મીઠી મૂંઝવણ:દીદી-જીજાજીના ઝઘડા જોઇને લગ્ન કરવાનો ડર લાગે છે...

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોહિની મહેતા

પ્રશ્ન : હું 18 વર્ષની યુવતી છું અને મારા બોયફ્રેન્ડને બહુ પ્રેમ કરતી હતી. જોકે કેટલીક ગેરસમજને કારણે અમારું બ્રેક-અપ થઇ ગયું. હકીકતમાં મારા બોયફ્રેન્ડને લાગતું હતું કે હું મારા ‘રાખી-બ્રધર’ સાથે વધારે પડતી નિકટ છું અને અમારી વચ્ચે કોઇ સિક્રેટ અફેર ચાલી રહ્યું છે. મેં તેને સમજાવાનો પ્રયાસ કર્યો પણ તેને મારા પર વિશ્વાસ નહોતો અને એટલે અમારા સંબંધનો અંત આવ્યો. જોકે થોડા સમય પહેલાં મારા એક્સ બોયફ્રેન્ડના ભાઇએ મારો સંપર્ક કર્યો હતો અને કહ્યું કે તે મને બહુ પ્રેમ કરે છે પણ હું તેના ભાઇની ગર્લફ્રેન્ડ હતી એટલે તે પોતાની લાગણી વ્યક્ત કરતા અચકાતો હતો. હવે હું જ્યારે તેના ભાઇની ગર્લફ્રેન્ડ નથી ત્યારે તે મારી સાથે નવેસરથી સંબંધોની શરૂઆત કરવા ઇચ્છે છે. મારે શું કરવું? એક યુવતી (મહેસાણા) ઉત્તર : તમે હજી માત્ર 18 વર્ષના છે. તમારી વય ભણવાની છે, સંબંધોના આટાપાટામાં ફસાવાની નહીં. જ્યાં સુધી તમારી સમસ્યાની વાત છે ત્યાં સુધી જે થાય એ સારા માટે થાય છે. કોઇ પણ સંબંધની મજબૂતાઇનો પાયો વિશ્વાસ છે. તમારા એક્સ બોયફ્રેન્ડને તમારા માટે ભલે ગમે તેટલો પ્રેમ હોય અને તમે પણ એને ભરપૂર પ્રેમ કરતા હો પણ જો તેને તમારા પર વિશ્વાસ ન હોય તો આ સંબંધનો અંત લાવી દેવામાં જ ભલાઇ છે. હકીકતમાં તમારા બોયફ્રેન્ડે શંકા કરવાને બદલે તમારી વાત પર વિશ્વાસ કરવાની જરૂર હતી. હવે જ્યારે આ સંબંધનો અંત આવી ગયો છે ત્યારે એને ફરીથી શરૂ કરવાનો વિચાર પણ ન કરવો જોઇએ. જ્યાં સુધી એક્સ બોયફ્રેન્ડના ભાઇ સાથે રિલેશનશિપ શરૂ કરવાની વાત છે ત્યાં સુધી બને તો સંબંધોને જટિલ બનાવે એવા સંજોગોથી દૂર જ રહો. થોડો સમય બ્રેક લઇને ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરો. એક ઉજ્જ્વળ ભવિષ્ય તમારી રાહ જોઇ રહ્યું છે. પ્રશ્ન : હું એક યુવાનને પ્રેમ કરું છું, પણ એની સગાઇ થોડા દિવસમાં થવાની છે. હવે એને મારી લાગણીનો ખ્યાલ આવ્યો હોવાથી એ કહે છે કે તેની સગાઇ જે યુવતી સાથે નક્કી કરી છે, તેને ના પાડી દેશે અને મારી સાથે સગાઇ કરશે. હું એની સાથે સગાઇ કરું તો કોઇ સમસ્યા થાય ખરી? એક યુવતી (રાજકોટ) ઉત્તર : તમે જે યુવાનને પ્રેમ કરો છે, તેની સગાઇ જો થોડા દિવસમાં થવાની હોય અને હવે એ જેની સાથે સગાઇ નક્કી થઇ છે એ યુવતીને બદલે તમારી સાથે સગાઇ કરવાની વાત કરે છે. કાલે કદાચ બીજી કોઇ તમારાથી સારી યુવતી એને મળશે તો એ તમારી સાથેની સગાઇ તોડી નહીં નાખે એની કોઇ ખાતરી ખરી? જો તમે ખરેખર જ એ યુવાનને પ્રેમ કરતાં હો, તો હવે જેની સાથે એની સગાઇ થવાની છે, તેની સાથે જ સગાઇ થવા દો. પ્રેમમાં જરૂરી નથી કે પ્રિયપાત્રને પામવું. તમે એ યુવાનને પ્રેમ કરો છો, પણ શક્ય છે કે તમને એનાથી પણ વધારે પ્રેમ કરનારું કોઇ પાત્ર મળી જાય અને તમે એ યુવાનને ભૂલી જાવ એવું બનવાજોગ છે. માટે એને કહો કે એની જેની સાથે સગાઇ થવાની છે, તેની સાથે લગ્ન કરીને સુખી જીવન જીવે. તમે પણ તમારાં માતા-પિતાને કહો કે તેઓ તમારા માટે કોઇ સારું પાત્ર શોધે અને માતા-પિતાએ શોધેલા પાત્ર સાથે લગ્ન કરીને સુખેથી દાંપત્યજીવનનો આનંદ માણો એ તમારા અને એ યુવાન માટે વધુ હિતાવહ છે. પ્રશ્ન : મારાં લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે. હું ચાર વર્ષથી મારાં જેઠાણીનો ત્રાસ સહન કરી રહી છે. તેઓ મારી પીઠ પાછળ મારાં સાસુ-સસરા અને પતિને મારી ખોટી ફરિયાદો કરે છે. તેમનાં કારણે અમારા જીવનમાં ઘણી નકારાત્મકતા આવી ગઈ છે. મારે આ પરિસ્થિતિમાં શું કરવું જોઇએ? તો મને જણાવો કે મારે શું કરવું ? એક મહિલા (સુરત) ઉત્તર : કેટલીક વાતો આપણા નિયંત્રણમાં હોય છે જ્યારે અન્ય લોકોનું વર્તન આપણા હાથની વાત નથી. તે તમારા પતિને પણ તમારા વિરુદ્ધ કરવાનો પ્રયાસ કરે છે એનાથી તમે અકળાઇ જાઓ એ સ્વાભાવિક છે. જોકે આ સંજોગોમાં બળને બદલે કળથી કામ લેવાની જરૂર છે. જો માનસિક તણાવનો પડઘો વર્તનમાં પડે તો તેની અસર તમારા પતિ અને પરિવાર સાથેના સંબંધો પર પણ પડી શકે છે. જ્યારે તમને તક મળે ત્યારે તમે તમારા પતિ સાથે તમારી સાચી લાગણી વ્યક્ત કરો અને તેમની સાથે ચર્ચા કરો કે તમે તમારા સંબંધમાં શું ઈચ્છો છો. જ્યારે મન શાંત હોય ત્યારે તમે તમારો પક્ષ પણ સારી રીતે મૂકી શકશો. જો તમને લાગતું હોય કે તમારાં જેઠાણી તમારાં પતિને તમારાં વિરુદ્ધ ચઢામણી કરવાનો પ્રયાસ કરે છે તો તમે ઉશ્કેરાટમાં આવ્યા વગર પતિ સાથે તમારી લાગણીની ચર્ચા કરો. તમે વધારે માર્ગદર્શન માટે કોઈ કાઉન્સેલરની મુલાકાત લઈ શકો છો.

