તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસથાળ:બાપાને રિઝવો તેમના મનભાવતા મોદકથી

બિંદિયા ભોજક19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભિનેત્રી માધુરી દીક્ષિત નેને દ્વારા ખાસ બનાવાતા પારંપરિક ‘ઉકડીચે મોદક’
  • 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થઇ રહી છે. ગુજરાતમાં 11 દિવસ સુધી આ તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે. આ પર્વમાં ભગવાન ગણપતિને તેમના પ્રિય મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ચાલો જાણીએ સ્વાદિષ્ટ મોદક બનાવવાની કેટલીક રેસિપી...

અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેએ ગણપતિ ઉત્સવ દરમિયાન દર સાલ બાપાને ધરાવતા ‘ઉકડીચે મોદક‘ની પારંપરિક રેસિપી તેમના ચાહકો માટે શેર કરી છે. માધુરી તેમની આ રેસિપી શેર કરતાં કહે છે કે, ‘ઉકડીચે મોદક એક સ્વાદિષ્ટ ભારતીય મીઠી વાનગી છે, જે બાફેલા ચોખાના લોટમાંથી બને છે અને ગોળ અને છીણેલા નાળિયેરનાં મિશ્રણથી ભરપૂર હોય છે. ગણેશ ઉપાસનાના દિવસો ચાલી રહ્યાં હોય ત્યારે બાપાને ધરાવવા માટે અને પરિવારના ચહેરા પર આનંદ લાવવા માટે આ મોદક અવશ્ય બનાવવા જોઈએ. મને આ મોદક સાથે અગાઉનાં વર્ષોમાં કરેલી મિત્રો, પરિવાર અને સેટ પરની ઉજવણીની ક્ષણો હજુ પણ યાદ છે.‘

સ્ટફિંગ માટેની સામગ્રી: ગોળ-1 કપ, લીલા નારિયેળની છીણ- સવા કપ, એલચી પાઉડર-અડધી ચમચી, ખસખસ-1 ચમચી, બહારના પડ માટે સામગ્રી: ચોખાનો લોટ-2 કપ, ગરમ પાણી-પોણા બે કપ, ઘી -5 ચમચી

રીત : સૌપ્રથમ એક કડાઈમાં મધ્યમ તાપમાન પર ગોળને ઓગાળવો. ગોળ ઓગળ્યા બાદ તેમાં લીલા નાળિયેરની છીણ ઉમેરવી. આ બંને વસ્તુને મિક્સ કરીને એને ઓછામાં ઓછા દસ મિનિટ સુધી ચડવા દો કારણ કે લીલાં નાળિયેરની છીણ પાણી છોડી શકે છે. હવે તેમાં એલચી પાઉડર અને ખસખસ ઉમેરવી. હવે બહારનું પડ બનાવવા માટે એક બાઉલમાં ચોખાનો લોટ લઇ અને તેમાં ગરમ ​​પાણી ઉમેરી ચમચી વડે મિક્સ કરતા જાઓ. પાણી ગરમ હોવાના કારણે શરૂઆતમાં હાથ ન અડાડવો. સરસ કણક બાંધી અને તૈયાર થયેલી કણકને દસ મિનિટ માટે બાજુ પર રાખો. દસ મિનિટ પછી હવે તેમાં એક ચમચી ઘી ઉમેરી ફરી એકવાર મસળવું. હવે તેમાંથી હાથ વડે લોટને ફેલાવીને ગોળ આકાર આપવો. એક કટોરી જેવો આકાર આપવો અને તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લેવું. હાથ વડે તેની ટોચને બંધ કરો. મોદક મોલ્ડની અંદર થોડું ઘી લગાવી લેવું જેથી મોદક ચોંટે નહીં. હવે મોદકને મોલ્ડની મદદથી તૈયાર કરતા જવા. આ રીતે બધા મોદક તૈયાર કરી લેવા. હવે સ્ટીમરને ગરમ કરો. વાસણનાં તળિયે કેળાનાં પાન મૂકો અને વચ્ચે થોડી થોડી જગ્યા છોડી અને મોદકને સ્ટીમ થવા માટે મૂકો. આશરે દસથી બાર મિનિટ સુધી મોદકને થવા દો. હવે એક પ્લેટમાં મોદકને લઈ અને તેના ઉપર થોડું ઘી રેડો. આ સ્વાદિષ્ટ ફેસ્ટિવ મોદક બાપાને ભોગ ધરાવી પરિવાર સાથે તહેવારનો આસ્વાદ માણો.

કેસર માલતી મોદક

સામગ્રી : ઘી-2 ચમચી, દૂધ-2 ચમચી, મિલ્ક પાઉડર-1 કપ, માવો-1 કપ, ખાંડ-અડધો કપ, કેસર-8થી 10 તાંતણા, ઇલાયચી પાઉડર-1 ચમચી, જાયફળ પાઉડર-અડધી ચમચી, સ્ટફિંગ માટે : ઘી-1 ચમચી, ખજૂર-અડધો કપ, મિક્સ ડ્રાયફ્રૂટ કતરણ-પા કપ

રીત : કડાઈમાં ઘી ગરમ થાય એટલે દૂધ ઉમેરી થોડો થોડો કરીને મિલ્ક પાઉડર અને ત્યારબાદ ખાંડ ઉમેરો. ત્યારબાદ મસળેલો માવો, એલચી પાઉડર અને દૂધમાં પલાળેલું કેસર ઉમેરી પાંચ મિનિટ સુધી હલાવતા રહેવું. ગેસ બંધ કરી મિશ્રણને અન્ય બાઉલમાં ટ્રાન્સફર કરીને ઠંડું પડવા દેવું. હવે અન્ય કડાઈમાં સ્ટફિંગ તૈયાર કરવા માટે એક ચમચી ઘી ગરમ કરી તેમાં ખજૂર, ડ્રાયફ્રુટ કતરણ ઉમેરીને બધું એકરસ મિક્સ કરી ગેસ બંધ કરી સાઈડમાં ઠંડું પડવા દેવું. હવે મોદક મોલ્ડને ઘીથી ગ્રીસ કરી કેસર માવાનું મિશ્રણ ફરતું લગાવી વચ્ચે ખજૂર સ્ટફિંગ ભરી દો. ફરી ઉપર માવાનું મિશ્રણ લગાવી મોલ્ડને ધીમેથી ખોલી અને મોદક બહાર કાઢી લો. આવી રીતે બધા મોદક તૈયાર કરી એકદમ અનેરા મોદકનો આનંદ માણો.

પાન મોદક

સામગ્રી : કોપરાની છીણ-1 કપ, નાગરવેલનાં પાન-2 નંગ, ગ્રીન ફૂડ કલર-ચપટી, કન્ડેન્સ્ડ મિલ્ક-1 ચમચી, રોઝ એસેન્સ-5 ડ્રોપ્સ, ગુલકંદ-1 ચમચી, બદામ પાઉડર-4 ચમચી, કાજુ પાઉડર-4 ચમચી

રીત : એક બાઉલમાં નાગરવેલ પાનને હાથ વડે એકદમ નાના ટુકડા કરી લેવા. ત્યારબાદ તેમાં છીણેલો માવો, ગ્રીન ફૂડ કલર, કન્ડેન્સ્ડ મિલ્ક અને રોઝ એસેન્સ ઉમેરી મિક્સ કરવું. હવે અંદરનાં સ્ટફિંગ માટે ગુલકંદની અંદર કાજુ અને બદામ પાઉડર ઉમેરી નાના નાના બોલ્સ તૈયાર કરવા. માવાનાં મિશ્રણને હથેળીમાં ગોળ ફેલાવી વચ્ચે ગુલકંદ બોલ્સ મૂકી વાળી લેવા. હવે મોદક મોલ્ડને ગ્રીસ કરી એમાં મિશ્રણને મૂકી મોદકને આકાર આપી તૈયાર કરી લેવા.

ચીકુ ચોકલેટ મોદક સામગ્રી : ક્રશ પારલે-જી બિસ્કિટ-અડધો કપ, ક્રશ મેરીગોલ્ડ બિસ્કિટ-અડધો કપ, ઓગાળેલું બટર-2 ચમચી, દૂધ-2 ચમચી, ચોકલેટ પાઉડર-3 ચમચી, કોકો પાઉડર-1 ચમચી, ચીકુ પલ્પ-2 નંગ રીત : એક બાઉલમાં ક્રશ બિસ્કીટ, બટર અને દૂધ ચમચી વડે મિક્સ કરો. હવે તેમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, બૂરું ખાંડ અને ચીકુ પલ્પ ઉમેરી બધું મિક્સ કરી લેવું. મોદક મોલ્ડમાં શેપ આપી તૈયાર થયેલા મોદકને અડધો કલાક માટે ફ્રિજમાં સેટ કરી ઉપયોગમાં લેવા.

અન્ય સમાચારો પણ છે...