વુમન ઇન ન્યૂઝ:મૂળ ભારતીય સ્વાતિ ઢીંગરાને બેંક ઓફ ઇંગ્લેન્ડમાં સોંપાઇ મોટી જવાબદારી

એક મહિનો પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

ભારતીય મૂળનાં અર્થશાસ્ત્રી ડો. સ્વાતિ ઢીંગરાની બેંક ઓફ ઇંગ્લેન્ડની મોનિટરી પેનલમાં એક્સટર્નલ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આ‌વી છે. આ પદની જવાબદારી સંભાળનાર તેઓ ભારતીય મૂળનાં પ્રથમ મહિલા છે. તેઓ હાલમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (એલએસઇ)માં અર્થશાસ્ત્રના અસોશિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે.
પ્રારંભિક અભ્યાસ
સ્વાતિ ઢીંગરાએ પોતાનો પ્રારંભિક અભ્યાસ દેહરાદૂનની વેલહમ ગર્લ્સ સ્કૂલમાં કર્યો છે. તેઓ 1998ની બેચનાં સભ્ય હતાં. ડો. સ્વાતિ ઢીંગરાની બેંક ઓફ ઇંગ્લેન્ડની મોનિટરી પેનલમાં એક્સટર્નલ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારે સ્કૂલ દ્વારા ટ્વિટર પર તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
આ પછી સ્વાતિએ દિલ્હી યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાનો અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો હતો. આટલા અભ્યાસ પછી પણ સ્વાતિ આગળ અભ્યાસ કરવા
માગતાં હતાં એટલે તેમણે વિસ્કોસિન-મેડિસન યુનિવર્સિટીમાંથી એમએસ અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો.
હવે તેઓ ત્રણ વર્ષના કાર્યકાળ માટે બ્રિટિશ કેન્દ્રિય બેંકની મોનિટરી પેનલ કમિટી (એમપીસી)માં શામેલ થશે. એમપીસી બ્રિટનની મોનિટરી પોલિસી વિશે નિતિગત નિર્ણયો લે છે. આ કમિટીમાં બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર, એના ત્રણ ડેપ્યુટી ગવર્નર, એક અન્ય સભ્ય સિવાય ચાર બહારના સભ્યોને સમાવેશ થાય છે.
પ્રતિભાની ઓળખ
બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક દ્વારા સ્વાતિ ઢીંગરાની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. આ નિમણૂક વખતે તેમણે કહ્યું હતું કે આશા છે કે સ્વાતિ પોતાની સાથે નવા વિચારોની લહેર લાવશે. તેઓ એમપીસીના સભ્ય માઇકલ સોન્ડર્સની જગ્યા લેશે.
એમપીસીમાં થયેલી નિમણૂક વિશે સ્વાતિએ નિવેદન આપ્યું છે કે ‘આ સમિતિનું કામ બહુ મહત્ત્વનું છે કારણ કે મહામારી અને યુદ્ધના વૈશ્વિક પડકારો વચ્ચે
બ્રિટનમાં આર્થિક પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે.’

વિદેશમાં અભ્યાસ પહેલાં

હાલમાં યુવાનોમાં વિદેશમાં અભ્યાસ કરવા જવાનો ક્રેઝ પ્રવર્તી રહ્યો છે. તેઓ ઉત્સાહમાં ત્યાં ચાલ્યા તો જાય છે પણ બીજા દેશના સાંસ્કૃતિક ધોરણો, અભ્યાસ, ભાષા, ખોરાક, વાહનવ્યવહાર અને રોજની દિનચર્યામાં તેમને બહુ તફાવત લાગે છે અને આ કારણે તેમને મોટો કલ્ચરલ શોક લાગે છે. જોકે આમ છતાં તમે વિદેશમાં અભ્યાસ કરીને સફળતાનો સ્વાદ માણવા ઇચ્છતા હો તો કેટલાક મુદ્દાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા અનુભવને આધારે ટેલેન્ટ અને શક્તિઓને શોધો જે તમને આંતરિક તેમજ બાહ્યરીતે મદદરૂપ થશે. સેલ્ફ એસેસમેન્ટ દ્વારા વ્યક્તિગત જ્ઞાનને વધારો. તે નવા શૈક્ષણિક વાતાવરણ સાથે પરિચિત થવામાં મદદરૂપ થશે. તમારું લક્ષ્ય સ્પષ્ટ રાખો. સારી રીતે વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરવાના અને સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએટ થવાના લક્ષ્યની સાથે સાથે તમારા લોંગ ટર્મ ગોલ શું છે અને આજથી 10 કે 20 વર્ષ પછી તમારી જિંદગી શું હશે? આ ભવિષ્યની છબીઓ તમારા અભ્યાસની સાથે સાથે તૈયાર રાખો અને તેમાં સફળતા મેળવવા તમારી જાતને તૈયાર રાખો. આ સિવાય તમારી આંતરિક શક્તિઓ અને તમારા લક્ષ્યને સાથે રાખી આગળની યોજનાઓ રચો. વિદેશમાં તમે જે મુખ્ય કોર્સ, વિષય, ઇતર પ્રવૃત્તિઓ પસંદ કરો છો તે તમારા કરિયરને સંલગ્ન હોવી જોઈએ અને માત્ર અન્યની દેખાદેખીએ કે સલાહથી પસંદ કરેલી ન હોવી જોઈએ.લાંબા સમયગાળા માટે નવું શીખવાની તૈયારી રાખો. જે કંઈ નવું શીખો તેના દ્વારા પોઝિટિવ બદલાવ લાવવાની કોશિશ કરો.

અન્ય સમાચારો પણ છે...