પ્રશ્ન : મારી મોટી બહેનનાં ચાર વર્ષ પહેલાં લગ્ન થયાં છે. મારાં દીદી અને જીજાજી બંનેનો સ્વભાવ બહુ સારો છે પણ આમ છતાં લગ્ન પછી તેમની વચ્ચે ક્યારેક ઝઘડા થાય છે. તેમની હાલત જોઇને તો મને લગ્ન કરવાની જ બીક લાગે છે. મેં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને હવે ઘરમાં મારા લગ્નની ચર્ચા થઇ રહી છે. મારે તો લગ્ન જ નથી કરવા. મારે શું નિર્ણય લેવો જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : મને એવું લાગે છે કે તમારા મનમાં લગ્ન વિશે કેટલીક ખોટી માન્યતાઓ છે જે વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. સૌથી પહેલાં તો તમારાં મનમાં લગ્ન વિશે જે કંઇ પણ ધારણા છે એને તટસ્થ રીતે મૂલવવી જોઇએ. કોઇ એક વ્યક્તિ કે પરિસ્થિતિને જોઇને લગ્ન વ્યવસ્થા વિશે કોઇ ખોટી ધારણા બાંધવામાં આવે એ યોગ્ય નથી. હકીકતમાં લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનનો અગત્યનો નિર્ણય ગણાય છે અને કદાચ આ જ કારણસર વ્યક્તિ પ્રેમ કરતાં પહેલાં વિચારે કે ન વિચારે, પણ લગ્ન બંધનમાં બંધાતાં પહેલાં જરૂર વિચારે છે. હકીકતમાં જ્યારે આપણે યુગલો વચ્ચે ઝઘડા જોઈએ ત્યારે લાગે છે કે તેમની વચ્ચે કશું પણ બરાબર નથી. હકીકતમાં બે અજાણી વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે ક્યારેક ઝઘડાનાં માધ્યમથી લાગણી વ્યક્ત કરતી હોય છે અને સંબંધમાં લાગણી વ્યક્ત કરવી જરૂરી છે. આમ, ક્યારેક થતા ઝઘડાનો અર્થ એવો ન કાઢી શકાય કે તેમની વચ્ચે પ્રેમ નથી કે તેઓ પોતાનાં લગ્નજીવનમાં સુખી નથી. એક સંબંધમાં બે વ્યક્તિઓ હોય છે અને બંનેની ખુશી મહત્ત્વની હોય છે. આમ, સૌથી પહેલાં તો તમે તમારી દીદી અથવા તો કોઇ સમજદાર મિત્ર કે પછી વડીલ પાસેથી લગ્નજીવન શું છે એ સમજવાનો પ્રયાસ કરો અને પછી જ કોઇ નિર્ણય પર પહોંચો. (સંબંધોની જટિલ સમસ્યામાં તમે પણ અટવાયા હો તો તમારા મનની મૂંઝવણ અમને જણાવો madhurimamagazine@gmail.com પર. તમને મળશે માનસિક હળવાશ આપે એવી સમજણ.)

અન્ય સમાચારો પણ છે...