તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકબીજાને ગમતાં રહીએ:‘હોમ કમિંગ’ અંતે સહુ પાછા ફરે છે !

2 મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
 • કૉપી લિંક
 • દરેકે પોતાની મેચ્યોરિટી જાતે મેળવવી પડે છે, એ કોઈ કેપ્સ્યૂલ નથી કે આપણે આપણી મેચ્યોરિટી કોઈ વિટામિનની જેમ એના ગળે ઉતારી દઈએ અને એ દુનિયા સાથે લડવા ‘શક્તિશાળી’ બની જાય

ક્રિસમસના દિવસો ચાલી રહ્યા છે...જો સામાન્ય સંજોગો હોત તો કદાચ આખું વિશ્વ આ તહેવારને ઉમંગ અને ઉલ્લાસથી ઉજવતું હોત, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ઉમંગ અને ઉલ્લાસની ગેરહાજરી વર્તાયા વગર રહેતી નથી. કોરોનાનો બીજો દોર, બીજી લહેર આવીને ફરી એકવાર નુકસાન કરી રહી છે. અમેરિકા, ભારત અને બીજા કેટલાક દેશોમાં કોરોનાની આ બીજી લહેરથી અનેક મૃત્યુ થયાં, અનેક લોકોએ સ્વજનો ખોયાં. 2020ના દસ મહિના આખી દુનિયાનાં કેલેન્ડરમાંથી જાણે બાદ થઈ ગયા છે. આ દસ મહિના દરમિયાન આર્થિક, માનસિક અને માણસોના જીવનું બહુ મોટું નુકસાન થયું છે. ત્રણ દિવસમાં નવું વર્ષ શરૂ થશે. 2021ની સાલ આપણા સહુ માટે થોડી રાહત અને થોડી શાંતિની સાથે ખૂબ બધું સ્વાસ્થ્ય લઈને આવે એવી પ્રાર્થના કદાચ આખી દુનિયા કરી રહી છે. ક્રિસમસ સામાન્ય રીતે પરિવાર સાથે ઉજવવાનો તહેવાર છે. પશ્ચિમના દેશોમાં સંતાનો ક્યાંય પણ હોય ક્રિસમસ ઉજવવા પોતાના સંતાનોને લઈને માતા-પિતા પાસે પહોંચે છે. એ દેશોમાં ક્રિસમસને ‘હોમ કમિંગ’નો તહેવાર કહેવાય છે! દૂર કે બીજા સ્ટેટમાં, બીજા દેશમાં રહેતા સંતાનો વિશે ત્યાં માતા-પિતાને ઝાઝી ફરિયાદ નથી હોતી. અઢાર વર્ષનું સંતાન પોતાની વ્યવસ્થા કરી લે, મૂવઆઉટ થાય એવું માતા-પિતા પોતે પણ ઇચ્છે છે. આ એમની સંસ્કૃતિ અથવા એમનો રિવાજ છે. અઢાર વર્ષ પછી સંતાન પોતે પણ સ્વતંત્ર થઈને જિંદગીની શક્યતાઓને તપાસવાનો પ્રયાસ કરે છે. એમનું સાહસ અને મહેનત કરવાની તૈયારીની સાથે સાથે જિંદગીના મહત્વના નિર્ણયો જાતે લેતા શીખે એવો પણ આ રિવાજ સાથે જોડાયેલો એક મહત્ત્વનો વિચાર છે.

