તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટ મંત્ર:સિંગલ યુવતી માટે સંતાન એડોપ્ટ કરવાના નિયમો

રશ્મિ શાહ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગલ પેરેન્ટ બનવાનાં પોતાનાં આગવા ફાયદા અને નુકસાન છે એટલે નિર્ણય લેતાં પહેલાં કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જોઇએ

આર્થિક રીતે પગભર થયા પછી અનેક સિંગલ યુવતીઓ સંતાન એડોપ્ટ કરીને માતા બનવાનો વિકલ્પ પસંદ કરવા લાગી છે. ઘણી યુવતીઓ લગ્ન નથી કરવા ઇચ્છતી પણ માતૃત્વનો આનંદ માણવા ઇચ્છે છે. કેટલીક યુવતીઓ ડિવોર્સના કડવા અનુભવ પછી માતૃત્વની લાગણીની અનુભૂતિ કરવા માટે બીજી વાર લગ્ન કરવાને બદલે સંતાન એડોપ્ટ કરવાનો વિકલ્પ પસંદ કરતી થઇ છે. હકીકતમાં યુવક કે યુવતી સિંગલ હોય કે પરિણીત, પણ જો ગંભીરતાથી સંતાન એડોપ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોય તો એ માટે ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ http://cara.nic.in/ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સમગ્ર ભારતમાં આ પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બને એ માટે એ ફરજિયાત ઓનલાઇન છે. વયમર્યાદા ભારતમાં સિંગલ મધર માટે લઘુત્તમ વય 25 વર્ષ કરી દેવામાં આવી છે. આ જ રીતે જો કોઇ સિંગલ પુરુષ બાળક દત્તક લેવા ઇચ્છતો હોય તો એના માટે પણ લઘુત્તમ વય 25 વર્ષ જ છે. સિંગલ યુવતી કે યુવક મહત્તમ 45 વર્ષની વય સુધી ચાર વર્ષની વય સુધીના બાળકને દત્તક લઇ શકે છે. સિંગલ યુવતી કે યુવકની વય 45થી 50 વર્ષની વચ્ચે હોય તો તેઓ 4થી 8 વર્ષની વયનાં બાળકને અને જો વય 50થી 55 વર્ષની વચ્ચે હોય તો 8થી 18 વર્ષની વયનાં બાળક કે કિશોરને દત્તક લઇ શકે છે. 55 વર્ષથી વધારે વયની સિંગલ મહિલા કે પુરુષ એડોપ્શન માટે કાયદાકીય રીતે ગેરલાયક છે. આ વિશે વિશેષ માહિતી ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ખાસ નિયમ સિંગલ યુવતી અથવા તો સિંગલ યુવક બાળકને દત્તક લેવા ઇચ્છે તો તેમના માટે એક ખાસ નિયમ છે. જો સિંગલ યુવતી સંતાન દત્તક લેવાં ઇચ્છે તો બાળક અથવા બાળકી બંનેમાંથી કોઇ પણ જાતિનાં સંતાનને દત્તક લઇ શકે છે. જો સિંગલ યુવક સંતાન એડોપ્ટ કરવા ઇચ્છે તો કાયદા પ્રમાણે એ બાળકી દત્તક નથી લઇ શકતો પણ માત્ર બાળક (પુરુષ સંતાન) જ એડોપ્ટ કરવા માટે પાત્રતા ધરાવે છે. સિંગલ પેરેન્ટે ધ્યાનમાં રાખવાના મુદ્દા સિંગલ પેરેન્ટ બનવાનાં પોતાનાં આગવા ફાયદા અને નુકસાન છે. જો તમે સિંગલ પેરેન્ટ બનવાની દિશામાં ગંભીરતાપૂર્વક વિચારતા હો કેટલાક મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જોઇએ. જો તમે સિંગલ પેરેન્ટ બનવા ઇચ્છતા હો તો તમારી જાતને સવાલ કરો કે શું તમે બાળકની એકલા હાથે સંભાળ લેવાં માટે નાણાકીય રીતે સક્ષમ છો? જો તમે વર્કિંગ હો તો તમારી પાસે તમારી ગેરહાજરીમાં બાળકની સંભાળ રાખી શકે એવી મજબૂત સપોર્ટ સિસ્ટમ છે? શું તમે એક બાળકની જરૂરિયાત પૂરી કરવા માટે તેમજ ઉછેરમાં પડતી સમસ્યાઓને ઉકેલવા માટે જરૂરી માનસિક સજ્જતા ધરાવો છો? જો તમને પોતાની જાતને આ સવાલોના સંતોષકારક જવાબ આપી શકો તો જ બાળકને એડોપ્ટ કરવાની દિશામાં ગંભીરતાથી આગળ વધો.

અન્ય સમાચારો પણ છે...