તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસથાળ:સ્વાદની રંગત જમાવે ભાતભાતનાં ભજિયાં

બિંદિયા ભોજક21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝરમર વરસાદ પડતો હોય ત્યારે ચાના કપ સાથે અલગ અલગ સ્વાદનાં ભજિયાંની પ્લેટ વાતાવરણ અને મૂડની રંગતમાં વધારો કરી દે છે. સ્વાદના શોખીનો માટે સ્વાદિષ્ટ ભજિયાંની રેસિપી...

લસણિયા બટાકા ભજિયાં સામગ્રી : ચણાનો લોટ-1 કપ, નાના બટાકા-8 નંગ, હળદર-અડધી ચમચી, હિંગ-પા ચમચી, ઈનો-પા ચમચી, લીંબુ-1 નંગ, મીઠું-સ્વાદ મુજબ, પાણી-જરૂર મુજબ, લસણની ચટણી-અડધી વાડકી રીત : સૌપ્રથમ બટાકાની છાલ ઉતારી લેવી. બટાકાને વચ્ચેથી એક કાપો પાડી તેમાં લસણની ચટણી ભરવી. આ રીતે નાના નાના બટાકા તૈયાર કરી તેને વરાળમાં બાફી લેવા. હવે એક વાસણમાં ચણાનો લોટ, હળદર, હિંગ, લાલ મરચાં પાઉડર, મીઠું, ઈનો, લીંબુનો રસ, એક ચમચી તેલ અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું. બાફેલાં લસણની ચટણી ભરેલાં બટાકાને આ ખીરામાં ડીપ કરીને ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળવા. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તળી લેવા. ગરમ ગરમ તીખાં લસણિયા બટાકા વરસતા વરસાદમાં ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

રાઈસ પકોડા

સામગ્રી : રાંધેલો ભાત-2 કપ, છાસ-અડધો કપ, ચણાનો લોટ-1 કપ, લીલાં મરચાં-3 નંગ, ડુંગળી-1 નંગ, કોથમીર-1 કપ, લાલ મરચું પાઉડર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ઈનો-અડધી ચમચી રીત : રાંધેલા ભાતને છાસમાં અડધો કલાક પલાળીને રાખવાં. ત્યારબાદ તેમાં ચણાનો લોટ, સમારેલાં લીલાં મરચાં, સમારેલી ડુંગળી, કોથમીર, મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરી હાથ વડે ખૂબ ફીણવું. ભજિયાંં ઉતારતી વખતે ઈનો નાખવો. તેલ ગરમ થાય એટલે નાનાં નાના ભજિયાંં ઉતારવા. મિડિયમ તાપમાન પર ગોલ્ડન બ્રાઉન તળવા. રાઈસ પકોડા ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

સામગ્રી : મગની દાળ-2 કપ, મેથી-પા કપ, કોથમીર-પા કપ, પાલક-પા કપ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, લસણ પેસ્ટ-1 ચમચી, સમારેલી ડુંગળી-1 નંગ, આખા ધાણા-1 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, હીંગ-પા ચમચી, ખાવાનો સોડા-ચપટી, મીઠું-સ્વાદ મુજબ રીત : સૌપ્રથમ મગની દાળને પાણી વડે ધોઈને 4-5 કલાક માટે પલળવા દેવી. હવે પાણી નિતારીને મિક્સરમાં અધકચરી પીસી લો. પીસેલી દાળમાં હળદર, લાલ મરચું પાઉડર, આખા ધાણા, મીઠું, હીંગ, ડુંગળી, આદું-મરચાં લસણની પેસ્ટ, દરેક ભાજી અને સોડા ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. કડાઈમાં તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. એને ખજૂરની ચટણી સાથે સર્વ કરો.

પાલક પકોડા સામગ્રી : ચણાનો લોટ-2 કપ, સમારેલી પાલક-1 કપ, તીખાં લીલાં મરચાં-4 નંગ, આદું-1 ટુકડો, મરી પાઉડર-અડધી ચમચી, સાજીનાં ફૂલ-અડધી ચમચી, પાણી-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ રીત : ચણાના લોટમાં આદું-મરચાંની પેસ્ટ, સમારેલી પાલક, મીઠું, મરી પાઉડર અને જરૂર મુજબ પાણી ઉમેરવું. હવે સાજીનાં ફૂલ ઉમેરી બરોબર મિક્સ કરી ખીરાને અડધો કલાક રેસ્ટ આપવો. હવે તળવા માટે તેલ બરાબર ગરમ થાય એટલે મિડિયમ સાઈઝના જાળીદાર પાલક પકોડા તળી લેવા. તળતી વખતે વધુ લાલ ન થવા દેવા. લીલાં મરચાં અને ખજુર આંબલીની ચટણી સાથે સર્વ કરવું.

મેથીનાં ભજિયાં

​​​​​​​સામગ્રી : મેથીની ભાજી-1 કપ, કોથમીર-પા કપ, રવો -3 ચમચી, હળદર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ખાવાનો સોડા-પા ચમચી, આખા ધાણા-અડધી ચમચી, લીલાં મરચાંની પેસ્ટ-1 ચમચી, આદું પેસ્ટ-અડધી ચમચી, ચણાનો લોટ-1 કપ, હિંગ-પા ચમચી, અધકચરાં મરી-પા ચમચી રીત : મેથી ભાજી અને કોથમીરને બારીક સમારી લેવી. પાણી વડે ધોઈ અને નીતરી લેવી. ત્યારબાદ ઉપરોક્ત તમામ સામગ્રી મિક્સ કરી ખીરું તૈયાર કરવું. ખીરું જાડું રાખવું. ગરમ તેલમાં સ્વાદિષ્ટ ભજિયાં તળીને પીરસો.

મિર્ચી વડા

​​​​​​​સામગ્રી : ઘોલર મરચાં-5થી 7 નંગ, બાફેલા બટાકાનો માવો-3 નંગ, લીલાં મરચાંની પેસ્ટ-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, હળદર-અડધી ચમચી, આખાં ધાણા-1 ચમચી, શેકેલા સીંગદાણાનો ભૂકો-1 ચમચી, લીંબુનો રસ-અડધી ચમચી, આમચૂર પાઉડર-અડધી ચમચી, મરી પાઉડર-પા ચમચી, સમારેલી કોથમીર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ ખીરાં માટે : ચણાનો લોટ-1 કપ, કોર્ન ફ્લોર-2 ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, હળદર-પા ચમચી, અજમો-પા ચમચી, મરી પાઉડર-પા ચમચી, બેકિંગ સોડા-પા ચમચી, ઝીણી સમારેલી કોથમીર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ રીત : સૌપ્રથમ મરચાં ધોઈ, કાપા પાડી અને બી કાઢી લેવા. એક બાઉલમાં ખીરું બનાવવા માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. સ્ટફિંગ માટેની બધી સામગ્રી બરાબર મિક્સ કરી મરચાંમાં સ્ટફિંગ ભરી લો. હવે તેલ ગરમ થાય એટલે ભરેલાં મરચાં ખીરામાં બોળી તળી લો. તૈયાર છે ગરમા ગરમ મિર્ચી વડા.

અન્ય સમાચારો પણ છે...