પશ્ચિમને આપણે કદાચ ઘણીબધી રીતે ન સ્વીકારીએ, પરંતુ આ બાબતમાં પશ્ચિમના આ રિવાજની હિમાયત કરવી જોઈએ. મોટી વય સુધી માતા-પિતાની સાથે રહેતાં સંતાનો જિંદગીના ઘણા સાહસો અને અનુભવોથી વંચિત રહી જાય છે. એમને ભૂલ કરવાનો અધિકાર આપતાં આપણે અચકાઈએ છીએ, એટલું જ નહીં, બલકે એ જિંદગીમાં કોઈ ભૂલ જ ન કરે એવી તકેદારી સાથે એમનો ઉછેર કરીએ છીએ. હાસ્યાસ્પદ બાબત એ છે કે ભૂલ કર્યા વગર કોઈ યુવાની પ્રૌઢાવસ્થા તરફ પ્રવાસ કરી શકતી જ નથી! જે સંતાનોને સ્વતંત્રતા મળે છે એ આકાશ માપી શકે છે. નવી અને કાચી પાંખો સાથે આકાશ માપવા નીકળેલું પંખી એકપણ વાર પછડાય નહીં એ અપેક્ષા વધુ પડતી નથી? પશ્ચિમના માતા-પિતા માને છે કે એમનું પછડાવું, અથડાવું, કુટાવું, નિષ્ફળ કે નિરાશ થવું, સંબંધો બંધાવા-તૂટવા, બ્રેકઅપ અને હાર્ટબ્રેક થવા એ એમનાં વ્યક્તિત્વ ઘડતરનો અમૂલ્ય અને અનિવાર્ય હિસ્સો છે. આપણે ત્યાં માતા-પિતા ‘કાળજી’ના નામે નિયંત્રણો ઠોકી બેસાડે છે. ‘મારો દીકરો’ અથવા ‘મારી દીકરી’ શું કરી શકે અને શું ન કરી શકે, એ વિશે પાક્કા ડુઝ અને ડોન્ટ્સનું એક લિસ્ટ એમને પકડાવી દેવામાં આવે છે. એમનું અસ્તિત્વ માતા-પિતાનો પડછાયો બની જાય છે. પરિવારનો ટેગ કેરી કરતું સંતાન સંસ્કારી, સભ્ય કે સંવેદનશીલ હોય એવો પ્રયાસ ચોક્કસ કરવો જોઈએ, પરંતુ એના સાહસ કે સ્વતંત્રતાનો કન્ટ્રોલ એના પોતાના હાથમાં રહેશે તો જ એને સ્પીડ ઉપર નિયંત્રણ રાખતાં આવડશે એ વાત માતા-પિતાએ સમજી લેવી જોઈએ.

શું પહેરવું, શું ખાવું, ક્યાં જવું, કોને મળવું, કોને મિત્ર બનાવવા અને અભ્યાસમાં કે શિક્ષણમાં કઈ કારકિર્દી હોવી જોઈએ આ બધા વિષયો અત્યંત વ્યક્તિગત પસંદગીના વિષયો છે. ભારતીય માતા-પિતા આ બધા ઉપર પોતાનું નિયંત્રણ છોડવા તૈયાર થતા નથી. તકલીફ એ છે કે જ્યાં ખરેખર નિયંત્રણ રાખવાનું છે, રાખવું જોઈએ એ વિશે આ જ માતા-પિતા પૂરી સ્વતંત્રતા આપે છે. પૈસા વાપરવા, મોડી રાત્રે પાછા ફરવું કે સંતાનના ફેસબુક-ઈન્સ્ટા વિશે માતા-પિતાનું કોઈ નિયંત્રણ નથી. મોટાભાગના માતા-પિતાને એવી ખબર પણ નથી કે એમના સંતાનો ફેસબુક-ઈન્સ્ટા ઉપર શું અપલોડ કરે છે અથવા એ મોડી રાત્રે બહાર હોય છે ત્યારે એ ક્યાં હોઈ શકે છે. આ સવાલો પૂછાવા જોઈએ, જે ‘મોડર્ન’ હોવાના આપણા દંભ હેઠળ આપણે પૂછતા નથી. બહારગામ ભણતા સંતાનને ‘શું ખાધું?’ એવું ચોક્કસ પૂછીએ છીએ, પરંતુ એ પૈસા ક્યાં વાપરે છે અથવા એનાં જીવનમાં કોઈ છોકરો કે છોકરી છે? જો છે તો એનાં સંબંધો ક્યાં સુધી વિસ્તરેલા છે એ વિશે ચર્ચા કરતાં આપણને આપણી મર્યાદા અને સંસ્કૃતિ નડી જાય છે. સત્ય તો એ છે કે સંતાનના જીવનની રજેરજ માહિતી માતા-પિતા પાસે હોવી જોઈએ, પરંતુ એ માહિતીનો કેવો, કેટલો અને ક્યાં ઉપયોગ કરવો એ આપણે સહુએ માતા-પિતા તરીકે શીખવાનું હજી બાકી છે.

