો. ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી રૂટિન સમોસા કરતા કંઇક અલગ એવા સ્વાદિષ્ટ દાળના સમોસાની મજા માણો.

પનીર ટિક્કા સેન્ડવિચ
સામગ્રી
બ્રેડ સ્લાઈસ-8 નંગ,
પનીર-1 કપ, બટર-100 ગ્રામ, દહીં-અડધો કપ, લીલી ચટણી-પા કપ, ડુંગળી-2 નંગ, કેપ્સિકમ-1 નંગ, ટામેટા-2 નંગ, ચણાનો લોટ-4 ચમચી, લીંબુનો રસ-2 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-1 ચમચી, આમચૂર પાઉડર-1 ચમચી, ધાણાજીરું-1 ચમચી, જીરું પાઉડર-1 ચમચી, મરી પાઉડર-1 ચમચી, ચાટ મસાલો-1 ચમચી, કસૂરી મેથી-1 ચમચી, તેલ-2 ચમચી, લસણની પેસ્ટ-1 ચમચી, આદુ-મરચાંની પેસ્ટ-
અડધી ચમચી, સમારેલો ફૂદીનો-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ

રીત : બધાં વેજિટેબલ અને પનીર પણ ચોરસ કાપી લો. હવે ચણાના લોટને 1 મિનિટ માટે કોરો શેકી લો. એક મોટા બાઉલમાં બધા સૂકા મસાલા અને 1 ચમચી તેલ મિક્સ કરો. હવે તેમાં દહીં, લસણ અને આદુ-મરચાંની પેસ્ટ એડ કરો. બધા વેજિટેબલ અને પનીર ઉમેરી સરસ મિક્સ કરી દો. આ બાઉલ એક કલાક માટે ફ્રિજમાં મૂકી દો. સેન્ડવિચ બનાવતી વખતે મેરિનેટ કરેલા બાઉલમાંથી જરૂર મુજબ સ્ટફિંગ લેવું બાકીનું ફરી ઢાંકીને મૂકી દેવું. આ મિશ્રણ અગાઉથી તૈયાર કરી ફ્રિજમાં મૂકી દેવું. બ્રેડ સ્લાઈસ પર બટર અને લીલી ચટણી લગાવી એના પર મિશ્રણ પાથરી ચટણી લગાવેલી બીજી બ્રેડ મૂકી દો. સેન્ડવિચને ગ્રિલ કરી ટોમેટો સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રાજસ્થાની ઢોકળાંં
સામગ્રી :
મકાઇનો લોટ-1 કપ, ઘઉંનો લોટ-1 કપ, છીણેલું લસણ-4 કળી, છીણેલું આદું-પા ચમચી, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, સમારેલી કોથમીર-3 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ખાવાનો સોડા-અડધી ચમચી, હળદર-પા ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, તેલ-2 ચમચી, કસૂરી મેથી-1 ચમચી, દહીં-અડધો કપ, વઘાર માટે- તેલ-1 ચમચી, રાઇ-પા ચમચી, જીરું-પા ચમચી, તલ-1 ચમચી

રીત : એક પહોળા બાઉલમાં બંને લોટ, લસણ, આદું, મરચાં, કોથમીર, ગરમ મસાલો, ખાવાનો સોડા, મીઠું, મરચું, હળદર અને તેલ સારી રીતે મિક્સ કરો. હવે તેમાં દહીં નાખી હાથ વડે મસળો. સહેજ હુંફાળું પાણી લઈ લોટ બાંધો. હવે એક બાજુ સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકો. બાંધેલા લોટમાંથી મોટો ગોળો વાળી થોડું ચપટું કરી વચ્ચે કાણું પાડો. આવી રીતે બધા ઢોકળાં તૈયાર કરો. 8થી 10 મિનિટ સુધી બાફો. રાઈ, જીરું અને તલનો વઘાર તેના ઉપર રેડો. નવીન પ્રકારના લાગે તેવા રાજસ્થાની ઢોકળાં મહેમાનોને સર્વ કરો.

તીખા ઘૂઘરા

​​​​​​​સામગ્રી :
ઘૂઘરાના લોટ માટે: મેંદો-2 કપ, અજમો-પા ચમચી, તેલ મોણ માટે-3 ચમચી
પૂરણ માટે-ચણાની દાળ-1 કપ, બટાકા-4 નંગ, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, કોથમીર-2 ચમચી, જીરું-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, આમચૂર પાઉડર-અડધી ચમચી, લીંબુનો રસ-1 ચમચી
અન્ય સામગ્રી-તેલ-તળવા માટે, લીલી ચટણી, ખજૂર-આંબલીની ચટણી, સમારેલી ડુંગળી, લસણની ચટણી- મસાલા શીંગ, ઝીણી સેવ

રીત : મેંદામાં અજમો, મીઠું, અને મોણ ઉમેરી લોટ બાંધી લો. દાળને બે કલાક અગાઉ પલાળી લેવી. ત્યારબાદ કૂકરમાં એક સિટી વગાડી લેવી. હવે બટાકાને મસળી એમાં દાળ, કોથમીર, લીંબુનો રસ અને બધા મસાલા મિક્સ કરી દો. લોટમાંથી જાડી પૂરી વણી પૂરણ ભરી ઘૂઘરા વાળી લો અને ધીમા તાપે તળી લો. ઘૂઘરા સર્વિગ પ્લેટમાં લઈ વચ્ચે કાણું પાડી એમાં પસંદ મુજબ ત્રણેય ચટણી, સેવ, ડુંગળી, મસાલા શીંગ ભભરાવી પીરસો.

અન્ય સમાચારો પણ છે...