કેટલાંક પરિવારોમાં સંતાનો સાથેના બોન્ડ અથવા સમજણ મજબૂત હોય છે. ઉછરી રહેલા ટીનએજ કે ટ્વેન્ટીઝમાં પ્રવેશેલા બાળકો માતા-પિતા સાથે બધી જ વાત કરે છે. જો આવું હોય તો એ સદભાગી માતા-પિતાએ સારા શ્રોતા બનીને સાંભળતા શીખવું જોઈએ. દરેક વખતે સંતાનને સલાહની જરૂર નથી હોતી એ આપણે સમજવું પડશે. એ આપણી સાથે વાત કરે છે ત્યારે એક ‘લાઉડ થિન્કિંગ’ કરે છે. એ બોલે છે ત્યારે એ સમાંતર રીતે એ જ સમયે કંઈક વિચારે પણ છે. એને એ વખતે એક બાઉન્સિંગ બોર્ડની, એક એવી મજબૂત દીવાલની જરૂર છે જ્યાં પછડાઈને એના વિચારો એના સુધી પાછા આવે. પાછા આવેલા વિચારો કોઈ નવા સ્વરૂપે, એના પ્રશ્નોનાં સમાધાન અને એની ગૂંચવણોના ઉકેલ પોતાની સાથે જ લાવે છે. એને દરેક વખતે આપણી પાસે સલાહ, સૂચના કે સાંત્વનાની અપેક્ષા નથી હોતી, ક્યારેક આપણે માત્ર સાંભળી લઈએ એટલી જ એની જરૂરિયાત હોય છે. માતા-પિતા તરીકે આપણે ચૂપચાપ સાંભળતા શીખ્યા જ નથી. આપણે એક અભિપ્રાય અને ‘અનુભવ’ એમના માથા પર ઠોકી બેસાડવો હોય છે. આપણા અનુભવનો સમય, સ્થળ અને કાળ જુદા છે. આપણો અભિપ્રાય એ જુદા સમય અને સંજોગોને આધારે ઘડાયો છે. આજે સમય અને સંજોગો જુદા છે. સ્થળ અને કાળ પણ બદલાયા છે, ત્યારે એમને એમના સમયનો અને સંજોગોનો પોતાનો આગવો અનુભવ લેવા દેવો એ માતા-પિતા તરીકે આપણી ફરજ છે અને એમના વ્યક્તિત્વ ઘડતરનો અનિવાર્ય ભાગ છે.

જો, માતા-પિતા સાથે સમજણ અને સંવાદનો બોન્ડ હોય તો સંતાન એમને પોતાના મનમાં ચાલતી વાતો ‘જણાવે’ છે. એના દિવસનો કેટલોક હિસ્સો એ માતા પિતા સાથે શેર કરે છે. એના પ્લાન્સ અથવા સપનાંની, કલ્પનાની દુનિયામાં એ માતા-પિતાને પ્રવેશ આપે છે. આવું હોય તો આપણે સદભાગી માતા-પિતા છીએ. એના સપનાંની દુનિયામાં પ્રવેશીને ત્યાં આપણા સપનાં ગોઠવી દેવાની ભૂલ નહીં કરતા. એની કલ્પનાઓને ‘તુક્કા’ ગણાવીને, એને ‘રિયાલિટી’ વિશે ભાષણ આપવા નહીં બેસતા. દરેક વ્યક્તિને પોતાના હિસ્સાનાં સપનાં જોવાનો અધિકાર હોય છે, એ સપનાં તૂટે ત્યારે જ એનામાં મેચ્યોરિટી અથવા રિયાલિટીની સમજણ જન્મ લેતી હોય છે. દરેકે પોતાની મેચ્યોરિટી જાતે મેળવવી પડે છે, એ કોઈ કેપ્સ્યૂલ નથી કે આપણે આપણી મેચ્યોરિટી કોઈ વિટામિનની જેમ એના ગળે ઉતારી દઈએ અને એ દુનિયા સાથે લડવા ‘શક્તિશાળી’ બની જાય. એણે ભૂલો, નિષ્ફળતા, તકલીફ, પીડા અને સંઘર્ષમાંથી પસાર થવું જ જોઈએ, જેથી એને બીજા પ્રત્યે સંવેદના જાગે અને પોતાના માતા-પિતાની પીડા અને સંઘર્ષ સમજાય. ક્રિસમસને કદાચ એટલે જ ‘હોમ કમિંગ’ કહેવાય છે. અઢાર વર્ષે ઘર છોડીને ‘મૂવ આઉટ’ થયેલું બાળક, મેચ્યોર વ્યક્તિ બનીને પરિવાર સાથે સમય પસાર કરવા દર વર્ષે પાછું ફરે એનાથી વધુ ઉત્તમ ‘હોમ કમિંગ’ કયું હોઈ શકે ? kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો